આંધ્ર પ્રદેશ ને તામિલનાડુ પર ત્રાટક્યું વાવાઝોડું નીલમ

Published: 1st November, 2012 03:31 IST

બેનાં મોત : હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા : ભારે વરસાદની આગાહીઆંધ્ર પ્રદેશ અને તામિલનાડુના દરિયાકાંઠા વિસ્તારોમાં ગઈ કાલે વાવાઝોડું નીલમ ત્રાટક્યું હતું. જેને કારણે તામિલનાડુમાં બેનાં મોત થયાં હતાં. હવામાન વિભાગે આવતા બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે તામિલનાડુના મહાબલિપુરમ અને કલ્પકમ વચ્ચે બપોરે ૪.૪૫ વાગ્યે વાવાઝોડાએ કાંઠો ઓળંગવાનું શરૂ કર્યું હતું. જ્યારે આંધ્ર પ્રદેશમાં કાંઠા વિસ્તારના રાયલસીમા જિલ્લા પર વાવાઝોડાની અસર જોવા મળી હતી. વાવાઝોડાને પગલે મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. સધર્ન રેલવેએ અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક ટ્રેન કૅન્સલ કરી હતી. 

વાવાઝોડાને પગલે ૧૧૦ કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાવાના શરૂ થયો હતો. અગાઉ વાવાઝોડાને કારણે બંગાળના અખાતમાં એક ઑઇલ ટૅન્કર ફંગોળાઈને તામિલનાડુ તરફ ખેંચાઈ આવ્યું હતું. આ જહાજ પર સવાર ૧૪ લોકોને મહામહેનતે બચાવવામાં આવ્યા હતા. ‘નીલમ’ને કારણે મહાબલિપુરમમાં ૪૦થી વધારે વૃક્ષો ઊખડી ગયાં હતાં. સતત થઈ રહેલા વરસાદને કારણે મોટા ભાગના લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. સરકારે સાવચેતીનાં પગલાં ભરવા માટે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગને અલર્ટ રહેવા જણાવ્યું હતું. જરૂર પડે તો ચેન્નઈ ઍરર્પોટને પણ બંધ કરવાની તૈયારી રાખવામાં આવી હતી. વાવાઝોડાને કારણે ગઈ કાલે કાંઠા વિસ્તારની સ્કૂલો સતત ત્રીજા દિવસે પણ બંધ રહી હતી તો સરકારી કચેરીઓમાં પણ અડધા દિવસની રજા હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK