Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નિસર્ગ સાઇક્લોન ફંટાઈને દૂર સરકતાં મુંબઈમાં સંકટ ટળ્યું

નિસર્ગ સાઇક્લોન ફંટાઈને દૂર સરકતાં મુંબઈમાં સંકટ ટળ્યું

04 June, 2020 08:35 AM IST | Mumbai
Prakash Bambhrolia

નિસર્ગ સાઇક્લોન ફંટાઈને દૂર સરકતાં મુંબઈમાં સંકટ ટળ્યું

વાવાઝોડા પસાર થયું એ દરમ્યાન ફૂંકાયેલા પવનને લીધે હોટેલ તાજમહેલની સામેના હંગામી ડિવાઈડરો પડી ગયાં હતાં. તસવીર : સુરેશ કરકેરા

વાવાઝોડા પસાર થયું એ દરમ્યાન ફૂંકાયેલા પવનને લીધે હોટેલ તાજમહેલની સામેના હંગામી ડિવાઈડરો પડી ગયાં હતાં. તસવીર : સુરેશ કરકેરા


મુંબઈમાં ૧૨૯ વર્ષ બાદ અરબી સમુદ્રમાં નિર્માણ થયેલું ‘નિસર્ગ’ સાઇક્લોન અલીબાગને બદલે ૬૦ કિલોમીટર દૂર મુરુડના તટ પર ગઈ કાલે ટકરાતાં મુંબઈ પરનો ખતરો ટળ્યો હતો. આથી ૧૧૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપે હવા ફૂંકાવાની શક્યતા વચ્ચે હવાની ઝડપ ધીમી પડી હતી. નિસર્ગ સાઇક્લોન જમીન સાથે ટકારાયા બાદ ચાર કલાકમાં પ્રોસેસ પૂરી થવાનો અંદાજ લગાવાયો હતો, પરંતુ એ માત્ર બે જ કલાકમાં પૂરી થતાં સાઇક્લોન નબળું પડ્યું હોવાનું ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું. સાઇક્લોનની પહેલાં અને પછી મુંબઈ અને આસપાસમાં ૮ ઇંચ જેટલો વરસાદ પડવાની આશંકા પણ આ સાથે ઓછી થઈ હતી. મુંબઈમાં કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ અલીબાગમાં ઇલેક્ટ્રિકનો થાંભલો પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું હતું કે સાઇક્લોન મુંબઈથી ૧૩૦ કિલોમીટર દૂર અને પુણેથી ૬૫ કિલોમીટરના અંતરે મુરુડના સમુદ્રકિનારે જમીન પર બપોરે ૧૨.૩૦ વાગ્યે ટકરાયું હતું, જેની પ્રોસેસ ૨.૩૦ વાગ્યે પૂરી થઈ ગયા બાદ એ નબળું પડ્યું હતું.



‘નિસર્ગ’ સાઇક્લોન રાયગડ જિલ્લાના અલીબાગને બદલે મુરુડમાં જમીન પર ટકરાયા બાદ પેણ, પનવેલ, કર્જત માર્ગે થઈને નાશિક તરફ આગળ વધી ગયું હતું. આ વિસ્તાર મુંબઈથી ૧૩૦ કિલોમીટર દૂર હોવાથી એની અસર મુંબઈ પર બહુ ઓછી જોવા મળી હતી.


કોલાબા વેધશાળાના ડેપ્યુટી ડિરેક્ટર કૃષ્ણાનંદ હોસાળીકરના જણાવ્યા મુજબ રાયગડ જિલ્લાના મુરુડ-શ્રીવર્ધન-દિવેઆગારમાં ‘નિસર્ગ’ સાઇક્લોન ત્રાટક્યા બાદ એ નાશિક તરફ આગળ વધીને નબળું પડતું ગયું હતું. ૫૦ કિલોમીટરનો વ્યાસ ધરાવતા આ સાઇક્લોનના કેન્દ્રમાં હવાની ઝડપ ૧૧૦થી ૧૨૦ કિલોમીટરની હતી, જ્યારે સાઇક્લોનના વ્યાસની બહારના ભાગમાં ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. આ સાઇક્લોન ૨૫૦ કિલોમીટરમાં પ્રસરેલું હતું; જેને લીધે મુંબઈ સહિત પાલઘર, થાણે અને રાયગડ તથા પુણેમાં વરસાદ પડ્યો હતો. જોરદાર હવાને કારણે આ તમામ જગ્યાએ મોટા પ્રમાણમાં વૃક્ષો તૂટી પડ્યાં હતાં.

તીવ્રતા ઓછી હતી


તાજેતરમાં બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલું ‘અમ્ફાન’ સાઇક્લોન સુપર સાઇક્લોન હતું એથી મોટા પ્રમાણમાં બન્ને રાજ્યમાં નુકસાન થયું હતું. જોકે કોલાબા વેધશાળાના અધિકારીના જણાવ્યા મુજબ ‘નિસર્ગ’ સાઇક્લોનની તીવ્રતા ઓછી હતી. આ સાઇક્લોન ખૂબ જ ઝડપથી અરબી સમુદ્રમાં પેદા થયું હતું એટલી જ ઝડપથી એ જમીન સાથે ટકરાઈને નબળું પડ્યું હતું. આથી પ્રમાણમાં ઘણું ઓછું નુકસાન થયું છે.

પાલિકા-કમિશનરે ઓડિશા પાસેથી ટિપ્સ લીધી

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે મુંબઈમાં ૧૨૯ વર્ષથી સાઇક્લોન નથી આવ્યું એટલે આનો કોઈને અનુભવ ન હોવાથી જ્યાં સૌથી વધારે સાઇક્લોન આવે છે એ ઓડિશા પાસેથી અમે સાવચેતીનાં પગલાંથી માંડીને બીજી વિગતો જાણી હતી. તેમના કહેવા મુજબ સાઇક્લોનમાં જોરદાર હવા ફૂંકાવાથી વૃક્ષ તૂટી પડે છે. મેઇન રોડ પર વૃક્ષ તૂટી પડે તો એનડીઆરએફથી માંડીને બીજી એજન્સીઓનું બચાવકામ મુશ્કેલ બને એટલે અમે કેટલીક ટીમ તૂટી પટેલાં વૃક્ષો અને હોર્ડિંગ્સને ઝડપથી હટાવવા માટે બનાવી હતી. ઓડિશાના અધિકારીઓના સૂચન મુજબ શહેરના દરેક પોલીસ-સ્ટેશનમાં ૨૦ મજૂરોને તહેનાત રખાયા હતા.

લૅન્ડફૉલ વખતે હવાની ઝડપ ૧૦૦ કિલોમીટર હતી

રાયગડ જિલ્લાનાં કલેક્ટર નિધિ ચૌધરીના જણાવ્યા મુજબ બપોરે ૧૨.૩૦ વાગ્યે સાઇક્લોન અલીબાગથી આગળ શ્રીવર્ધન, દિવેઆગાર-મુરુડના દરિયાકિનારાના પટ્ટામાં લૅન્ડફૉલ થયું હતું. એ સમયે સાઇક્લોનનું કેન્દ્રબિંદુ ૬૦ કિલોમીટર પરીઘનું હતું અને હવાની ઝડપ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક હતી. અંદાજ કરતાં ‘નિસર્ગ’ ઓછી તીવ્રતાનું અને ઝડપથી પસાર થનારું હોવાથી એ ચાર કલાકને બદલે માત્ર બે કલાકમાં જ પ્રોસેસ થઈને આગળ વધી ગયું હતું.

...તો મુંબઈ જળબંબાકાર થાત

નિષ્ણાતોના મતે ‘નિસર્ગ’ સાઇક્લોન અલીબાગથી ફંટાઈને મુરુડ તરફ જવાથી રેડ અલર્ટ જાહેર કરાયેલા મુંબઈ, થાણે અને પાલઘરને ગંભીર અસર નથી પહોંચી. વાવાઝોડું ફંટાવાને બદલે અલીબાગમાં જ લૅન્ડફૉલ થયું હોત તો મુંબઈમાં ભારે પવનની સાથે જોરદાર વરસાદ પડત. આથી ચોમાસા પહેલાં જ મુંબઈમાં અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા હતી. કોરોના સામે ઝઝૂમી રહેલા મુંબઈગરાઓનો આ સાઇક્લોનમાં બાલ-બાલ બચાવ થયો છે.

રાયગડમાં મોબાઇલ નેટવર્કને અસર

સાઇક્લોન રાયગડ જિલ્લામાં ત્રાટક્યું હોવાથી અહીં હવાની ઝડપ ૧૦૦થી ૧૨૫ કિલોમીટર રહેવાને લીધે મોબાઇલ ટાવરને અસર પહોંચતાં અહીં મોબાઇલનું નેટવર્ક ખોરવાયું હતું. અલીબાગમાં જોરદાર પવનથી ઇલેક્ટ્રિકનો એક થાંભલો તૂટી પડતાં ૫૮ વર્ષની એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2020 08:35 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK