Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નિસર્ગ સાયક્લોન બાદ પુણેમાં ભારે વરસાદથી ચારનાં મૃત્યુ થયા

નિસર્ગ સાયક્લોન બાદ પુણેમાં ભારે વરસાદથી ચારનાં મૃત્યુ થયા

05 June, 2020 08:04 AM IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિસર્ગ સાયક્લોન બાદ પુણેમાં ભારે વરસાદથી ચારનાં મૃત્યુ થયા

સાઇક્લોનને પગલે નાશિક શહેરમાં ગઈ કાલે સવારે વરસાદ પડ્યો હતો.

સાઇક્લોનને પગલે નાશિક શહેરમાં ગઈ કાલે સવારે વરસાદ પડ્યો હતો.


‘નિસર્ગ’ સાયક્લોન બુધવારે મુંબઈથી ફંટાઈને રાયગઢના મુરુડ-શ્રીવર્ધન તરફ ગયા બાદ મોડી રાત્રે પુણે તરફ ગયું હતું. અહીં જોરદાર હવા અને સરસાદને લીધે ઝાડ પડવાની સાથે મકાન તૂટી પડવાની ઘટનામાં પતિ-પત્ની સહિત ચાર લોકોના મૃત્યુ થયા હતા. પુણેના મોળેશ્વરમાં ૧૭૧ તો મહાબળેશ્વરમાં ૧૬૩ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. વરસાદી તોફાનને લીધે પુણેમાં વીજળીના અસંખ્ય થાંભલા ઊખડી ગયા હતા અને વીજળીના ૫૪૦ જેટલા વાયર તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

મોડી રાત્રે થયેલા વરસાદને લીધે પુણેના ખેડ તાલુકામાં આવેલા વાહગાવ ખાતે એક મકાન તૂટી પડતા મંજાબાઈ નવલે અને તેમના પતિ નારાયણ નવલેના મૃત્યુ થયા હતા. મંજાબાઈનું ઘટનાસ્થળે તો નારાયણ નવલેનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન ગઈ કાલે મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય અન્ય બે લોકોના પણ મૃત્યુ થયા હતા.



ભારે વરસાદને લીધે પુણે જિલ્લાની ૫૭ આંગણવાડી, ૩૧ જિલ્લા પરિષદની સ્કૂલ અને ગ્રામ પંચાયતની ૪ ઑફિસને ભારે નુકસાન પહોંચ્યું હતું. પુણે શહેર સહિત જિલ્લામાં વીજળીની યંત્રણાને મોટું નુકસાન પહોંચ્યું હતું. પ્રશાસન દ્વારા રસ્તામાં પડી ગયેલા ઝાડ, વીજળીના થાંભલાને હટાવવાનું યુદ્ધના ધોરણે કામ હાથ ધરાયું હતું.


સાયક્લોનને કારણે પુણેની સાથે સાતારામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. મોળેશ્વર અને મહાબળેશ્વર ઉપરાંત કોયનાનગરમાં ૧૩૬ મિ.મિ., ઉરમોડી કાસમાં ૧૨૦ મિ.મિ. અને જાંભળી ધોમમાં ૧૩૬ મિ.મિ. વરસાદ પડ્યો હતો.

કોલ્હાપુર જિલ્લામાં ગજાપુર શાહુવાડી કસારીમાં ૧૨૯ મિ.મિ., ગગનબાવડામાં ૧૧૬ મિ.મિ. અને રેવાચીવાડીમાં ૧૦૬ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. અહીં પણ જોરદાર હવાને લીધે અનેક સ્થળે વીજળીના વાયર તૂટી પડવાથી વીજ પુરવઠાને અસર પહોંચી હતી.


ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોન આગળ વધ્યા બાદના ૨૪ કલાક સુધી એની આસપાસના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે એટલે આજે પણ અમુક જગ્યાએ વરસાદની શક્યતા છે, જેનાથી રાહતકામમાં થોડી મુશ્કેલી ઊભી થશે.

નિસર્ગ સાઇક્લોને જતાં જતાં નાશિકને ધમરોળ્યું: મોડી રાતથી વરસાદ શરૂ થતાં વીજપુરવઠો ખોરવાયો: વીજળીને અભાવે પાણી પુરવઠો પણ બંધ થયો

મુંબઈ નજીકના મુરુડ-શ્રીવર્ધનના તટ પર બુધવારે બપોરે ટકારાયા બાદ નિસર્ગ સાઇક્લોન પુણે થઈને નાશિક તરફ સરકીને નબળું પડ્યું હતું. જોકે સાઇક્લોનને લીધે ફૂંકાયેલા જોરદાર પવન સાથે વરસાદથી અહીંનું જનજીવન ઠપ થઈ ગયું હતું. વીજળીના વાયરો તૂટી પડતાં ગઈ કાલે વીજળીના અભાવે પાણી પુરવઠો ખોરવાયો હતો. મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ગઈ કાલે બપોર સુધી નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન રાહુરી ગામમાં ઇલેક્ટ્ર‌િક શૉક લાગવાથી ૪૫ વર્ષની યશોદા પવાર નામની મહિલાનું મોત નીપજ્યું હતું.

ભારતીય હવામાન વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ ‘નિસર્ગ’ સાઇક્લોન રાયગઢ જિલ્લાના મુરુડ-શ્રીવર્ધનમાં જમીન સાથે ટકરાયા બાદ પુણે થઈને નાશિક તરફ મોડી રાત્રે આગળ વધ્યું હતું. નાશિકમાં એ નબળું પડ્યું હતું, પરંતુ એને કારણે અહીં વરસાદ શરૂ થયો હતો જે ગુરુવાર બપોર સુધી ચાલુ રહ્યો હતો.
બુધવારે બપોરે ઇગતપુરી, ત્ર્યંબકેશ્વર, સટાણા અને નાશિક સહિત આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો હતો, પરંતુ સાંજે સાઇક્લોન નાશિક તરફ સરક્યા બાદ અહીં જોરદાર વરસાદ શરૂ થયો હતો જેને લીધે નાશિક શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં. જોકે પ્રશાસને નદીકિનારા પર રહેતા લોકોને પહેલેથી જ સલામત સ્થળે ખસેડી દીધા હોવાથી કોઈ જાનહાનિ નહોતી થઈ.

મોડી રાત બાદ સવારે સટાણા શહેર અને તાલુકામાં જોરદાર વરસાદ પડતાં બધે પાણી-પાણી થઈ ગયું હતું. કાંદા અને બાજરીના ખેતરમાં ઊભેલા પાકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ગરમીથી પરેશાન લોકોએ વરસાદને લીધે પ્રસરેલી ઠંડકથી રાહત અનુભવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2020 08:04 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK