Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈમાં બંધાયેલા વહાણ મિન્ડેનના તૂતક પર અમેરિકાનું રાષ્ટ્રગીત લખાયું

મુંબઈમાં બંધાયેલા વહાણ મિન્ડેનના તૂતક પર અમેરિકાનું રાષ્ટ્રગીત લખાયું

17 August, 2019 08:49 AM IST | મુંબઈ ડેસ્ક
દીપક મહેતા - ચલ મન મુંબઇ નગરી

મુંબઈમાં બંધાયેલા વહાણ મિન્ડેનના તૂતક પર અમેરિકાનું રાષ્ટ્રગીત લખાયું

HMS ત્રિન્કોમાલી

HMS ત્રિન્કોમાલી


ચલ મન મુંબઈ નગરી

આજે આપણાં પારસી ભાઈબહેનોનું નવું વરસ છે એટલે સૌથી પહેલાં તો તેમને નવરોઝ મુબારક. અને આજે જેમનું નવું વરસ છે એ કોમના એક ખાનદાનની વાત આજે કરવી છે. આ ખાનદાનનું નામ માત્ર મુંબઈમાં જ રોશન નથી થયું, આ ખાનદાનનું નામ માત્ર હિન્દુસ્તાનમાં જ રોશન નથી થયું; પણ આ ખાનદાનનું નામ આખી દુનિયામાં રોશન થયેલું છે. વાતની શરૂઆત આપણે ઈસવી સન ૧૭૩૫થી કરવી પડશે. એ વખતે મુંબઈમાં કંપની સરકારનું રાજ હતું. એટલે સરકાર હતી મોટી વેપારી કંપની જેવી. એનું મુખ્ય કામ વેપાર કરવાનું અને એ વખતે દેશાવર સાથેનો બધો વેપાર દરિયાઈ માર્ગે જ થતો. પણ ખાટલે મોટી ખોડ એ હતી કે મુંબઈમાં વહાણ બાંધવાની કે વહાણનું સમારકામ કરવાની સગવડ ક્યાંય નહોતી. એટલે એવા કામ માટે સુરત પર આધાર રાખવો પડતો હતો. હવે બન્યું એવું કે કંપની સરકારનું ધ ક્વીન નામનું એક વહાણ સુરતમાં બંધાતું હતું. એના બાંધકામ પર દેખરેખ રાખવાને માટે મુંબઈ સરકારે પોતાના મિસ્ટર ડડલી નામના એક અધિકારીને સુરત મોકલ્યા. એ સાહેબે સુરતમાં બંધાતું હતું એ જહાજ પર દેખરેખ તો રાખી જ પણ તેમની ચકોર નજરે ત્યાં કામ કરતા એક કારીગરને ઓળખી લીધો. એ કારીગરનું નામ લવજી નસરવાનજી વાડિયા. પેલા અંગ્રેજ અધિકારીએ ધીમે-ધીમે લવજીભાઈને સમજાવ્યા કે અહીં સુરતમાં પડ્યા રહેવા કરતાં જો તમે મુંબઈ આવો તો ત્યાં ઘણાં મોટાં મોટાં કામ કરી શકો એવી આવડત અને લાયકાત તમારામાં છે. પણ લવજીભાઈ હતા તેમના શેઠ ધનજીભાઈને પૂરેપૂરા વફાદાર. એટલે તેમણે કહ્યું કે મારા શેઠ જો રાજીખુશીથી મને જવાની પરવાનગી આપે તો જ હું તમારી સાથે મુંબઈ આવું. ડડલીની વાત પહેલાં તો શેઠે માની નહીં. એટલે એ અધિકારીએ પોતાના ઉપરીને કહીને સરકારનું દબાણ કરાવ્યું. એટલે શેઠે છેવટે લવજીભાઈને કહ્યું કે તમારે જવું હોય તો સાહેબ સાથે મુંબઈ જાઓ, મને વાંધો નથી.



અને પોતાના બીજા થોડા સાથી કારીગરોને લઈને લવજીભાઈ નસરવાનજી ૧૭૩૫માં સુરતથી મુંબઈ આવી પહોંચ્યા. અહીં આવીને તેમણે પોતાના કામ માટે પહેલાં તો એક જગ્યા પસંદ કરી અને કંપની સરકારને કહ્યું કે આ જગ્યા મને આપો તો અહીં વહાણ બાંધવાની અને એનું સમારકામ કરવાની સગવડ હું ઊભી કરી આપું. સરકારે તેમને જમીન આપી અને આજે પણ જ્યાં મુંબઈની ગોદી આવેલી છે ત્યાં એક નાનકડા પ્લૉટ પર લવજીભાઈએ મુંબઈનો પહેલો જહાજવાડો ઊભો કર્યો.


આમ કંપની સરકાર લવજીભાઈને સુરતથી મુંબઈ તો લઈ આવી, પણ લગભગ એક વર્ષ સુધી વહાણનું બાંધકામ શરૂ થઈ શક્યું નહીં. કેમ? કારણ કે વહાણ બાંધવા માટે જે લાકડું જોઈએ એ તો મુંબઈમાં મળતું જ નહોતું. છેવટે સરકારે લવજીભાઈને જ કહ્યું કે તમે ઉત્તર હિન્દુસ્તાનમાં જઈને વહાણ માટે જરૂરી હોય એવાં લાકડાં મેળવવાનો બંદોબસ્ત કરી આવો. અને પાછા ફરતાં તમારા કુટુંબને પણ અહીં મુંબઈમાં રહેવા માટે સાથે લેતા આવજો. આ રીતે લવજીભાઈ લઈ આવ્યા લાકડાં અને પોતાના કુટુંબીજનોને અને પછી શરૂ કર્યું કામ કંપની સરકાર માટે વહાણો બાંધવાનું. શરૂઆતમાં તો કંપની સરકારે લવજીભાઈને વેપાર માટે સામાન લાવવા લઈ જવા માટેનાં (કાર્ગો) વહાણો બાંધવાની વરદી આપી. પણ પછી થોડા જ વખતમાં અમલદારોએ જોયું કે આ લવજીભાઈ તો વહાણો બાંધવાના કામમાં જબરા કુશળ છે. એટલે પછી તેમને સરકારના નૌકાસૈન્ય માટે લડાયક જહાજો બાંધવાનું કામ પણ સોંપવામાં આવ્યું અને લવજીભાઈએ કંપની સરકાર માટે ફ્રિગેટ પ્રકારનાં વહાણો બાંધ્યાં. વહાણોનું સમારકામ કરવા માટે લવજીભાઈ અને તેમના ભાઈ સોરાબજીએ ૧૭૫૦માં મુંબઈમાં ડ્રાય ડૉક પણ બાંધ્યો જે માત્ર હિન્દુસ્તાનનો જ નહીં પણ આખા એશિયા ખંડનો પહેલો ડ્રાય ડૉક હતો. હા, લવજીભાઈએ આ જહાજવાડામાં પોતાના કુટુંબીજનોને કામ પર રાખ્યા હતા ખરા, પણ એ બધાએ બીજા કારીગરોની જેમ જ હાથમાં હથિયાર પકડીને કામ કરવું પડતું અને તેમને મહિને ૧૨ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો. આ રીતે ૩૯ વર્ષ સુધી લવજીભાઈએ કંપની સરકારની સેવા કરી. ૧૭૦૨માં જન્મેલા લવજીભાઈ ૧૮૭૪માં બેહસ્તનશીન થયા ત્યારે તેમની પાછળ કુટુંબને માટેનું એક રહેણાકનું મકાન અને વીસ હજાર રૂપિયાની રોકડ પુંજી મૂકતા ગયા હતા.

લવજીભાઈ અને તેમના કુટુંબીજનોએ કંપની સરકાર માટે લગભગ ૪૦૦ જેટલાં વેપારી તેમ જ લશ્કરી વહાણ બાંધ્યાં અને એ વહાણો સાતે સમંદર ખૂંદી વળ્યાં હતાં, પણ એમાંથી ત્રણ લશ્કરી વહાણનો પોતાનો આગવો ઇતિહાસ છે. તેમણે બાંધેલું એક વહાણ એ એચએમએસ કૉર્નવૉલિસ. આ વહાણ બ્રિટિશ સરકારની નેવીમાં કામ કરતું હતું. ચીન અને બ્રિટન વચ્ચેના પહેલા અફીણ યુદ્ધ (ઓપિયમ વૉર)માં ચીનની હાર થઈ અને ચીને નાનકિંગની સંધિ દ્વારા હૉન્ગકૉન્ગ ઇંગ્લૅન્ડને સોંપ્યું ત્યારે એ વિશેના કરાર પર સહીસિક્કા એચએમએસ કૉર્નવૉલિસ પર થયા હતા ૨૯ ઑગસ્ટ, ૧૮૪૨ના દિવસે.


બીજું જહાજ એ એચએમએસ ત્રિન્કોમાલી. લવજીભાઈએ બાંધેલાં બીજાં બધાં જ વહાણોની જેમ ૧૮૧૭માં બંધાયેલું આ વહાણ પણ સાગના લાકડાનું બનેલું છે, પણ એની વશેકાઈ એ છે કે ઇંગ્લૅન્ડમાં આવેલા મ્યુઝિયમ ઑફ ધ રૉયલ નેવીમાં આ જહાજ હજી આજે પણ દરિયામાં તરતું જોવા મળે છે. બ્રિટનનું આ સૌથી જૂનું વહાણ છે જે આજે પણ દરિયાનાં પાણી પર તરી રહ્યું છે.

Bombay Dockyardબૉમ્બે ડૉકયાર્ડ

અને ત્રીજું વહાણ એ એચએમએસ મિન્ડેન. લવજીભાઈના દીકરા જમશેદજીભાઈને કંપની સરકારે ૧૮૦૧ના જુલાઈની નવમી તારીખે આ વહાણ બાંધવાનો ઑર્ડર આપ્યો અને ૧૮૧૧ના ફેબ્રુઆરીની આઠમી તારીખે એ જહાજે મુંબઈનો કિનારો છોડ્યો. આ જહાજનું વજન ૧૭૨૧ ટન હતું અને એ સાગના લાકડાનું બનેલું હતું. એની લંબાઈ ૧૬૯ ફીટ અને ૬ ઇંચ હતી. પાંચ લાખ રૂપિયાને ખર્ચે એ બંધાયું હતું. એના પર ૭૪ તોપ ગોઠવવામાં આવી હતી. અત્યાર સુધી આવાં મોટાં લડાયક વહાણો માત્ર ગ્રેટ બ્રિટનમાં જ બંધાતાં હતાં. પણ આ મિન્ડેન ગ્રેટ બ્રિટનની બહાર બંધાયેલું આવું પહેલું જહાજ હતું. પણ આ વહાણ વિશેની સૌથી વધુ રસપ્રદ વાત જાણવા માટે આપણે મુંબઈ છોડીને અમેરિકાના બાલ્ટિમોર જવું પડશે.

તો ચાલો બૉમ્બે ટુ બાલ્ટિમોર. જ્યારે આપણા દેશમાં અંગ્રેજ શાસનનાં મૂળ વધુ ને વધુ ઊંડાં જઈ રહ્યાં હતાં ત્યારે પૃથ્વીના સામે છેડે અંગ્રેજો એક ખૂનખાર યુદ્ધમાં સંડોવાયેલા હતા. લાંબા યુદ્ધને અંતે ૧૭૭૬માં અમેરિકાને આઝાદી તો મળી, પણ હજી અંગ્રેજો અને અમેરિકા વચ્ચે ઝઘડો ચાલુ હતો. અંગ્રેજો અમેરિકનોને બરાબરનો પાઠ ભણાવવા માગતા હતા અને એટલે તેમણે પોતાનાં કેટલાંક લડાયક વહાણોને અમેરિકા મોકલ્યાં હતાં. આ વહાણોમાંનું એક હતું મુંબઈમાં વાડિયાઓને હાથે બંધાયેલું એચએમએસ મિન્ડેન. અંગ્રેજોએ નક્કી કર્યું કે આપણે અમેરિકાના બાલ્ટિમોરનો ફોર્ટ મૅક હેનરી નામનો કિલ્લો ઉડાવી દઈએ અને અમેરિકનોને પાઠ ભણાવીએ. અમેરિકનો સાથેની આ લડાઈમાં મૅરિલૅન્ડના કેટલાક અમેરિકનોને અંગ્રેજોએ બંદીવાન બનાવ્યા હતા.
તેમને છોડાવવા માટે કર્નલ જૉન સ્કીનરની સાથે ફ્રાન્સિસ સ્કૉટ કી નામનો એક વકીલ પણ ગયો હતો. આ વકીલભાઈ વકીલાત કરવા ઉપરાંત ક્યારેક- ક્યારેક કવિતા પણ લખતા. આ બન્ને જ્યારે એચએમએસ મિન્ડેન પર પહોંચ્યા ત્યારે બાલ્ટિમોરના કિલ્લા પર હુમલો કરવાની યોજના ઘડાઈ ચૂકી હતી અને આ બન્ને અમેરિકનોને એ વિશેની ઘણી માહિતી મળી ચૂકી હતી. એટલે અંગ્રેજોએ આ બન્ને અમેરિકનોને પણ એચએમએસ મિન્ડેન પર બંદીવાન બનાવીને રાખ્યા. એ જ રાતે અંગ્રેજ નૌકાસૈન્યે બાલ્ટિમોર પરનો હુમલો શરૂ કર્યો. ફ્રાન્સિસ સ્કૉટ કી આ હુમલો જોઈ રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો, પણ એ બાબતે તે કશું કરી શકે તેમ નહોતો. પણ બીજા દિવસે સવારે તેણે વહાણના તૂતક પરથી જોયું કે બાલ્ટિમોરના કિલ્લા પર હજી અમેરિકાનો ધ્વજ ફરકી રહ્યો હતો. આખી રાતના હુમલા પછી પણ અંગ્રેજો એ કિલ્લાને સર કરી શક્યા નહોતા. આ જોઈને તેના મનમાં એક પછી એક કાવ્યપંક્તિઓ સ્ફુરવા લાગી. શરૂઆતમાં એ કાવ્ય The Defence of McHenry તરીકે ઓળખાતું હતું. છુટકારો થયા પછી આ વકીલ ઇન્ડિયન ક્વીન નામની એક હોટેલમાં ગયો અને ત્યાં તેણે આ કાવ્ય પૂરું કર્યું. ત્યાર પછી એનું નામ બદલીને તેણે The Star Spangled Benner એવું રાખ્યું. એ પછીનાં સો વર્ષમાં આ કાવ્ય અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય બન્યું. એને અમેરિકાનું રાષ્ટ્રગીત બનાવવા અંગેનો ખરડો છ વખત રજૂ થયો અને છ વખત નામંજૂર થયો. છેવટે ૧૯૩૧ના માર્ચની ત્રીજી તારીખે ખરડો મંજૂર થયો અને ૧૯૩૧ના માર્ચની ચોથી તારીખે પ્રેસિડન્ટ હર્બર્ટ હુવરે એ કાયદા પર સહીસિક્કા કર્યા અને એને અમેરિકાનું રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું. ત્યારથી આજ સુધી જે ગીત અમેરિકાનું રાષ્ટ્રગીત બની રહ્યું છે એ રચાયું હતું એચએમએસ મિન્ડેન પર અને આ વહાણનું બાંધકામ કર્યું હતું વાડિયા ખાનદાનના નબીરાઓએ અને એ ખાનદાનના નબીરાઓ કામ કરતા હતા મુંબઈમાં. એટલે કે મુંબઈ અને અમેરિકાના રાષ્ટ્રગીતને એકબીજા સાથે સીધો સંબંધ છે. એચએમએસ મિન્ડેન પર આ ગીત રચાયું ઈસવી સન ૧૮૧૪ના સપ્ટેમ્બરની ૧૪મી તારીખની વહેલી સવારે.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

વ્યક્તિની જેમ વહાણોને પણ જન્મ-જરા-વ્યાધિ અને મૃત્યુના ચક્રમાંથી પસાર થવું પડે છે. જુદાં- જુદાં ક્ષેત્રોમાં લડાયક કામગીરી કર્યા પછી આ વહાણ પણ હવે વૃદ્ધ થયું હતું. ૧૮૪૧માં હૉન્ગકૉન્ગ ખાતે આવેલી રૉયલ નેવલ હૉસ્પિટલનું જહાજ વાવાઝોડામાં નાશ પામ્યું એટલે એને બદલે હૉસ્પિટલ તરીકે ઉપયોગમાં લેવા માટે એચએમએસ મિન્ડેનને મોકલવામાં આવ્યું અને હૉન્ગકૉન્ગના કિનારે ઊભા રહીને ૧૮૪૨થી એણે નેવીની હૉસ્પિટલ તરીકે કામ કર્યું. ૧૮૪૬ સુધી એની આ કામગીરી ચાલુ રહી. ત્યાર બાદ એની જગ્યાએ એચએમએસ એલિગેટર નામનું બીજું જહાજ આવ્યું અને મિન્ડેનનો ઉપયોગ નેવીનો માલસામાન ભરવા માટેના ગોદામ તરીકે કરવામાં આવ્યો. છેવટે ૧૮૬૧માં એને ભંગારવાડે મોકલવામાં આવ્યું અને એચએમએસ મિન્ડેનની જ્વલંત કારકિર્દીનો અંત આવ્યો. પણ એની યાદને કાયમ રાખવાને માટે હૉન્ગકૉન્ગના બે રસ્તાઓને એનું નામ આપવામાં આવ્યું છે. એક રસ્તાનું નામ છે મિન્ડેન રો અને બીજા રસ્તાનું નામ છે મિન્ડેન ઍવન્યુ. વાડિયા કુટુંબનાં વહાણોની વિદાય લેતી વખતે મનમાં સુંદરજી બેટાઈના જાણીતા ગીતની પંક્તિઓ ગુંજ્યા કરે છે:

અલ્લાબેલી, અલ્લાબેલી, અલ્લાબેલી
બંદર છો દૂર છે, જાવું જરૂર છે
બેલી તારો, બેલી તારો, બેલી તારો તું જ છે
બંદર છો દૂર છે, જાવું જરૂર છે

પેઢી દર પેઢી નવાંનોખાં કામ કરનાર વાડિયા ખાનદાનની બધી વાત કંઈ એકસાથે થાય નહીં. એટલે બીજા કેટલાક નબીરાઓ અને તેમનાં કામ વિશેની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 08:49 AM IST | મુંબઈ ડેસ્ક | દીપક મહેતા - ચલ મન મુંબઇ નગરી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK