મમ્મી માટેના ગુસ્સાની સજા પપ્પાએ ૩ ભૂલકાંઓને આપી

Published: Jun 29, 2020, 08:42 IST | Bakulesh Trivedi | Mumbai

નાલાસોપારામાં ગુજરાતીએ ત્રણ સંતાનોની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી, પત્ની અનીતા પિયરમાં જઈને તેના પ્રેમીને મળી હોવાની કૈલાશ પરમારને શંકા હતી

કૈલાશ
કૈલાશ


બકુલેશ ત્રિવેદી
નાલાસોપારા ઃ નાલાસોપારા-ઈસ્ટના અચોલે રોડ પર આવેલા બાંભુળપાડાના સાડી કમ્પાઉન્ડમાં રહેતા મેઘવાળ સમાજના ૩૫ વર્ષના કૈલાશ પરમારે શનિવારે પોતાનાં ત્રણ બાળકોની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લેતાં નાલાસોપારાભરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. તુળિંજ પોલીસે આ સંદર્ભે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધીને કેસની વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર કૈલાશે પત્નીના અન્ય સાથેના સંબંધને કારણે આ પગલું ભર્યું હોઈ શકે છે એવી કૈલાશના પપ્પા વિજુભાઈને શંકા છે.
કૈલાશની પત્ની અનીતા દોઢ મહિના પહેલાં તેને છોડીને કલ્યાણના તેના પિયરે જતી રહી છે. કૈલાશના પપ્પા વિજુભાઈ પરમાર કૈલાશના ઘરથી થોડે જ દૂર રહે છે. કૈલાશ અને તેનાં બાળકો વિજુભાઈને ત્યાં જ જમવા જતાં હતાં. શનિવારે બપોરે કૈલાશે જમીને ઘરે જતી વખતે કહ્યું કે હું સાંજે ચા પીવા આવીશ, પણ તે ન આવ્યો એટલે સાંજે ૬ વાગ્યે વિજુભાઈ તેના ઘરે તપાસ કરવા ગયા ત્યારે ફ્લૅટનો દરવાજો અંદરથી બંધ હતો. બહુ ખખડાવ્યા છતાં દરવાજો ન ખૂલતાં બાજુવાળાની મદદથી દરવાજો તોડવો પડ્યો હતો. ત્યારે અંદરનું દૃશ્ય જોઈને બધા ચોંકી ઊઠ્યા હતા. વન-બેડરૂમ-હૉલ કિચનના એ ફ્લૅટમાં હૉલમાં મૃત બાળકો ગળું કપાયેલી હાલતમાં જોવા મળ્યાં હતાં, જ્યારે કિચનમાં કૈલાશનો મૃતદેહ પણ એ જ હાલતમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યા હતા.
કૈલાશ પરમારે તેના ૧૦ વર્ષના દીકરા નયન, ૮ વર્ષની દીકરી નંદિની અને પાંચ વર્ષની દીકરી નયનાનું ગળું કાપી નાખીને તેમની હત્યા કરી હતી. ત્યારે તેણે ગળાફાંસો લઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ એમાં સફળતા ન મળતાં આખરે પોતે પોતાના હાથે ગળા પર ચાકુના ઘા મારીને જીવનનો અંત આણ્યો હતો. પોલીસે હત્યા અને આત્મહત્યા કરવા માટે વપરાયેલું ચાકુ હસ્તગત કર્યું છે.
આ વિશે વધુ માહિતી આપતાં તુળિંજના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર દત્તાત્રય પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૈલાશના પપ્પા વિજુભાઈએ કહ્યું કે ‘કૈલાશને શંકા હતી કે અનીતા તેના પ્રેમી સચિન બોરાડે પાસે ચાલી ગઈ છે. કૈલાશે શનિવારે તેની પત્નીનો ફોટો સચિનના ફેસબુક-અકાઉન્ટ પેજ પર જોયો હતો એનાથી તે અકળાઈ ઊઠ્યો હતો. શક્ય છે કે તેણે એ વાતને લઈ હતાશામાં સરી પડીને આ કૃત્યુ આચર્યું હોય. અમે તેની પત્ની અનીતાનો મોબાઇલ-નંબર મેળવ્યો છે અને તેને પૂછપરછ માટે સમન્સ મોકલાવવાના છીએ. અમે ચારેચાર મૃતદેહનું પંચનામું કરીને કબજો લીધો હતો અને નાલાસોપારા-વેસ્ટની સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યા હતા. રવિવારે એ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.’

કૈલાશના પિતા વિજુભાઈએ કહ્યું કે કૈલાશને શંકા હતી કે અનીતા તેના પ્રેમી સચિન બોરાડે પાસે ચાલી ગઈ છે. કૈલાશે શનિવારે તેની પત્નીનો ફોટો સચિનના ફેસબુક-અકાઉન્ટ પેજ પર જોયો હતો એનાથી તે અકળાઈ ઊઠ્યો હતો.
- દત્તાત્રેય પાટીલ, તુળિંજ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK