નવી ખરીદેલી ગાડી ખામીયુક્ત નીકળે ત્યારે...

Published: 27th October, 2012 06:56 IST

વિષય : વારેઘડીએ વાહનનું સમારકામ કરાવવું પડતું હોય ત્યારે વાહન ખામીયુક્ત છે એવું જણાઈ આવે છે, એમાં લૅબોરેટરીના પરીક્ષણની જરૂર નથી.(ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય)

બૅકડ્રૉપ : 

વાહન જ્યારે ખામીયુક્ત હોય ત્યારે ગ્રાહક ફોરા સામાન્ય રીતે નિષ્ણાતોના પુરાવા અથવા અભિપ્રાય પર ખાસ આધાર રાખે છે, પણ આ કાર્યવાહી આંખ મીંચીને નથી માની લેવાતી. નૅશનલ કમિશને જણાવ્યું કે એક જ પ્રકારની ફરિયાદ માટે વારંવાર વર્કશૉપમાં જવું પડે એનો અર્થ એ જ એની સાબિતી છે કે એ વાહનની ઉત્પાદન સમયની ખામી છે.

કૅસ સ્ટડી :

નવીન નિશ્ચલે તાતા મોટર્સના ઑથોરાઇઝ્ડ ડીલર સાન્યા મોટર્સ પાસેથી તાતા ઇન્ડિકા કાર ખરીદી. કારમાં ઇંધણ અને એન્જિન ઑઇલનો વધુ પડતો વપરાશ તેમ જ અનહદ ધુમાડો નીકળવા જેવી સમસ્યાઓ ઊભી થવા લાગી. ખરીદી કર્યા પછી તરત જ આ વાહનને વારેઘડીએ સમારકામ માટે લઈ જવું પડતું. એમ છતાં ફરી-ફરી એ જ સમસ્યાઓ ઉદ્ભવતી રહેતી. આ રીતે વારંવાર વાહનનું સમારકામ કરવા છતાં કોઈ ઉકેલ આવતો નહોતો. આ બાબતે નવીને તાતાના કસ્ટમર-કૅર મૅનેજરનો સંપર્ક સાધ્યો તો તેમણે એ વાહનને કંપનીની વર્કશૉપમાં લાવવા જણાવ્યું. ત્યાં કારનું એન્જિન બદલવું પડશે અને ત્યાર પછી વાહન બાબતે કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે એવું નવીનને જણાવાયું. એમ છતાં આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નહીં અને પરિસ્થિતિ એની એ જ રહી. નવીને તાતા મોટર્સ તેમ જ એના ડીલર બન્નેને લીગલ નોટિસ મોકલાવી, જેમાં તેણે આ ખામીયુક્ત ગાડીના રિપ્લેસમેન્ટ, વળતર તેમ જ ખર્ચની માગણી કરી. એની આ માગણી કાને ધરવામાં ન આવી એટલે નવીને દિલ્હી ડિસ્ટ્રિક્ટ ફોરમમાં આ બાબતે ફરિયાદ નોંધાવી. ડીલરે સ્વબચાવ કરતાં જણાવ્યું કે આ ઉત્પાદનની ખામી છે એટલે એને માટે તે જવાબદાર નથી. કાર ખામીયુક્ત છે એવી નવીનની ફરિયાદ બાબતે કોઈ નિષ્ણાતનો અભિપ્રાય રેકૉર્ડ નહોતો થયેલો એટલે પોતાના પર મુકાયેલી તહોમત અને ફરિયાદને ઉત્પાદકે પણ નકારી દીધી.

ફોરમે જણાવ્યું કે ગાડીમાં જો કોઈ ઉત્પાદન બાબતની ખામી હોય તો કોઈ એક્સપર્ટ પુરાવો હોવો જરૂરી નથી, કારણ કે વધુ એન્જિન ઑઇલનો વપરાશ થવો તેમ જ વધુ પડતો ધુમાડો નીકળવા જેવી વારંવાર થતી ફરિયાદો જ એની સાબિતી ગણાય છે અને એનું નિરાકરણ સમારકામ કરીને લાવી શકાતું નથી. એન્જિન બદલાવાયું હોવા છતાં વારંવાર થતી ફરિયાદને આધારે અને ખામી જેમની તેમ રહેવાને લીધે ડિસ્ટ્રિક્ટ ફોરમે જણાવ્યું કે કારમાં ખામી છે એ બાબતે કોઈ પણ પ્રકારનો નિષ્ણાતનો અભિપ્રાય હોવો જરૂરી નથી. ફોરમે તાતાઝને આ ખામીયુક્ત કાર બદલીને એની સામે એનું એ જ, પણ નવું મૉડલ તાજી વૉરન્ટી સાથે આપવાનું જણાવ્યું. એ ઉપરાંત આ ત્રાસદાયી તકલીફમાંથી પસાર થવાને કારણે તેમ જ નવીને સહેવી પડેલી અગવડ માટે ૧૦,૦૦૦ રૂપિયાનું વળતર અને ૨૫૦૦ રૂપિયા કાયદાકીય ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો. આ આદેશ સામે તાતાઝે સામી અપીલ નોંધાવી. દિલ્હી સ્ટેટ કમિશને ડિસ્ટ્રિક્ટ ફોરમે આપેલા આદેશમાં થોડો ફેરફાર કર્યો. વાહનને બદલીને નવું આપવાને બદલે સ્ટેટ કમિશને તાતાઝને નવીન બે વર્ષથી કાર વાપરતો હતો એટલે એનું દસ ટકા પ્રમાણે ડેપ્રિશિયેશન બાદ કરી બાકીની કારખરીદીની રકમ પાછી આપવાનું જણાવ્યું. એ ઉપરાંત માનસિક યાતના, શારીરિક અગવડો, ત્રાસ અને તકલીફ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ આશરે વધારાના પચાસ હજાર વળતર તરીકે આપવાના જણાવ્યા.

તાતાઝે આ આદેશ સામે નૅશનલ કમિશનમાં રિવિઝન પિટિશન નોંધાવી અને પડકાર ફેંક્યો. એમાં મુખ્ય દાવો એ હતો કે વાહનમાં ઉત્પાદનની ખામી છે એવી બાબત જણાવતો કોઈ યોગ્ય લૅબોરેટરીના નિષ્ણાતનો અભિપ્રાય નહોતો લેવાયો. વળી, કંપનીએ એવો દાવો પણ કર્યો કે વધુ પડતો ધુમાડો થવો એ વાહનની કોઈ ખામીને લીધે નથી, પરંતુ ભેળસેળયુક્ત ડીઝલ વાપરવાને લીધે છે.

નૅશનલ કમિશને અવલોક્યું કે લગભગ દર મહિને ગાડીને કોઈ ને કોઈ સમસ્યા થવાને લીધે ગૅરેજમાં લઈ જવાતી હતી. એન્જિન ઑઇલનો વધુ પડતી વપરાશ અને વધુ ધુમાડો થવો જેવી ફરિયાદો સતત થતી હતી. એક નવી કારનો ખરીદદાર વારંવાર પોતાની નવી ગાડીને કોઈ ડીલર અથવા તો ઉત્પાદક પાસે ફરિયાદોનાં બહાનાં કરી વારંવાર તો લઈ ન જ જાય, કારણ કે આખરે તો એ માટે તેણે સમય અને પૈસાની સાથે-સાથે સારી એવી જહેમત પણ ઉઠાવવી પડે. એ ઉપરાંત એન્જિન બદલવું એ પણ એક નક્કર હકીકત હતી અને એ ચોખ્ખેચોખ્ખી આ કિસ્સામાં વાસ્તવિકતા દર્શાવતી હતી. દાખલા તરીકે કોઈ ઉત્પાદન વખતની ખામી હતી, જેને લીધે વધુ એન્જિન ઑઇલનો વપરાશ થતો હતો અને કાર વધુ ધુમાડો ફેંકતી હતી. એટલે છેવટે એ તારણ આવ્યું કે આ ખામી ઉત્પાદન વખતની જ છે.

તાતાઝે દાવો કર્યો કે જેવું એન્જિન બદલી આપ્યું કે તરત જ વૉરન્ટી ખતમ થતાં અમારી જવાબદારી પૂરી થઈ જાય છે અને વાહન બદલીને નવું અથવા તો એનું વળતર પાછું આપવાની બાબત એ યોગ્ય ચુકાદો ન કહેવાય. નૅશનલ કમિશને અવલોક્યું કે નવીનને કાર નવી લેવા છતાં વારંવાર ઘણી માનસિક તેમ જ શારીરિક યાતનાનો અનુભવ થયો છે. વળી, આની પાછળ સમય અને પૈસાનો પણ સારો એવો ખર્ચ થયો છે, જેને લીધે યોગ્ય વળતર મળવું જરૂરી છે.

કમિશને ડિસ્ટ્રિક્ટ ફોરમનો આદેશ બાજુ પર મૂક્યો અને નૅશનલ કમિશને તાતાઝને ૪૦,૦૦૦ રૂપિયા વળતર તરીકે તેમ જ ૧૦,૦૦૦ રૂપિયા ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો.

ઇમ્પૅક્ટ :

યોગ્ય અને પૂરતા પુરાવા કે ઑર્ડર ન હોય તો ખામીયુક્ત વાહનને ફરી બદલાવી એની સામે પાછું નવું વાહન મેળવવું અથવા તો એ જેટલામાં ખરીદ્યું હોય એ કિંમતને વળતર તરીકે પાછી મેળવવી એ સખત અઘરી બાબત છે. જોકે, ખામીયુક્ત વાહન બાબતે વળતર મેળવવાનો દાવો કર્યો હોય તો વાહન ખામીભરેલું છે એવું લૅબોરેટરીનું વિશ્લેષણ હોવું જરૂરી નથી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK