ચીનની તિબેટ નીતિ બદલાઈ હોય એવા સંકેત મળી રહ્યા છે

Published: 6th October, 2014 05:27 IST

૨૦૧૧માં દલાઈ લામાએ ક્રાન્તિકારી પગલું ભર્યું હતું જેણે તેમની બહોળી પ્રતિષ્ઠાને વધારે બહોળી કરી હતી. ૨૦૧૧માં દલાઈ લામાએ રાજકીય સત્તાનો ત્યાગ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ તિબેટીઓના માત્ર ધર્મગુરુ છે અને તિબેટનું શાસન લોકતાંત્રિક સેક્યુલર હશે. ટૂંકમાં રાજ્યસત્તાને તેમણે ધર્મસત્તાથી મુક્ત કરી હતી
મંતવ્ય-સ્થાન - રમેશ ઓઝા

તિબેટી ધર્મગુરુ દલાઈ લામા ઘણી વાર મજાકમાં કહેતા હોય છે કે તેમના જીવનના અંત વચ્ચે અને ચીનમાં સામ્યવાદના અંત વચ્ચે કાઉન્ટ-ડાઉન ચાલી રહ્યું છે. આ આમ તો મજાક છે, પણ એમાં પરિવર્તનનો સંકેત છે. દલાઈ લામા એમ સૂચવે છે કે જેમ તેમના જીવનનો અંત અફર છે એમ ચીનમાં સામ્યવાદનો અંત અફર છે. સવાલ માત્ર સમયનો છે. જો દલાઈ લામાની હયાતીમાં ચીનમાં સામ્યવાદનો અંત આવશે તો તેમને ચીનની તિબેટ વિશેની બદલાયેલી નીતિ જોવા મળશે અને કદાચ તિબેટ પાછા ફરવા મળશે. સામ્યવાદના અંત સાથે અને એ પછી જ ચીનની તિબેટ વિશેની નીતિ બદલાશે એમ દલાઈ લામા માનતા આવ્યા છે.

દલાઈ લામાનાં તાજેતરનાં બે નિવેદનો જોતાં એમ લાગે છે કે તેઓ પોતાની જિંદગીના અંત પહેલાં અને ચીનમાં સામ્યવાદના અંત પહેલાં પરિવર્તનની આશા રાખે છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે દલાઈ લામાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી હતી કે ચીનના વર્તમાન પ્રમુખ ચીનના આગલા પ્રમુખો કરતાં વધારે માનવતાવાદી અને વ્યવહારવાદી છે એટલે ભારતે દાયકાઓ જૂના પ્રશ્નો અને વિવાદો ઉકેલવા માટે તક ઝડપવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક ખાનગી સંપર્કસેતુઓ (ઇન્ટરલૉક્યુટર્સ) ચીનના સંપર્કમાં છે અને તિબેટના પ્રશ્નને ઉકેલવા પ્રયત્નો કરી રહ્યા છે. એ સંપર્કસેતુઓ કોણ છે એ તેમણે જણાવ્યું નહોતું. એ પછી ગયા અઠવાડિયે ૭૯ વર્ષના દલાઈ લામાએ ચીનમાં આવેલા અને બૌદ્ધો માટે પવિત્ર ગણાતા વુતાઇશાન પર્વતની યાત્રા કરવાની ઇચ્છા પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની આંખ મીંચાય એ પહેલાં એક વાર ચીનના પવિત્ર પર્વતની યાત્રા કરવા માગે છે. તેમણે અલબત્ત આ તબક્કે લ્હાસા જવાની કોઈ ઇચ્છા પ્રગટ કરી નહોતી. કદાચ એ માટેનો સમય અત્યારે પાક્યો નથી અને કદાચ એમ પણ હોય કે ચીન એની મેળે જ વુતાઇશાન પર્વત પછી લ્હાસા જવા દેવાની પરવાનગી આપે છે કે કેમ એના કોઈ સંકેત દલાઈ લામાને મળ્યા ન હોય.  

વુતાઇશાન પર્વત તિબેટની રાજધાની લ્હાસાથી ૩૩૨૧ કિલોમીટર દૂર ચીનમાં આવલો છે જે ચીનની રાજધાની બીજિંગથી માત્ર ૩૫૦ કિલોમીટર દૂર છે. વુતાઇશાન પર્વતમાં ૫૩ જેટલા બૌદ્ધમઠો છે અને એને UNESCOએ ૨૦૦૯માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યો છે. મહાયાન બૌદ્ધોના પવિત્ર ગ્રંથ અવલોકિતેશ્વરસૂત્ર મુજબ બોધિસત્વના મંજુશ્રી અવતારની પીઠ વુતાઇશાન પર્વત છે અને ત્યાં બોધિસત્વ યાત્રાળુના સ્વરૂપમાં આવતા રહે છે. વુતાઇશાન પર્વત તિબેટન બુદ્ધિઝમ અને ચીની બુદ્ધિઝમ વચ્ચે સંગમરૂપ છે. દલાઈ લામાની વુતાઇશાન પર્વતની યાત્રા કરવાની ઇચ્છા આ અર્થમાં સૂચક છે. જે પવિત્ર પર્વત સંગમરૂપ કે સેતુરૂપ છે એની યાત્રા કરીને દલાઈ લામા રાજકીય સંબંધોની યાત્રા શરૂ કરવા માગે છે. 

આ બાજુ જેમ દલાઈ લામાએ પરિવર્તનના સંકેત આપ્યા છે એમ પેલી બાજુ સ્વાયત્ત તિબેટના સામ્યવાદી પક્ષના ડેપ્યુટી સેક્રેટરી વુ યિંગજેએ પણ આવી રહેલા પરિવર્તનના સંકેત આપ્યા હતા. તેમણે ઑગસ્ટમાં તિબેટની મુલાકાતે ગયેલા દક્ષિણ એશિયાના પત્રકારોને કહ્યું હતું કે ચીનની દલાઈ લામા સાથે તેમના ચીન અને તિબેટમાં પાછા ફરવા માટે વાતચીત ચાલી રહી છે. એ પછી ચીનના સામ્યવાદી પક્ષના સત્તાવાર બ્લૉગ પર પણ આ માહિતી આપવામાં આવી હતી. જોકે એમાં કોઈ ઉતાવળ નજરે પડવાને કારણે કે પછી બીજા કોઈ કારણે એ બ્લૉગપોસ્ટ પાછળથી હટાવી દેવામાં આવી હતી. બ્લૉગપોસ્ટ પછી બે દિવસમાં દલાઈ લામાએ ચીન જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શી જિનપિંગ બૌદ્ધ અસ્મિતાવાદી છે અને એને કારણે તેઓ તિબેટ માટે સહાનુભૂતિ ધરાવે છે એમ માનવામાં આવે છે. તેમણે ભારતમાં પણ બૌદ્ધ ધર્મ એશિયન દેશોમાં સેતુનું કામ કરી શકે છે એમ કહ્યું હતું અને એ રીતે ભારતના ચીન સાથેના સંબંધનું વિશેષ મહત્વ જોડ્યું હતું.

તિબેટ પરના ચીનના આધિપત્ય સામે દલાઈ લામાને વાંધો નથી એમ દલાઈ લામાએ અનેક વાર કહ્યું છે. ૧૯૫૯માં ચીનથી ભાગીને દલાઈ લામા ભારત આવ્યા એ પહેલાંથી જ દલાઈ લામા ચીન અંતર્ગત સ્વાયત્તતાની માગણી કરતા આવ્યા છે. ચીન કહે છે કે તિબેટ ચીનનો સ્વાયત્ત પ્રાંત છે અને સત્તાવાર રીતે ચીનને ઑટોનોમસ રીજન ઑફ તિબેટ તરીકે ઓળખવામાં આવે છે. દલાઈ લામા ખરા અર્થમાં સ્વાયત્તતાની માગણી કરી રહ્યા છે જેમાં રાજકીય અને ધાર્મિક એમ બન્ને સ્વતંત્રતાનો સમાવેશ થતો હોય. ૨૦૧૧માં દલાઈ લામાએ ક્રાન્તિકારી પગલું ભર્યું હતું જેણે તેમની બહોળી પ્રતિષ્ઠાને વધારે બહોળી કરી હતી. દલાઈ લામા મહાન માણસ છે એ તેમણે સાબિત કરી આપ્યું હતું. તિબેટી પરંપરા મુજબ દલાઈ લામા તિબેટીઓના ધાર્મિક અને રાજકીય વડા છે. ૨૦૧૧માં દલાઈ લામાએ રાજકીય સત્તાનો ત્યાગ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ તિબેટીઓના માત્ર ધર્મગુરુ છે અને તિબેટનું શાસન લોકતાંત્રિક સેક્યુલર હશે. ટૂંકમાં, રાજ્યસત્તાને તેમણે ધર્મસત્તાથી મુક્ત કરી હતી. આ ઉપરાંત તેમની હયાતી પછી દલાઈ લામાની (સર્વોચ્ચ ધર્મગુરુ)ની નિમણૂક અને સત્તા સમાપ્ત કરવાની ઇચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી જેથી આધુનિક યુગમાં ધર્મસત્તા પ્રજાની સત્તા પર હાવી ન થાય. જે. કૃષ્ણમૂર્તિની યાદ અપાવે એવું આ પગલું હતું અને તેમના કરતાં પણ મોટો ત્યાગ હતો.

અત્યારે જે સંકેતો મળે છે એ વાસ્તવિકતામાં પરિણત થશે તો માનવું પડશે કે નૈતિક શક્તિનો રાજ્યશક્તિ પર વિજય થયો છે. એ આજે નહીં તો કાલે થશે જરૂર, એમાં કોઈ શંકા નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK