Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મહા વાવાઝોડાએ દિશા બદલી, પોરબંદરના દરિયાકિનારે ખતરો

મહા વાવાઝોડાએ દિશા બદલી, પોરબંદરના દરિયાકિનારે ખતરો

05 November, 2019 09:12 AM IST | Ahmedabad

મહા વાવાઝોડાએ દિશા બદલી, પોરબંદરના દરિયાકિનારે ખતરો

મહા વાવાઝોડુ

મહા વાવાઝોડુ


ગુજરાત પર સર્જાયેલા મહા વાવાઝોડાનો ખતરો જેમ-જેમ એ નજીક આવતું જાય તેમ એની તીવ્રતા વધતી જાય છે. પરંતુ હાલ મળતા અહેવાલ પ્રમાણે ‘મહા’ વાવાઝોડાએ દિશા બદલી છે. આ વાવાઝોડું હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય છે. આ વાવાઝોડું ૬ નવેમ્બરે દીવથી પોરબંદરના દરિયાકિનારે ટકરાશે.

‘મહા’ વાવાઝોડાનું ગુજરાતમાં સંકટ વધી રહ્યું છે. અમદાવાદ ફાયર-બ્રિગેડના કર્મચારીઓની રજા રદ કરાઈ છે. દરેક ફાયર-સ્ટેશન પર બે ટીમ સ્ટૅન્ડ ટુ રખાઈ છે. આદેશ મળતાંની સાથે ટીમ રવાના થઈ શકે એ પ્રકારની તૈયારી કરવામાં આવી દીધી છે. રેસ્ક્યુ ઑપરેશનમાં ઉપયોગમાં લેવાતાં સાધનોની ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ૧૬ ફાયર-સ્ટેશન પર ૬ કર્મીની ૧ ટીમ એમ બે ટીમ સ્ટૅન્ડ ટુ રખાઈ છે. આગામી આદેશ નહીં મળે ત્યાં સુધી ફાયર વિભાગના કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.



હાલ આ વાવાઝોડું વેરાવળથી ૬૬૦ કિલોમીટર દૂર છે. ૬ નવેમ્બરની મધ્યરાત્રીએ ટકરાય તેવું અનુમાન છે. જેના કારણે તંત્રએ માછીમારોને અલર્ટ કરતાં દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. ૭ નવેમ્બરે અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં આગાહી છે. જ્યારે ૮ નવેમ્બરે પણ અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.


આ અગાઉ ‘મહા’ વાવાઝોડું ૬ નવેમ્બરે દીવથી દ્વારકાની વચ્ચેના દરિયાકાંઠે ટકરાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દીવ દ્વારકાના દરિયાકિનારે ૧૨૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ હતી. રાજ્યમાં કુલ ૨૫ એનડીઆરએફની ટીમ તહેનાત રાખવામાં આવી છે. ગુજરાત બહારથી ૧૦ એનડીઆરએફની ટીમ મંગાવાઈ છે, જેમાં પાંચ ટીમ દિલ્હી અને પાંચ ટીમ પંજાબથી બહાર મંગાવાઈ છે. આ ૧૦ ટીમને રાજકોટ અને વડોદરામાં સ્ટૅન્ડબાય રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારમાં એનઆરએફની ટીમો તહેનાત કરાઈ છે.

બીજી બાજુ ચીફ સેક્રેટરી જે. એન. સિંઘની ‘મહા’ વાવાઝોડાને મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે. વાવાઝોડાની સ્થિતિ અંગે ચીફ સેક્રેટરીએ જણાવ્યું છે કે સમીક્ષા કરીશું, વાવાઝોડાની આગાહી લઈને તંત્ર સજ્જ છે. કેન્દ્ર સચિવને ‘મહા’ વાવાઝોડાનો રિપોર્ટ ટૂંક સમયમાં જ સોંપાશે. કેન્દ્રીય કૅબિનેટ સેક્રેટરી સાથે વિડિયો કૉન્ફરન્સ યોજાશે, જેમાં વાવાઝોડાની આગાહી અને ગુજરાતમાં એની અસર અંગે ચર્ચાવિચારણા કરવામાં આવશે. વાવાઝોડાને લઈને તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરાશે.


મહા વાવાઝોડાને પગલે ફાયરના અધિકારીઓ અને જવાનોની રજા રદ કરાઈ

ગુજરાત પર ’મહા’ વાવાઝોડાનું સંકટ મંડાયું છે ત્યારે રાજ્યનું તંત્ર સાબદું થયું છે. હવામાન વિભાગની આગાહીને પગલે વાવાઝોડું છઠ્ઠી તારીખની મધરાતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને કારણે સર્જાનાર આકસ્મિક પરિસ્થિતને પગલે અમદાવાદ ફાયર-બ્રિગેડના અધિકારીઓ અને જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠે ‘મહા’ વાવાઝોડું જેમ-જેમ આગળ વધી રહ્યું છે તેમ-તેમ ખતરો પણ નજીક આવી રહ્યો છે. ઝડપથી આગળ વધી રહેલા વાવાઝોડાને પગલે રાજ્યનું તંત્ર અલર્ટ થઈ ગયું છે. આ જ કારણે અમદાવાદ ફાયર-બ્રિગેડના જવાનોની રજા પણ રદ કરી દેવાઈ છે. ફાયરના જવાનોની આગામી પાંચથી આઠ નવેમ્બર દરમિયાનની રજા રદ કરી દેવાઈ છે. સાથે-સાથે દરેક ફાયર-સ્ટેશન પર બે-બે ટીમ સ્ટૅન્ડબાય રાખવામાં આવી છે. તમામ સાધનો સાથે કુલ ૬-૬ સભ્યોની ટીમ તૈયાર રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે નિર્માણ થનારી પરિસ્થિતિની જરૂરિયાત મુજબ ટીમને જે-તે જગ્યાએ રવાના કરવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે રજા પર ગયેલા જવાનોને પણ પરત બોલાવવામાં આવશે.

વાવાઝોડાના પગલે જામનગરનાં તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ

જામનગરમાં પણ મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે છેલ્લા ચાર દિવસથી સતત કમોસમી વરસાદ અને માવઠું જોવા મળી રહ્યું છે. દ્વારકાથી દીવ વચ્ચેના દરિયા પાસેથી મહા વાવાઝોડું પસાર થઈ શકે છે ત્યારે જામનગરનું તંત્ર પણ સાબદું બન્યું છે. જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા તાકીદની બેઠક બોલાવી તમામ અધિકારીઓને કન્ટ્રોલરૂમ ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જામનગરના નવા બંદર સહિતનાં તમામ બંદરો પર ગુજરાત મૅરિટાઇમ બોર્ડ દ્વારા બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જામનગરમાં પણ બેથી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ તેમ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ હવે સતત વાયુ વાવાઝોડું ત્યાર બાદ ક્યાર વાવાઝોડું અને હવે મહા વાવાઝોડાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સતત સૂચનાઓથી બેરોજગાર બનેલા સાગરખેડુઓ પણ રાજ્ય સરકાર પાસે ખેડૂતોની જેમ વળતરની માગ કરી રહ્યા છે.

મહા વાવાઝોડાની અસર તળે કચ્છમાં બે ઇંચ વરસાદ ખાબક્યો

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડું કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં અસર કરી રહ્યું છે. કચ્છના અબડાસા, નખત્રાણા, મુન્દ્રા સહિતના તાલુકાઓમાં બે ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે જેમાં અબડાસા તાલુકાના નલિયામાં અને મુન્દ્રા તાલુકાના કણજરા ટપ્પર વિસ્તારમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. હજી પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી રહ્યો છે.

આ પણ વાંચો : દિવાળીમાં સોમનાથ મંદિરને 96 લાખની આવક

ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે કહ્યું કે વાવાઝોડાની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે, પણ કચ્છમાં એની અસર હેઠળ ૫૦થી ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ૬ અને ૭ નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ વરસશે. કાંઠાળ પટ્ટામાં વરસાદનું જોર થોડું વધુ રહેશે. આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે ત્યારે દરિયામાં પણ ઊંચાં મોજાં ઊછળશે.

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2019 09:12 AM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK