Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત માટે રાહત : નીલોફર નબળું પડ્યું

ગુજરાત માટે રાહત : નીલોફર નબળું પડ્યું

31 October, 2014 03:13 AM IST |

ગુજરાત માટે રાહત : નીલોફર નબળું પડ્યું

ગુજરાત માટે રાહત : નીલોફર નબળું પડ્યું







ઓમાન પાસે અરબી સમુદ્રમાં સર્જાયેલો નીલોફર ચક્રવાત આજે મોડી રાતથી શનિવારે વહેલી સવાર સુધીમાં નલિયા પહોંચી જાય એવી સંભાવના ગુજરાત હવામાન વિભાગે ગઈ કાલે વ્યક્ત કરી હતી. ગઈ કાલથી નીલોફરની તાકાત અને તીવþતા ઘટી છે, પણ એ પછી પણ નીલોફર ગુજરાત સુધી પહોંચે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનની ગતિ તેજ થવાની સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘નીલોફરને કારણે કચ્છ, જામનગર અને પોરબંદર વિસ્તારના દરિયામાં કરન્ટ દેખાશે અને દરિયામાં વીસથી ત્રીસ ફૂટ ઊંચાં મોજાં ઊછળશે. આ વિસ્તારમાં અતિભારે અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની પૂરી શક્યતા છે.’

નબળું પડ્યું

ગુજરાતના મુખ્ય સચિવ ડૉ. વરેશ સિંહાએ ગઈ કાલે સ્ટેટ ક્રાઇસિસ મૅનેજમેન્ટ ગ્રુપની બેઠકમાં કહ્યું હતું કે ‘અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું નીલોફર નામનું વાવાઝોડું હવામાન ખાતાના અહેવાલ અનુસાર નબળું પડી રહ્યું છે. હવે સૌરાષ્ટ્ર–કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે.’

ગુજરાતના રિલીફ કમિશનર ડી. એન. પાંડેએ કહ્યું હતું કે ‘વાવાઝોડું નબળું પડ્યું છે એમ છતાં ફ્Dય્જ્ની ટીમો સહિતની મહત્વની વ્યવસ્થાઓ અત્યારના સંજોગોમાં યથાવત્ રહેશે. ભારે વરસાદને કારણે ઊભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તમામ પગલાંઓ લેવા માટે જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.’

નાગરિકો સલામત સ્થળે

કચ્છના પુરવઠા અધિકારી અને સ્થળાંતરની કામગીરી સાથે સંકળાયેલાં ડેપ્યુટી કલેક્ટર શીતલ ઘેલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં કચ્છના કોસ્ટલ એરિયામાં આવેલા લખપત, અબડાસા, ભચાઉ, અંજાર, માંડવી, મુંદ્રા અને ગાંધીધામ તાલુકાઓમાંથી ૧૭,૩૫૮ જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડી લઈને ૧૩૯ શેલ્ટરોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને નલિયા–જખૌમાંથી અંદાજે ૨૨૦૦ જેટલા નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જેમાં અગરિયાઓનો પણ સમાવેશ છે.’

૬૫૦૦ અગરિયાઓ વતનમાં

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીનાં પ્રાંત અધિકારી દમયંતી બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ૩ દિવસથી અમારી ૯ ટીમોને રણમાં રહેતા નાગરિકોને સમજાવવા માટે મોકલવામાં આવી હતી અને તેમને વાવાઝોડા વિશે સમજ આપતાં ૨૦ ગામોની ૩૨૦૦ ફૅમિલી તેમના વતનમાં પોતાના ગામે સલામત સ્થળે ખસી ગઈ છે. રણમાં સૉલ્ટ વર્કર્સ અને અન્ય ધંધારોજગાર સાથે સંકળાયેલા અંદાજે ૬૫૦૦ અગરિયાઓ સહિતના નાગરિકો સલામત સ્થળે ખસી ગયા છે.’

રેસ્ક્યુ માટે ફાયર-બ્રિગેડ પણ

અમદાવાદ ફાયર-બ્રિગેડના ઍડિશનલ ચીફ ફાયર-ઑફિસર રાજેશ ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ફાય૨-બ્રિગેડના ૧૫ જવાનો સાથે બે રેસ્ક્યુ વૅન મોકલવામાં આવી છે જેમાંથી એક જૂનાગઢ અને બીજી પોરબંદર જશે. મોકલવામાં આવેલા ઇમર્જન્સી ટેન્ડર રેસ્ક્યુ વેહિકલમાં મલ્ટિ-ફંક્શન ક્રેન, કટર, ઇમર્જન્સી લાઇટ, જનરેટર સહિતનાં બચાવકામગીરી માટેનાં સાધનો છે. બીજી તરફ વડોદરા ફાયર-બ્રિગેડે ગઈ કાલે ૪ રેસ્ક્યુ વૅન, ૬ બોટ સાથે ૩૫ જવાનોને બચાવકામગીરી માટે ભુજ રવાના કર્યા હતાં.

વાતાવરણમાં પલટા : સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ

ગુજરાતની નજીક આવી રહેલા નીલોફરને કારણે ગઈ કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને દિવસ આખો સૂર્યપ્રકાશ જોવા નહોતો મળ્યો. આ વાતાવરણ રવિવાર સુધી રહે એવી ધારણા મૂકવામાં આવે છે. રવિવારથી નીલોફર પર નજર રાખી રહેલાં ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે નીલોફર ધીમું પડ્યું છે; પણ ભારે પવન, વાતાવરણમાં ચેન્જ આવવો અને મધ્યમથી અતિભારે વરસાદ જેવી એની અન્ય અસર હજી પણ યથાવત્ રહે એવી પૂરી શક્યતા છે.

નલિયા-જખૌમાં ગઈ કાલે બપોર બાદ ઝરમર વરસાદ પડ્યો હતો જે સાંજ સુધી ચાલુ રહેવા પામ્યો હતો. નીલોફરને કારણે ગઈ કાલે વાતાવરણ ચેન્જ થવાની સાથોસાથ દ્વારકા, જામજોધપુર, જામકંડોરણા, વણંથલી, વેરાવળ, પોરબંદર, અમરેલી, રાજુલા અને કચ્છમાં છૂટાછવાયા વરસાદથી લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2014 03:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK