Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > કોર્ટ-કચેરીને લગતા વગર વિચારે કરેલા ખર્ચ માટે સરકારી અધિકારીઓ પોતે જ જવાબદાર

કોર્ટ-કચેરીને લગતા વગર વિચારે કરેલા ખર્ચ માટે સરકારી અધિકારીઓ પોતે જ જવાબદાર

15 December, 2012 10:37 AM IST |

કોર્ટ-કચેરીને લગતા વગર વિચારે કરેલા ખર્ચ માટે સરકારી અધિકારીઓ પોતે જ જવાબદાર

કોર્ટ-કચેરીને લગતા વગર વિચારે કરેલા ખર્ચ માટે સરકારી અધિકારીઓ પોતે જ જવાબદાર




(ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય)



કેસ સ્ટડી : 

દીનાનાથે હરિયાણાના યમુનાનગર ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટમાં એક પ્લૉટ માટે અરજી કરી. તા. ૬-૯-૧૯૭૩એ યમુનાનગરની સરોજિનીનગર સ્કીમ હેઠળ ૧૬૦ સ્ક્વેર યાર્ડનો પ્લૉટ નં. ૧૦૩ નાથને ફાળવવામાં આવ્યો. સ્ક્વેર યાર્ડદીઠ પાંત્રીસ રૂપિયા પ્રમાણે પ્લૉટની આશરે કિંમત લગભગ ૫૬૦૦ રૂપિયા હતી અને એની છેવટની કિંમત વાસ્તવિક અલૉટમેન્ટ વખતે નક્કી થવાની હતી.

ત્યાર બાદ તા. ૧૬-૧૧-૧૯૭૩એ ફાળવવામાં આવેલા પ્લૉટમાં ફેરફાર કરી ૨૦૦ સ્ક્વેર યાર્ડનો અને જેની કુલ મળીને કિંમત ૮૭૫૦ રૂપિયા હતી એવો પ્લૉટ નં. ૫૯ ફાળવવામાં આવ્યો. નાથે સિક્યૉરિટી ડિપોઝિટ તેમ જ ત્રણ મહિનાના હપ્તાના ઍડવાન્સ પૈસા પણ ચૂકવી દીધા. તેણે જે કુલ મળીને ૭૮૭૭ રૂપિયા ચૂકવ્યા.

નાથ અને ટ્રસ્ટ વચ્ચે તા. ૪-૨-૧૯૭૪એ સહીસિક્કા સાથે કરાર થયો અને તેનો આખરી હપ્તો પણ ચૂકવાઈ ગયો. ત્રીસ દિવસની અંદર જ પઝેશન મળી જવાનું હતું, પણ ટ્રસ્ટ પઝેશન આપવામાં નાકામ રહ્યું. નાથે આ બાબતસર કાયદાકીય નોટિસ મોકલી. ત્યાર બાદ ટ્રસ્ટે પઝેશન લઈ લેવાનું જણાવ્યું અને બિલ્ડિંગને લગતી બધી યોજનાઓ નાથે ખુદે મંજૂર કરાવવી એવું કહ્યું. છેવટે સતત પ્રયત્નો કરવા છતાં પ્લૉટનું પઝેશન ન જ અપાયું. પછી એને બદલે ટ્રસ્ટે નાથને એવું લખી જણાવ્યું કે કૉલોનીના વિસ્તારની યોજના મંજૂર થવાની બાકી છે અને જેવી મંજૂરી મળશે કે તરત જ પઝેશન આપી દેવામાં આવશે.

૧૯૯૫ના માર્ચ-એપ્રિલ મહિનામાં નાથના જાણવામાં આવ્યું કે વર્ષ ૧૯૯૪ના અંતમાં સુપ્રીમ ર્કોટે જમીનની ખરીદદારી બાજુ પર મૂકી દીધી છે એટલે તેણે ટ્રસ્ટને એને બદલે એટલી જ કિંમતનો બીજો પ્લૉટ ફાળવવાનો જણાવ્યું. જોકે આ પ્રમાણે થયું નહીં.

નાથે વૃદ્ધત્વની ચરમસીમા જેવા ૮૦ વર્ષની ઉંમરે છેવટે પ્લૉટની ફાળવણી માટે ડિસ્ટિÿક્ટ ફોરમમાં ગ્રાહક ફરિયાદ નોંધાવી. તેણે પ્લૉટની ફાળવણી ન થવાને લીધે અત્યાર સુધીમાં બાંધકામના ખર્ચમાં જે વધારો થયો હતો એ બાબતે પણ વળતર માટેનો દાવો કર્યો. એ ઉપરાંત આ દરમ્યાન તેણે જે ભાડું ગુમાવ્યું એનું પણ વળતર માગ્યું. તેને જે માનસિક યાતના અને શારીરિક ત્રાસમાંથી પસાર થવું પડ્યું એનો પણ દાવો નોંધ્યો. ટ્રસ્ટે આ કેસ સામે બચાવ કર્યો કે નાથની ફરિયાદ સમયમર્યાદા બહારની છે. ટ્રસ્ટે એ પણ જણાવ્યું કે તેમની સેવામાં કોઈ ખામી નહોતી, પણ કોર્ટમાં જમીન બાબતે તકરાર ચાલતી હતી અને એ મુદ્દો

સબ-જુડિસ હોવાને લીધે પઝેશન નહોતું મળ્યું અને ત્યાર પછી તો નાથ પોતે જ ચૂકવેલી રકમ પાછી માગતો હતો. તા. ૨૫-૭-૨૦૦૧એ ડિસ્ટિÿક્ટ ફોરમે આપેલા આદેશ પ્રમાણે ટ્રસ્ટે એ પ્લૉટની બદલીમાં બીજો પ્લૉટ આપવો તેમ જ ૫૦,૦૦૦ રૂપિયા વળતર તરીકે અને ૨૦૦૦ રૂપિયા ખર્ચ પેટે આપવા એમ નક્કી થયું.

નાથ અને ટ્રસ્ટ બન્નેએ ચંડીગઢ સ્ટેટ કમિશનમાં પોતાની અપીલ નોંધાવી. સ્ટેટ કમિશને ફોરમનો આદેશ બાજુ પર મૂકી દીધો અને એને બદલે ટ્રસ્ટને બાર ટકાના વ્યાજ સાથે રિફન્ડ રકમ ઉપરાંત પાંચ હજાર રૂપિયા ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો.

ટ્રસ્ટે આ આદેશ સામે પડકાર ન ફેંક્યો, પરંતુ નાથે નૅશનલ કમિશનમાં રિવિઝન પિટિશન નોંધીને એની મદદ માગી. નાથે એ બાબતસર ધ્યાન દોર્યું કે અમુક લોકોને તેમના પ્લૉટને બદલે બીજા પ્લૉટ ફાળવવામાં આવ્યા છે. જોકે જ્યારે આ તકરાર નૅશનલ કમિશનમાં ચાલતી હતી એ દરમ્યાન ટ્રસ્ટે નાથને વધેલા દર મુજબ એક બીજો પ્લૉટ ફાળવી આપીશું એવો પ્રસ્તાવ કર્યો હતો.

નૅશનલ કમિશને કહ્યું હતું કે ટ્રસ્ટ નાથ અને બીજા લોકો વચ્ચે આવો ભેદભાવ ન રાખી શકે. જો બીજા લોકોને તેમના પ્લૉટને બદલે વિકલ્પ તરીકે બીજા પ્લૉટ ફાળવાયા હોય તો પછી નાથને રિફન્ડ ન આપી શકાય. એટલે એણે સ્ટેટ કમિશનનો આદેશ બાજુ પર મૂક્યો અને ફરી ડિસ્ટિÿક્ટ ફોરમે જે આદેશ આપ્યો હતો એ મંજૂર કર્યો.

નાથને ત્રણ દાયકા એટલે કે ત્રીસ વર્ષ સુધી જે માનસિક યાતના ભોગવવી પડી એ મુજબ નૅશનલ કમિશને અવલોક્યું કે આ એક નરી હકીકત છે કે દેશભરમાં કોર્ટમાં મોટી સંખ્યામાં કેસ આવે છે અને પબ્લિક સેક્ટર એમાં ફરી પાછો બોજો ઉમેરે છે. ઘણી વાર તો ફરિયાદીઓના હકીકતમાં જે પૈસા ક્લેમ તરીકે મળવાના હોય છે એના કરતાં વધુ પૈસા કેસ લડવામાં ખર્ચાઈ જતા હોય છે અને એને લીધે ફક્ત પૈસાની જ નહીં પણ સમય અને શક્તિની પણ બરબાદી થાય છે. કોર્ટ-કચેરીના આડેધડ લિટિગેશનના ખર્ચામાં થયેલા વધારાનું કારણ એ પણ છે કે આ પબ્લિક સેક્ટરે મોટા પ્રમાણમાં કાયદાકીય કર્મચારીઓ રાખેલા હોય છે જેઓ કેસને બરાબર તપાસતા નથી અને ઢીલા કેસને કોર્ટ સુધી ઘસડી જાય છે. જોકે આ બાબતસર ર્કોટે ઘણી વાર પોતાની નારાજગી વ્યક્ત કરી હોવા છતાં સરકાર અને પબ્લિક સેક્ટર આવા મુદ્દા બાબતે થતા કોર્ટ-કચેરીના ખર્ચને ઓછો કરવાનો પ્રયત્ન નથી કરતા અને આ ચીલાનું કોઈ નિરાકરણ નથી આવતું. એટલે ટાળી શકાય એવા હોવા છતાં લોકોને મજબૂર કરે એવા કેસનો ખર્ચ જુડિશ્યરી સરકાર તેમ જ પબ્લિક સેક્ટર પર થોપી દે છે.

આ દૃષ્ટિકોણને ધ્યાનમાં લેતાં અને સરકાર દ્વારા થતા આવા બેફામ કોર્ટ-કચેરીના ખર્ચો તેમ જ સુપ્રીમ ર્કોટે જુદા-જુદા કેસમાં લીધેલા નર્ણિયોને આધારે પચીસ હજાર રૂપિયાનો ખર્ચ બેદરકાર સરકારી કર્મચારીઓની પાસેથી લેવાનો આદેશ આપ્યો. એક એવો કેસ કે જેનો એકમાત્ર હેતુ લોકોના પૈસા બરબાદ કરવાનો હતો. (૨૦૦૯ની પિટિશન નં. ૨૫૭નો નૅશનલ કમિશને તા. ૧૭-૧૨-’૧૨એ આપેલા ચુકાદો).



ઇમ્પેક્ટ : 

સિસ્ટમ ત્યારે જ સુધરશે જ્યારે વધુ ને વધુ કોર્ટ, સરકારી અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવાનું શરૂ કરશે અને તો જ તેઓ ખુદના દિમાગનો ઉપયોગ કરશે અને પ્રજાજનો સાથે જવાબદારીપૂર્વક કામ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2012 10:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK