મુંબઈની તરફ ધસમસતું આવી રહેલું નિસર્ગ સાઇક્લોન કેટલું ખતરનાક?

Published: Jun 03, 2020, 07:48 IST | Agencies | Mumbai

વાવાઝોડું અલીબાગના તટ પર ટકારાતાં પહેલાં મુંબઈ, મુંબઈ ઉપનગરો, થાણે, નવી મુંબઈ, પાલઘર વગેરે વિસ્તારોમાં પડનારા જોરદાર વરસાદથી પાણી ભરાવાથી માંડીને અનેક મુશ્કેલી ઊભી થવાની શક્યતા:શક્તિશાળી સાઇક્લોન પર ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત નજર રાખી રહ્યા છે

વાવાઝોડું ‘નિસર્ગ’ આજે મુંબઈના કિનારે ત્રાટકે એવી શક્યતા છે, જેને જોતાં ગઈ કાલે મઢ ગામ નજીક માછીમારોની બોટને ક્રેનથી ઊંચકીને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. તસવીર : પી.ટી.આઇ.
વાવાઝોડું ‘નિસર્ગ’ આજે મુંબઈના કિનારે ત્રાટકે એવી શક્યતા છે, જેને જોતાં ગઈ કાલે મઢ ગામ નજીક માછીમારોની બોટને ક્રેનથી ઊંચકીને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. તસવીર : પી.ટી.આઇ.

મુંબઈના ઇતિહાસમાં ૧૮૯૧ના વર્ષ પછી ફરી એક વખત આજે બપોરે જોખમી સાઇક્લોન ત્રાટકવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં ઊઠેલું વાદળનું તોફાન અલીબાગમાં ટકરાય એ પહેલાં મુંબઈ, થાણે, પાલઘર, નવી મુંબઈ, રાયગડ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડવાથી ચોમાસા પહેલાં આ તમામ જિલ્લામાં ઠેર-ઠેર પાણી ભરાવાની શક્યતા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત આના પર નજર રાખી રહ્યા હોવાથી એ કેટલું જોખમી અને શક્તિશાળી છે એનો અંદાજ લગાવી શકાય છે.

‘નિસર્ગ’ વાવાઝોડું મુંબઈના કિનારાથી ૧૧૦ કિલોમીટર દૂર અલીબાગમાં જમીન સાથે અથડાવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે અને એની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમી દરિયાકિનારાના વિસ્તારોમાં જોવા મળશે. હવામાન ખાતાએ રવિવારે મુંબઈમાં ઑરેન્જ અલર્ટ જારી કરી હતી, પરંતુ સાઇક્લોનની તીવ્રતાને જોતાં સોમવારે એ ચેતવણીને રેડ અલર્ટમાં અપગ્રેડ કરી હતી.

કેટલું ખતરનાક છે સાઇક્લોન

‘નિસર્ગ’ને તાજેતરમાં બંગાળમાં ત્રાટકેલા અમ્ફાન સાઇક્લોન જેટલું તીવ્ર નથી ગણાવાઈ રહ્યું, કારણ કે અત્યારે એ સમુદ્રમાં હવાનું હળવું દબાણ બન્યું છે, જે બાદમાં ઊંડા ડિપ્રેશનમાં કન્વર્ટ થયા બાદ સાઇક્લોન બનશે, જે આજે રાયગડ જિલ્લામાં આવેલા અલીબાગમાં જમીન સાથે ટકરાશે. હિન્દ મહાસાગરમાંથી પેદા થતા તોફાનની તીવ્રતાને ૧થી ૫ સ્કેલ અપાય છે. નિસર્ગને અત્યારે સ્કેલ-ટૂ અપાયો છે. હવાની ગતિના આધારે સ્કેલ અપાય છે. અમ્ફાન તોફાનની ગતિ ૧૮૦ કિલોમીટર જેટલી હતી એટલે એને સ્કેલ-5 નંબર અપાયો છે. નિસર્ગ સાઇક્લોનમાં પવનની ઝડપ ૯૫થી ૧૦૫ કિલોમીટર રહેવાની શક્યતા છે.

૧૮૯૧ પછી મુંબઈમાં

વાવાઝોડાનો રેકોર્ડ રાખવાની પ્રથા ૧૮૯૧થી શરૂ થઈ છે. સાઇક્લોન ઈ-ઍટલસ મુજબ ૧૮૯૧ પછી પહેલી વખત અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના દરિયાઈ ક્ષેત્રની આસપાસ સમુદ્રી સાઇક્લોન બન્યું છે. ૧૯૪૮ અને ૧૯૮૦માં બે વખત ઉત્તર હિન્દ મહાસગારમાં આવું હવાનું દબાણ બન્યું હતું, પરંતુ પછી જૂનમાં સાઇક્લોનની સ્થિતિ ટળી ગઈ હતી. આથી કહી શકાય કે ૧૩૦ વર્ષ બાદ મુંબઈમાં જમીન પર સાઇક્લોન ટકરાવાની સ્થિતિ બની છે.

ગયા વર્ષે અરબી સમુદ્રમાં પાંચ સાઇક્લોન બનેલા

હવામાન વિભાગે જણાવ્યા મુજબ ગયા વર્ષે અરબી સમુદ્રમાં સતત સાઇક્લોન ઍક્ટિવિટી જોવા મળી હતી, જે ૧૦૦ વર્ષમાં પહેલી વખત બન્યું હતું. ગયા વર્ષે વાયુ, હિક્કા, ક્યાર, મહા અને પવન નામનાં પાંચ સાઇક્લોન સર્જાયાં હતાં. સામાન્ય રીતે વર્ષે એકથી બે આવાં સાઇક્લોન બને છે.

એનડીઆરએફની ૧૦ ટીમ તહેનાત

‘નિસર્ગ’ વાવાઝોડું આજે બપોર બાદ અલીબાગ તથા પાલઘરના કેટલાંક દરિયાઈ ક્ષેત્રોમાં ટકરાવાની શક્યતા છે એને ધ્યાનમાં રાખીને ૧૬માંથી ૧૦ એનડીઆરએફની ટુકડીઓને મુંબઈ, પાલઘર અને દહાણુમાં તહેનાત કરાઈ છે. બાકીની ૬ ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર પડશે તો એને કામે લગાડાશે.

કેટલી અસર કરશે?

નિસર્ગ સાઇક્લોન મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગના અનુમાન મુજબ સીધી રીતે અસર કરશે. મુંબઈ ઉપરાંત નજીકના થાણે, રાયગડ, પાલઘર, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. કેરળમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. પશ્ચિમી કિનારે સમાંતર એક ડિપ્રેશન બની રહ્યું છે. આવી સ્થિતિમાં હવામાન ખરાબ છે જે સાઇક્લોનને કારણે વધારે બગડી શકે છે.

અરબી સમુદ્રનું સાઇક્લોન ગુજરાત તરફ વળે છે

સામાન્ય રીતે દર વર્ષે અરબી સમુદ્રમાં એકથી બે સાયક્લોન પેદા થાય છે. ત્યાર બાદ એ પશ્ચિમ ઓમાન અને એડનની ખાડી અથવા ઉત્તરમાં ગુજરાત તરફ વળી જાય છે; જેમ ૧૯૯૮ અને ગયા વર્ષે આવેલા સાઇક્લોનમાં જોવા મળ્યું હતું. બન્નેમાં મોટી સંખ્યામાં જાનમાલની હાનિ થઈ હતી.

સાઇક્લોનથી કેવી સ્થિતિ થશે?

૯૦થી ૧૦૫ કિલોમીટરની ઝડપે હવા ફૂંકાશે. મુંબઈ સહિતના દરિયાકિનારે બે મીટર ઊંચાં મોજાં ઊછળશે. મુંબઈ, થાણે, પાલઘર, નવી મુંબઈ અને રાયગડમાં વરસાદને લીધે પાણી ભરાવાની શક્યતા છે. હવાને કારણે વૃક્ષો તૂટી પડવાની સાથે વીજળીના વાયર તલટી જવાથી અનેક જગ્યાએ અંધારપાટ સર્જાનાવી શક્યતા છે.

મુંબઈમાં પાલિકાની તૈયારી

નિસર્ગ સાઇક્લોનને પગલે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હોવાથી ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકાના તમામ ૨૪ વૉર્ડના અધિકારીઓની મહત્ત્વની બેઠક મળી હતી. તમામ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોએ પોતપોતાના વિસ્તારમાં પાણી ભરાવાથી માંડીને જમીન ધસવાની કે અન્ય કોઈ ઘટનાની શક્યતા હોય ત્યાં લોકોને સાવધ રહેવાની સૂચના અપાઈ છે.

‘નિસર્ગ’ નામ બંગલા દેશે આપ્યું

દરેક સાઇક્લોનને નામ આપવાની પરંપરા છે. મુંબઈ પર તોળાઈ રહેલા સાઇક્લોનને ‘નિસર્ગ’ નામ બંગલા દેશે આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

rescue

પાલિકાની રેસ્ક્યુ ટીમ તૈયાર - શહેરના ગિરગાંવ સહિત તમામ ૬ બીચ પર પાલિકાની બીચ સેફ્ટી અને ફ્લડ રેસ્ક્યુ ટીમ દ્વારા કો-ઑર્ડિનેશન ડ્રિલ યોજાઈ હતી. પાલિકાના કમિશનરના આદેશ મુજબ બચાવકાર્ય હાથ ધરવા ટીમ તૈયાર છે.  તસવીર : સુરુેશ કરકેરા

સાઇક્લોન સામે સરકારની તૈયારી

 ‘નિસર્ગ’ સાઇક્લોન આજે મુંબઈ નજીક ત્રાટકવાનું છે ત્યારે મુંબઈ, મુંબઈ સબર્બ્સ, થાણે, પાલઘર, રાયગડ, નવી મુંબઈ, રત્નાગિરિ, સિંધુદુર્ગ જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરવાની સાથે રાજ્ય સરકારે તોફાનને લીધે મોટું નુકસાન ન થાય એ માટેની તૈયારીઓ કરી લીધી છે.

૧. મદદ અને બચાવકામ માટે એનડીઆરએફની ૧૦ ટુકડીઓ તહેનાત, ૬ સ્ટેન્ડ બાય રખાઈ.

૨. કાચા ઘરમાં રહેનારાઓને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટે લાઉડ સ્પીકરથી અનાઉન્સમેન્ટ કરવાની સાથે શેલ્ટર હોમ તૈયાર કરાયાં.

૩. કોરોનાને ધ્યાનમાં રાખીને સાઇક્લોનમાં મદદ અને બચાવકાર્ય માટે નૉન-કોવિડ હૉસ્પિટલ ઉપલબ્ધ કરાવવાના આદેશ અપાયા.

૪. વીજળી-પુરવઠો ન ખોરવાય એ માટેની તકેદારી રખાઈ.

૫. પાલઘર અને રાયગડમાં આવેલાં રાસાયણિક કારખાનાં અને ઍટમિક એનર્જી પ્રોજેક્ટમાં સુરક્ષા વધારાઈ.

૬. વરસાદમાં વૃક્ષ તૂટી પડવાં કે જમીન ધસી પડવી તથા જોરદાર વરસાદને જોઈને પ્રશાસનને સાબદું કરાયું.

૭. મુંબઈમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને સ્થળાંતર કરવાની

સૂચના અપાઈ.

૮. જરૂર પડે તો વધારે હૉસ્પિટલ અને જનરેટરની સુવિધા ઊભી કરવાનો નિર્દેશ અપાયો.

૯. દરિયામાં ગયેલા માછીમારોને પાછા બોલાવી લેવાયા.

૧૦. મંત્રાલયમાં ૨૪ કલાક કન્ટ્રોલ-રૂમ શરૂ.

૧૧. લશ્કર, હવાઈ દળ અને નૌસેનાને હવામાન વિભાગ સાથે સમન્વય સાધવાની સૂચના અપાઈ.

૧૨. પાલઘર, વસઈ, દહાણું અને તલસાડીના દરિયાકિનારાના કુલ ૨૧,૦૮૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.

 navy

નાગરિકોની સહાય માટે તૈયાર નેવી ટીમ.

નેવીની ટીમ અલર્ટ

પશ્ચિમ નૌકા દળે  એની તમામ ટીમને સાબદી કરી દીધી છે અને એ ‘નિસર્ગ’ વાવાઝોડાનો સામનો કરવા માટે તૈયાર છે, એમ સંરક્ષણ પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું.

નેવીએ મુંબઈમાં પાંચ ફ્લડ ટીમ તથા ત્રણ ડાઇવિંગ ટીમને અલર્ટ રાખી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

રેસ્ક્યુ ઑપરેશન માટે તાલીમબદ્ધ તથા સુસજ્જ એવી આ ટીમ મુંબઈના વિવિધ નેવલ વિસ્તારોમાં તહેનાત છે અને એ વિશાળ વિસ્તારમાં વહેલી તકે પ્રતિસાદ આપી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે અને તમામ જરૂરી તૈયારી કરવામાં આવી છે. કારવાર નેવલ એરિયા, ગોવા નેવલ એરિયા તથા ગુજરાત, દીવ અને દમણના નેવલ એરિયામાં પણ સમાન પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે

કઈ તરફ વધી રહ્યું છે સાઇક્લોન

હવામાન ખાતાએ જણાવ્યા મુજબ મુંબઈ, ગોવા અને સુરતના દરિયાકિનારા તરફ સાઇક્લોન આગળ વધી રહ્યું છે. આજે બપોર સુધીમાં એ સમુદ્રની સપાટીથી મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં આવેલા અલીબાગમાં ત્રણેક વાગ્યે ત્રાટકી શકે છે. જોકે એ પહેલાં જોરદાર પવન સાથે વરસાદ પડશે. મુંબઈ સહિત કેટલાક વિસ્તારોમાં ૨૪ કલાકમાં ૮ ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. આથી એનડીઆરએફ અને નેવી સહિતની તમામ રેસ્ક્યુ એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK