Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું: ભારે વરસાદની આગાહી

મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું: ભારે વરસાદની આગાહી

03 November, 2019 07:52 AM IST | અમદાવાદ

મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું: ભારે વરસાદની આગાહી

'મહા' સંકટ ટળ્યું

'મહા' સંકટ ટળ્યું


રાજ્યમાં ‘મહા’ વાવાઝોડાની વ્યાપક અસર દેખાવાની શરૂઆત થઈ છે. મહા વાવાઝોડાએ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે. ગુજરાતના લોકો માટે એક ખુશખબર મળી રહી છે કે હવે રાજ્યના માથેથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું ગુજરાત તરફ આવતાં નબળું પડશે પરંતુ અનેક જિલ્લામાં વિપુલ પ્રમાણમાં વરસાદ થશે. રાજ્યના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર-સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સંઘ પ્રદેશ, દમણ-દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, તાપી ઉપરાંત આણંદ-ખેડા નડિયાદમાં પણ વરસાદ વરસશે. હાલ ‘મહા’ વાવાઝોડું વેરાવળથી ૫૭૦ કિલોમીટર દૂર છે. ચોથી નવેમ્બર બાદ વાવાઝોડું ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરશે અને દ. ગુજરાત તરફ આગળ વધશે પરંતુ તે ગુજરાત તરફ આવતાં નબળું પડશે.
રાજ્યમાં ૬ અને ૭ નવેમ્બરના રોજ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ૧૫ ટીમને અલર્ટ પર રાખવામાં આવી છે. સુરત, વડોદરા, નવસારી, અમદાવાદ, રાજકોટ, જામનગર અને વેરાવળ ખાતે એનડીઆરએફની ટીમોને અલર્ટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત કોસ્ટગાર્ડ, નેવીને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રિય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં અનેક પંથકોમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે અને દરિયો તોફાની બન્યો છે. ૬ અને ૭મી તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં છૂટોછવાયો વરસાદ પડશે.
વેરાવળ, ગીર-સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારીમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. દીવમાં મોડી રાતથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. માહિતી પ્રમાણે છેલ્લા ૬ કલાકમાં દીવમાં ધોધમાર ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો છે. શુક્રવારે મોડી રાત્રે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જિલ્લાના કોડીનાર, ઊના, વેરાવળ, સહિતના પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારીના બોરસી માછીવાડ ગામે ૨૫ જેટલાં ઘરોનાં પતરાં ઊડ્યાં હતાં અને દરિયાકાંઠેથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વલસાડમાં ભારે પવન સાથે બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.
હાલ રાજ્યમાં મહા વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયામાં ભારે કરન્ટ જોવા મળ્યો છે. ‘મહા’ વાવાઝોડાની અસરના લીધે અરબી સમુદ્રમાં ઊંચાં મોજાં ઉછળી રહ્યાં છે. ગુજરાતના દરિયાકિનારાના બંદરો પર ૨ નંબરનું સિગ્નલ લગાવાયું છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કાળા ડિંબાગ વાદળો વચ્ચે ઠંડા પવનો સાથે શરૂ થયેલા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકો ચીકુ અને કેરી પાકને મોટા પ્રમાણમાં નુકસાનની આશંકા સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર સહિત દ. ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેતીને પારાવાર નુકસાની ગઈ છે. કોડીનારમાં ભારે વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. આશરે ૮ હજાર ગૂણી મગફળી હરાજી માટે આવી હતી, તે ભારે વરસાદનાં કારણે પલળી જતા ખેડૂતોને ફટકો પડ્યો છે. સુત્રાપાડામાં પણ ખેડૂતોને ખેતી-પાકોમાં ભારે નુકસાન થયું છે. બીજી બાજુ કપાસ, જુવાર અને સોયાબીન પાકોમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. દિવાળી સુધી વરસાદે ખમૈયા નહીં કરતા લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ છે.'

દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના ખેતીને ૩૦૦ કરોડનું નુકસાન
દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદી માવઠું અને આગામી દિવસમાં વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકવાનું છે તેના લીધે ઊભા પાક સાથે બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાત સૌથી વધુ ખેતી ઉત્પાદન કરતો વિસ્તાર છે ત્યારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ૩ લાખ એકરમાં ખેતીને ૩૦૦ કરોડ કરતાં વધુની નુકસાનીના આંકડા સામે આવી રહ્યા છે, અને જો આ જ પ્રમાણે વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રડવાનો વારો આવે તેવી સ્થિતિ છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે એને પગલે અત્યારે ડાંગર અને કઠોળ સાથે શેરડીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કેટલાક વિસ્તારમાં ડાંગરનો પાક લણણી કરવા પર હતો તો કેટલીક જગ્યાએ પાક કટિંગ થઈને ખેતરમાં પડેલો છે, અને જે પાક કટિંગ કરવાનો હતો તે વરસાદને લઈને જમીનદોસ્ત થઈ જવા પામ્યો છે. જો કે ડાંગર સાથે આદિવાસી વિસ્તારમાં થતાં કઠોળના પાકને પણ નુકસાની થઈ છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાક પણ મોટા પ્રમાણમાં થાય છે, જેમાં કેરી અને ચીકુ જેવા બાગાયતી પાકને પણ નુકસાન જોવા મળ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2019 07:52 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK