Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આંખમાંથી આવતાં આંસુ વિશે તમે કેટલું જાણો છો?

આંખમાંથી આવતાં આંસુ વિશે તમે કેટલું જાણો છો?

24 June, 2019 11:43 AM IST | મુંબઈ
દર્શિની વશી

આંખમાંથી આવતાં આંસુ વિશે તમે કેટલું જાણો છો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થોડા સમય પૂર્વે આયરલૅન્ડના એક વૈજ્ઞાનિકે આંસુમાંથી વીજળી પેદા કરવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ સંભાવના ક્યારે હકીકત બનશે એ સમય કહેશે, પરંતુ અત્યારે આંસુની મહત્તા પર ફરી વિચાર કરવાની સ્થિતિ જન્મી છે. આંસુના પણ ત્રણ પ્રકાર હોય છે. રડતી વખતે નાકમાંથી વહેતું પાણી પણ આંસુનો જ એક ભાગ છે. આવી ઘણી આંસુઓ સાથે સંકળાયેલી અવનવી વાતો પ્રસ્તુત છે

‘કિંમત તારાં આંસુની તને જ ન હતી પ્રિયે, નહીંતર બેશકીમતી હીરો આમ કોણ ત્યાગે પ્રિયે’



કવિએ આંસુને હીરાની સાથે અને એ પણ બેશકીમતી હીરાની સાથે સરખાવ્યાં છે. થોડી અતિશયોક્તિ લાગતી લાઇન ખરા અર્થમાં તો સાવ સાચી છે. થોડા સમય પૂર્વે આયરલૅન્ડના એક વૈજ્ઞાનિકે આંસુમાંથી વીજળી પેદા કરવાની સંભાવના વ્યક્ત કરી હતી, કેમ કે એમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું વિશેષ છે જેમાં થોડી પ્રક્રિયા હાથ ધર્યા બાદ વીજળી નિર્માણ થઈ શકે છે એવું એ વૈજ્ઞાનિકનું માનવું છે. તેમનો આ પ્રોજેક્ટ કેટલો આગળ વધ્યો એ ખબર નથી, પરંતુ આંસુની કિંમત કેટલી વધુ છે એ સમજાવા લાગ્યું છે. ખેર, બેશકીમતી બની ગયેલાં આ આંસુ આખરે આવતાં ક્યાંથી હશે? સુખ-દુઃખના પ્રસંગે, ભાવુક દૃશ્યો જોતી વખતે, કેટલીક યાદોનું સ્મરણ થઈ જતાં અથવા અન્ય કારણોસર આંખમાંથી આંસુઓ કેમ સરી પડતાં હોય છે? આંસુ શું છે? સુખ અને દુઃખનાં આંસુઓ વચ્ચે કોઈ તફાવત ખરો? આંસુનો ટેસ્ટ ખારો કેમ? આવા અનેક સવાલો મનમાં ઊભા થાય છે ત્યારે આંસુશાસ્ત્ર વિશે થોડી વાતો કરી લઈએ...


શું છે આંસુ?

આંસુ અને મનુષ્યનો સબંધ જન્મથી લઈને મૃત્યુ સુધીનો છે. ક્યારેય કોઈને રડતાં અને હસતાં શીખવાડવું પડતું નથી. આ દુનિયામાં એવું કોઈ નથી જેની આંખ જીવનમાં એક વાર છલકાયા વિના રહી હોય. ભલે પછી એની પાછળ કોઈ પણ કારણ કેમ ન હોય. પરંતુ આ આંસુ આવે છે ક્યાંથી, કેવી રીતે બને છે એવો વિચાર તમને પણ ક્યારેક તો આવ્યો જ હશેને? આંખ શરીરનો સૌથી સંવેદનશીલ હિસ્સો છે. આ બાબતે ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. મીત મહેતા કહે છે, ‘આપણા આઇબૉલની ઉપર એક ગ્લૅન્ડ હોય છે જ્યાંથી આંસુ છૂટતાં હોય છે. આ ગ્લૅન્ડ લેક્રેમલ ગ્લૅન્ડ તરીકે ઓળખાય છે જયાંથી સતત આંસુ બહાર નીકળતાં રહે છે. એને લીધે આંખની ભીનાશ પણ જળવાઈ રહે છે. જો આ ક્રિયાને ડીટેલમાં સમજીએ તો જ્યારે આપણને રડવું આવે છે ત્યારે આ આંસુ વધારે આવે છે અને આંસુ આંખમાંથી બહાર નીકળે છે. જ્યારે કેટલાંક આંસુ આંખના ખૂણામાં આવેલાં બે છિદ્રોમાં બનેલાં હોય છે ત્યાં ખેંચાઈ આવે છે જ્યાંથી એ એક કનૅલ મારફત લેક્રેમલ સેકમાં આવે છે. એને લીધે આ આંસુ નાકમાંથી બહાર આવે છે. આપણે જ્યારે વધુ રડીએ છીએ ત્યારે નાકમાંથી પાણી આવે છે એનું એક કારણ આ પણ છે.’


આંસુના ત્રણ પ્રકાર

આંસુ પણ અલગ પ્રકારનાં હોય છે એ જાણીને તમને નવાઈ લાગશે, પરંતુ વાત સાવ સાચી છે. આંસુના ત્રણ પ્રકાર હોય છે બેસલ આંસુ, રિફલેક્સ આંસુ અને ઇમોશનલ આંસુ. આ વિશે ડૉ. મીત મહેતા કહે છે, ‘આંખને રક્ષણ મળે તેમ જ એને પૂરતી ચીકાશ મળી રહે એ માટે આંસુની ગ્રંથિ સતત ચોખ્ખું પ્રવાહી ઉપજાવે છે. આંખ પટપટાવીએ છીએ ત્યારે આ પાણી આંખમાં બધે પ્રસરી જાય છે. આવા પ્રકારનાં આંસુ બેસલ આંસુ તરીકે ઓળખાય છે. આ આંસુ પાણી અને અનેક ઇલેક્ટ્રોલાઇટથી બનેલાં હોય છે. આપણી આંખ દરરોજ ૨૨૪ એમએલ બેસલ ટિયરનું નિર્માણ કરે છે. કોઈ ચીજની આંખમાં બળતરા થાય અથવા આંખમાં કંઈ પણ જવાથી કે ખૂંચવાથી આંખમાં પાણી આવી જાય એને રિફલેક્સ આંસુ કહેવાય છે. બગાસું ખાતી વખતે તેમ જ ખડખડાટ હસતી વખતે આપણી આંખમાં પણ રિફલેક્સ આંસુ આવી જતાં હોય છે. આ આંસુ પણ પાણી અને ઇલેક્ટ્રોલાઇટથી બને છે. અને આખરમાં આવે છે ઇમોશનલ. લાગણીની પળોમાં આવા પ્રકારનાં આંસુ આંખમાંથી છલકાય છે, જેને કાબૂમાં લેતાં વાર લાગે છે. રિફલેક્સ આંસુ કરતાં ઇમોશનલ આંસુમાં પ્રોટીનનું પ્રમાણ ૨૪ ટકા વધારે હોય છે. આ આંસુ પાણી અને ઇલેક્ટ્રોલાઇટ ઉપરાંત અનેક સ્ટ્રેસ હૉર્મોન્સથી બનેલાં હોય છે. પરંતુ હા, અમુક કેસમાં આંખમાંથી પાણી આવવાનાં કારણો અલગ-અલગ હોઈ શકે છે એટલે જો આંખમાંથી વધુપડતું પાણી આવે તો ડૉક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ.’

સુખ અને દુઃખનાં આંસુ અલગ હોય?

ક્યારેક હસતાં-હસતાં રડવું આવી જતું હોય છે તો ક્યારેક રડતાં-રડતાં હસી પડાતું હોય છે તો શું ત્યારે આંસુ ચેન્જ થઈ જતાં હશે? ના, એવું કંઈ થતું નથી. પરંતુ હકીકતમાં આ બન્ને સમયે આવતાં આંસુ આપણામાં રહેલી ભાવનાઓની સાથે જોડાયેલાં છે. જયારે આપણે ભાવનામાં વહી જતાં હોઈએ છીએ ત્યારે આપણા ચહેરામાં રહેલી કોશિકાઓ બેકાબૂ બની જાય છે સાથે આંખમાં આવેલી ગ્રંથિની સાથે આપણા મગજનું કનેક્શન પણ હટી જાય છે, જેને લીધે આંખમાંથી આંસુ નીકળે છે તો બીજી તરફ એવું પણ કહેવામાં આવે છે કે હસતી વખતે તેમ જ રડતી વખતે કોશિકાઓ પર દબાણ આવવાથી પણ આંસુ બહાર નીકળે છે.

આંસુનો ટેસ્ટ ખારો

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મનુષ્યની આંખમાંથી વહેતાં આંસુમાં સોડિયમ ક્લોરાઇડ હોય છે. આ સિવાય એમાં લાયઝોજમ પણ હોય છે. આંસુની તમામ બુંદ લિપિડ અને અન્ય ફૅટની આઉટર લેયર અથવા ઇનર લેયર મ્યુક્સથી બનેલી હોય છે. આ બન્ને લેયર એક સૅન્ડવિચની જેમ આંસુ બનાવે છે જેને લીધે એનો સ્વાદ પણ ખારો બની જાય છે.

થોડું તો રડવું જ જોઈએ!

યસ, વાંચીને થોડું અજુગતું લાગશે, પરંતુ માનસશાસ્ત્રીઓનું કહેવું છે કે તન અને મનને હળવું રાખવા ક્યારેક રડી લેવું જોઈએ. જે લોકો રડતા નથી અથવા રડી નથી શકતા તે લોકો પોતાના ઇમોશનને દબાવી રાખે છે, જેને લીધે હૃદય અને મન પર દબાણ વધે છે અને બીમારી શરૂ થઈ જાય છે. હસવું અને રડવું શબ્દ વિનાના સંવાદ છે. એ છતાં એસૌથી સરળ કમ્યુનિકેશનના સાધન પણ છે જેને સામેની વ્યક્તિ સરળતાથી સમજી શકે છે. કદાચ આવું જ કંઈ વિચારીને ક્રાઇંગ કલબ પણ શરૂ થઈ છે જેમાં લોકો આવીને સામૂહિક રુદન કરે છે અને મનનો ભાર હળવો કરી જાય છે. ડૉ. મીત મહેતાનું કહેવું છે કે મનની સાથે આંસુથી આંખ પણ ચોખ્ખી બને છે. કૉર્નિયા સાફ રહે છે. આંસુ વાટે આંખની અંદર ગયેલો કચરો પણ બહાર ફેંકાય છે. ક્લિયર વિઝન માટે આંસુ ખૂબ જરૂરી છે.’

કાંદા કાપતી વખતે આંસુ કેમ?

Cutting Onion

કાંદા કાપતી વખતે ભલભલાની આંખમાં આંસુ આવી જાય છે, કેમ કે કાંદા અનેક લેયરના બનેલા હોય છે જેમાં એક ખાસ પ્રકારનું રસાયણ હોય છે અને કાંદા સમારતી વખતે આ રસાયણ છૂટું પડે છે અને આંખની લેક્રાઇમલ ગ્લૅન્ડ ઉત્તેજિત થાય છે. આંખમાં બળતરા થવા લાગે છે અને આંસુ બહાર આવે છે, જે રિફલેક્સ આંસુ તરીકે પણ ઓળખાય છે.

આ પણ વાંચો : જો આ લોકો તમાકુ છોડી શકે તો તમે શું કામ નહીં ?

નવજાત બાળકની આંખમાંથી આંસુ નથી નીકળતાં

Crying Baby

તમે ક્યારેક નોંધ્યું હશે કે નવજાત બાળક જ્યારે રડતું હશે ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળતું નથી. એનો અર્થ એવો નથી કે તેને કોઈ પ્રૉબ્લેમ છે, પરંતુ નાનાં બાળકોના જન્મ વખતે અશ્રુગ્રંથિનો પૂર્ણ વિકાસ થયો હોતો નથી, જેને લીધે આંસુ બહાર આવતાં નથી. એને લીધે ઘણાને એવું પણ લાગતું હોય છે કે બાળક ખોટું-ખોટું રડે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 11:43 AM IST | મુંબઈ | દર્શિની વશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK