22 વર્ષના યુવાને પ્રેમિકાના પિતાની દુકાનમાં આગ ચાંપી દીધી

Published: Sep 26, 2020, 14:30 IST | Samiullah Khan | Mumbai

પરિવારના સભ્યોને સીસીટીવી ફૂટેજ જોયા પછી ખબર પડી

આગ બુજાવતા ફાયર બ્રિગેડના જવાનોનો બાજુની દુકાનના સીસીટીવી ફૂટેજમાંથી લેવાયેલો ફોટો (તસવીર: હનીફ પટેલ)
આગ બુજાવતા ફાયર બ્રિગેડના જવાનોનો બાજુની દુકાનના સીસીટીવી ફૂટેજમાંથી લેવાયેલો ફોટો (તસવીર: હનીફ પટેલ)

પ્રેમિકાના પરિવાર દ્વારા ધમકી આપવામાં આવતી હોવાથી ગુસ્સે ભરાયેલા યુવાને પ્રેમિકાના પિતાની દુકાનને આગ ચાંપી દીધી. આ ઘટના વસઈના માણિકપુર વિસ્તારમાં બની છે. 22 વર્ષિય રાહુલ પાસવાને તેની પ્રેમિકાના પિતાની દુકાનમાં આગ લગાવી હતી. શરૂઆતમાં પરિવારના સભ્યોને લાગ્યું હતું કે, આ એક દુર્ઘટના છે. પણ પછી બાજુવાળી દુકાનનું સીસીટીવી ફૂટેજ જોયા બાદ ખબર પડી કે રાહુલ પાસવાન દુકાનમાં સળગતા પદાર્થ ફેંક્યો હતો અને તેના લીધે આગ લાગી હતી. બાદમાં દુકાનદારે માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

માણિકપુર પોલીસ સ્ટેશને આપેલી માહિતી મુજબ, 10 સપ્ટેમ્બરના રોજ એક પેટ્રોલીંગ ઓફિસરને માણિકપુર પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો હતો જેણે વસઈ વેસ્ટના અંબાડી રોડ પરની દુકાનમાં લાગેલી આગ અંગે જાણ કરી હતી. તેણે ઘટનાસ્થળે પહોચીને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. દુકાનદારને એક લાખ રૂપિયાનું નુકસાન થયું છે. શરૂઆતમાં લાગ્યું હતું કે, શોટ સર્કિટને કારણે થયેલી આ એક દુર્ઘટના છે. પરંતુ 21 સપ્ટેમ્બરે જ્યારે દુકાનદારે નજીકની દુકાનનું સીસીટીવી ફૂટેજ તપાસ્યુ ત્યારે ખબર પડી કે રાહુલ પાસવાન શટરની નીચે જે જગ્યા હોય ત્યાંથી સળગતા પદાર્થ ફેંકતો હતો. તેને કારણે આગ લાગી હતી.

22 વર્ષિય રાહુલ પાસવાન દુકાનદારની 21 વર્ષીય દીકરી સાથે રિલેશનશીપમાં હતો. પણ આ વિશે જ્યારે તેના પરિવારને ખબર પડી ત્યારે તેમણે રાહુલને તેમની દીકરીને મળવાની ના પાડી હતી. જેને લીધે રાહુલને ગુસ્સો આવ્યો હતો અને તેણે દુકાનમાં આગ ચાંપી દીધી હતી. માણિકપુર પોલીસે આઈપીસીની ધારા 435 હેઠળ રાહુલ પાસવાન પર ગુનો નોંધવામાં આવ્યો છે. તેની શોધ પોલીસ કરી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK