‘દબંગ’નાં ગૉગલ્સ વેચવાના નામે બોરીવલીમાં રાજકોટના યુવાન સાથે થઈ છેતરપિંડી

Published: 19th August, 2012 04:30 IST

ફિલ્મ ‘દબંગ’માં અભિનેતા સલમાન ખાને જે ગૉગલ્સ પહેર્યાં છે તે આ છે એમ કહી ૧૦ રૂપિયાની કિંમતનાં ગૉગલ્સ ૨૩ વર્ષના ગુજરાતી યુવક ચિંતન પટેલને વેચી તેની પાસેથી ૧૦૦૦ રૂપિયા પડાવી લેવાનો કેસ ગઈ કાલે બોરીવલી (વેસ્ટ) પોલીસ-સ્ટેશનમાં નોંધાયો હતો. પોલીસે આવી રીતે છેતરપિંડી કરતી ટોળકીને પકડી લેવા તપાસ શરૂ કરી દીધી છે.

રાજકોટમાં રહેતો ચિંતન પટેલ પોતાની ગર્લફ્રેન્ડ સોનાલી (નામ બદલ્યું છે)ને મળવા ગઈ કાલે સવારે બોરીવલી આવ્યો હતો. સવારે તે તેની ગર્લફ્રેન્ડ સોનાલી સાથે બોરીવલી (ઈસ્ટ)માં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ફરવા ગયો હતો. બપોરે એક વાગ્યે ગર્લફ્રેન્ડને તેના ઘરે મૂકી આવ્યા બાદ તે બોરીવલી (વેસ્ટ)માં પ્રબોધન ઠાકરે હૉલ પાસે જમવા ગયો હતો. એ વખતે એક યુવકે ચિંતન પાસે એક ગૉગલ્સ બતાવીને કહ્યું હતું કે ‘સલમાન ખાને ફિલ્મ ‘દબંગ’માં આ ગૉગલ્સ પહેર્યાં હતાં. આ ગૉગલ્સ ફક્ત ૧૦ રૂપિયાના છે, તમે ખરીદી લો.’

ઓછી રકમ હોવાને કારણે ચિંતને આ ગૉગલ્સ ખરીદી લીધાં હતાં. થોડી વારમાં યુવકના બે સાથીદારો ત્યાં પહોંચી ગયા હતા. એ વખતે ફરી તે ગૉગલ્સ વેચનારો યુવક તેની પાસે આવ્યો અને ગૉગલ્સના ૬૦૦ રૂપિયા આપવાના બાકી છે એમ કહ્યું હતું. પછી તેમણે ચિંતન પાસેથી એક હજાર રૂપિયા પડાવી લીધા હતા. તેણે આ બાબતે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘરે જવા ચિંતન પાસે ખિસ્સામાં એક પણ રૂપિયો ન હોવાથી તેણે સોનાલીને ફોન કરી સ્ટેશન પર બોલાવી લીધી હતી. સોનાલીએ તેને રાજકોટની ટિકિટ કઢાવી આપી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK