ગ્રાહક હેલ્પલાઈન : ૫૫ રૂપિયાની શેવિંગ ક્રીમમાં ખામી હોવા સામે ૨૫,૦૦૦નું વળતર

Published: 1st December, 2012 08:23 IST

વિષય : નારાજ થયેલો ગ્રાહક જો ફરિયાદ નોંધાવે તો કંપનીએ દાખવેલું લાપરવાહી ભરેલું વલણ કંપનીને ભારે પડી શકે છે. ઘણી વાર જાણીતી કંપનીઓ જડ વલણ દાખવીને ગ્રાહકને ઓછો આંકે છે અને એમ માનવાનું કારણ એ છે કે જ્યાં સુધી કોઈ વસ્તુની કિંમત મોટી ન હોય ત્યાં સુધી ગ્રાહક ન્યાય માગવા જતો નથી.(ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય)


કેસ સ્ટડી : વ્યવસાયે વકીલ દત્તાત્રેય જોશીએ પ્રીતિ મેડિકલ સ્ટોર નામની સ્થાનિક કેમિસ્ટની દુકાનેથી પંચાવન રૂપિયાની નિવ્યા શેવિંગ ક્રીમની ટ્યુબ ખરીદી હતી. તેણે જ્યારે આ ક્રીમનો ઉપયોગ કરવાની કોશિશ કરી ત્યારે ઘણું જોર કર્યા પછી પણ ક્રીમ ટ્યુબમાંથી બહાર નીકળ્યું નહીં, એટલે તે પેલા કેમિસ્ટ પાસે ગયો, પણ કેમિસ્ટે ટ્યુબ બદલી આપવાની ના પાડી અને જણાવ્યું કે એ ટ્યુબની મુદત બે વર્ષની છે અને એ એની મુદતની તારીખ પહેલાં જ વેચાઈ ગઈ હતી. આ માટે જોશીએ નિવ્યા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ઉત્પાદકને કાયદાકીય રીતે નોટિસ મોકલી, પણ કંપનીએ એને અવગણી કાઢી.

ત્યાર પછી જોશીએ મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટમાં ગ્રાહક ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ ઉત્પાદક તેમ જ કેમિસ્ટ બન્નેની સામે હતી. ફોરમે મહારાષ્ટ્ર સ્ટેટના ડ્રગ કન્ટ્રોલ લૅબોરેટરીમાં આ ટ્યુબ તપાસ માટે મોકલી. તપાસના અહેવાલમાં જણાવાયું કે ટ્યુબમાં ૧.૫૨ ગ્રામનો જાડો થર હતો. એને દબાવીને બહાર કાઢ્યા પછી સફેદ કલર જેવું નરમ અને સરસ મજાનું ક્રીમ નીકળ્યું હતું. અહેવાલમાં ચોખ્ખેચોખ્ખું જણાવેલું હતું કે સામાન્ય દબાણ આપવાથી ટ્યુબમાંનું ક્રીમ નીકળતું નહોતું. અહેવાલ તપાસતાં અને બન્ને પક્ષ તરફથી થયેલી વાતચીત સાંભળ્યા પછી ફોરમે નિવ્યાને ખોટી રીતે ખામીયુક્ત શેવિંગ ક્રીમ વેચવા બદલ આ એક અયોગ્ય ટ્રેડ-પ્રૅક્ટિસ છે એવું જણાવ્યું. આ બદલ ફોરમે નિવ્યાને જોશી પર માનસિક ત્રાસ ગુજારવા માટે વળતર તરીકે પિયા ૧૦,૦૦૦  રૂપિયા અને ખર્ચ પેટે ૫૦૦૦  રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. ફોરમે નિવ્યાને આવી ખામીયુક્ત વસ્તુઓ વેચવા તેમ જ એનું ઉત્પાદન કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો અને સ્થાનિક તેમ જ અંગ્રેજી અખબારમાં એ બાબતની જાહેરાત સુધ્ધાં કરવાનું જણાવ્યું કે જેથી કરીને બને એટલા વધુ લોકોને આ પ્રકારની ખામીયુક્ત શેવિંગ ક્રીમની ટ્યુબનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવામાં આવ્યું છે એવી જાણ થઈ શકે.

આ આદેશથી દુભાયેલી નિવ્યા કંપનીએ મહારાષ્ટ્ર સ્ટેટ કમિશનમાં આ બાબતસર અપીલ કરી. પોતાના સ્વબચાવમાં દલીલ કરતાં એણે જણાવ્યું કે આ કિસ્સો એકમાત્ર અપવાદ હતો અને એ જ સમયગાળા દરમ્યાનના બીજા શેવિંગ ક્રીમની ટ્યુબમાં આવી કોઈ સમસ્યા છે કે નહીં એ બાબતે જોશી જાતે જઈને તપાસ કરે. વળી કંપનીએ એ પણ જણાવ્યું કે બીજા કોઈ પણ ગ્રાહકે શેવિંગ ક્રીમની ટ્યુબમાં કોઈ પણ પ્રકારની ખામી છે એવી કોઈ ફરિયાદ નથી કરી. કંપનીએ કહ્યું કે ગ્રાહક હેલ્પલાઇનમાં ફોન કરી ફરિયાદ કરવાને બદલે જોશી આ ટ્યુબ આપી બીજી બદલાવી શક્યો હોત એમ છતાં જોશીએ સીધેસીધી ગ્રાહક ફરિયાદ કરવા પર પસંદગી ઉતારી. કંપનીએ એમ પણ ટાંક્યું કે તપાસના અહેવાલ પ્રમાણે પણ જોશીએ જે શેવિંગ ક્રીમની ટ્યુબ ખરીદી હતી એમાં ફક્ત ૧.૫૨ ગ્રામ જેટલું ક્રીમ જ જાડું થઈ ગયેલું હતું, પણ બાકીનું આખું ક્રીમ તો સારું જ હતું. એણે જણાવ્યું કે એક નાનીઅમથી વાતને કારણ વગર વાતનું વતેસર કરી ફક્ત વધારી દેવામાં આવી છે અને એનું કારણ જોશી વ્યવસાયે વકીલ છે એ હતું. નિવ્યાએ દાવો કર્યો કે આ વાત ખાતર આટલું મોટું વળતર આપવું યોગ્ય નથી. એ ઉપરાંત કંપની તરફથી એવી પણ દલીલ કરવામાં આવી કે એણે કોઈ પણ પ્રકારની અયોગ્ય ટ્રેડ-પ્રૅક્ટિસ કરી નથી અને એટલે અખબારમાં કોઈ પણ પ્રકારની માફી માગતી જાહેરાત આપવાનું કોઈ કારણ નથી.

આ બાજુ જોશીની દલીલ હતી કે ગ્રાહકને હંમેશાં રાજાની જેમ રાખવો જોઈએ. અને કંપનીએ પોતાની ખામી ઢાંકવાને બદલે આ ફરિયાદને નાની ન સમજતાં ગ્રાહકની ફરિયાદનો તરત જ યોગ્ય જવાબ આપવો જોઈતો હતો.

મિસ્ટર ખમતકરની સાથે બેન્ચ પર બેઠેલા મિસ્ટર કાશલકરે આપેલા ચુકાદમાં એવું જણાવવામાં આવ્યું કે ઉત્પાદકની ગ્રાહક પ્રત્યેની મોટામાં મોટી ફરજ ગ્રાહકને ઉચ્ચ ગુણવત્તાની વસ્તુ આપવાની છે અને એ ખામીરહિત હોવી જોઈએ. તાજેતરના થયેલા આ કિસ્સામાં ટ્યુબની ખરાબી ડ્રગ કન્ટ્રોલ લૅબોરેટરીના અહેવાલ દ્વારા અસ્તિત્વમાં આવી હતી. કમિશને એ પણ ટાંક્યું કે ટ્યુબનું સ્તર જાળવવામાં કંપની નાકામ રહી હતી એટલે આપમેળે જ કંપની અયોગ્ય ટ્રેડ-પ્રૅક્ટિસ કરે છે એવું સાબિત થાય છે.

એ મુજબ કંપનીની અપીલ ફગાવી દેતાં ફોરમે આપેલા આદેશ પ્રમાણે નિવ્યા કંપનીને જોશીને ફરીથી ૨૫,૦૦૦  રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. (૨૦૧૧ની અપીલ નં- ૫૨૦ના તારીખ ૨૭-૮-૨૦૧૨ના ચુકાદા પ્રમાણે)

તારણ :
સંદેશો સાફ છે. કંપનીને ઘણી વાર પોતાનું જ જડ વલણ ભારે પડી શકે છે. પૈસાની રીતે જ નહીં, પરંતુ ખુદના લાપરવાહ વલણને કારણે કંપનીની ગ્રાહક દ્વારા ખોટી રીતની પબ્લિસિટી થાય છે અને જે ભારે પડી શકે છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK