રાજકારણમાં ફેસવૅલ્યુ નહીં, તમારી નિષ્ઠા જ રિઝલ્ટ આપે

Published: 21st November, 2014 05:54 IST

ઍક્ટર પૉલિટિક્સમાં આવે એ તેની ઇન્ડિવિજ્યુઅલ પસંદગીનો વિષય છે. મારું તો સ્પષ્ટપણે માનવું છે કે રાજકારણમાં આવવા માટે કે રાજકારણ મારફત દેશની સેવા કરવા માટે તમારું પ્રોફેશનલ બૅકગ્રાઉન્ડ શું છે એનાથી કોઈ ફરક નથી પડતો.સ્પેશ્યલ કમેન્ટ - દર્શન જરીવાલા, ટીવી-ફિલ્મસ્ટાર


 એવું માની લેવામાં આવે છે કે ઍક્ટર છે એટલે તેની ફેસવૅલ્યુ પર તેને રાજકારણમાં તરત સ્થાન મળી શકશે, પરંતુ એ હકીકત નથી; કારણ કે કોઈ પણ કાર્ય માટે છેવટે તો તમારી નિષ્ઠા, એ વિષયમાં તમારી જાગૃતિ અને એ કામ કરવા માટેની તમારી સૂઝબૂઝ અને આવડત મહત્વની છે. ઍક્ટર જ શું કામ કોઈ ઉદ્યોગપતિ જ લઈ લો જેણે પોતાના ફીલ્ડમાં એક સ્થાન હાંસલ કર્યું છે અને જો તે પણ રાજકારણમાં આવવાનો નિર્ણય લે તો એમાં તેને સારોએવો સપોર્ટ મળવાનો જ છે. તેમની ઓળખાણ મુજબની વોટબૅન્ક તો તેમને પણ મળી જ રહે છે. એટલે સેલિબ્રિટી હોવાને કારણે કંઈક વિશેષ આવકાર જનતા પાસેથી મળે છે એવું નથી. હા, એટલું કહી શકાય કે તમને પડદા પર જોવાને કારણે તમારો ચહેરો તેમના માટે જાણીતો વધુ હોય છે.

રાજકારણમાં પ્રવેશવાનો માપદંડ રાજકારણમાં તમારાં રસ, રુચિ અને જાણકારી પર નર્ભિર કરે છે. બીજા કોઈ ફીલ્ડની વ્યક્તિ જો રાજકારણમાં આવે તો પોતાના કામ સાથે તે રાજકારણને ન્યાય આપી શકે. ઉદ્યોગપતિ હોય તો પોતાનો ઉદ્યોગ બીજાને સોંપીને રાજકારણની પોતાની જવાબદારીઓ અદા કરી શકે, પરંતુ એક ઍક્ટર જો રાજકારણમાં આવે તો તેની ઍક્ટિંગની કરીઅરને ચોક્કસ અન્યાય થાય, કારણ કે ઍક્ટિંગ એ કોઈને ભળાવી શકાય કે બીજાને ડેલિગેટ કરી શકાય એવું કામ નથી. આ એક યુનિક ટૅલન્ટ છે. તમે પોતે જ કરી શકો એવું કામ. એટલે જ જ્યારે ઍક્ટર રાજકારણમાં આવવાનું વિચારે તો ચોક્કસ તેણે સૌથી પહેલાં આ બધા વિચારો કરીને આગળ વધવું જોઈએ. મને ગુજરાતી નાટકો કરવાં ગમે છે. એટલે સિરિયલો અને ફિલ્મો કરતો હોઉં ત્યારે પણ મારા પૅશન માટે હું વચ્ચે સમય કાઢીને પણ નાટકો તરફ ધ્યાન આપી દઉં છું. સિરિયલો અને ફિલ્મોના ડિરેક્ટરો સામે એની ચોખવટ કરી લઉં છું, પરંતુ કદાચ હું પૉલિટિક્સમાં આ બધું ન કરી શકું. અંગત રીતે જો મને ક્યારેય પૉલિટિક્સમાં જોડાવાનું કહેવામાં આવશે તો હું એ દિશામાં પણ ચોક્કસ પૉઝિટિવલી વિચારીશ. પાર્ટીના આદશોર્ અને પાર્ટીના વિચારો મારા વ્યક્તિગત વિચારો સાથે મળતા હશે તો હું ચોક્કસ એ તરફ આગળ પણ વધું. જોકે છેલ્લે એટલું જ કહીશ કે ઍક્ટર જ નહીં, કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિએ પૉલિટિક્સમાં ચાંચ ડૂબતી હોય, દેશ વિશે કંઈક કરવા માટે પીઠબળ મળતું હોય અને એ કામને આગળ ધપાવવાનું કૌવત તમારામાં હોય તો પૉલિટિક્સમાં પદાર્પણ કરવું જોઈએ. એમાં તમારું બૅકગ્રાઉન્ડ નહીં પણ તમારી નિષ્ઠા, નૉલેજ અને ધગશ મહત્વનાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK