Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિરારમાં બંગલો અપાવવાના નામે કાંદિવલીના ગુજરાતી સાથે લાખોની ચીટિંગ

વિરારમાં બંગલો અપાવવાના નામે કાંદિવલીના ગુજરાતી સાથે લાખોની ચીટિંગ

17 February, 2020 08:00 AM IST | Mumbai

વિરારમાં બંગલો અપાવવાના નામે કાંદિવલીના ગુજરાતી સાથે લાખોની ચીટિંગ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાંદિવલી-વેસ્ટની શંકર ગલીની અગ્રવાલ સોસાયટીમાં રહેતા અને હિન્દુસ્તાન નાકા પર ગાર્મેન્ટની ફૅક્ટરી ધરાવતા કિરીટ મોરવાડિયાએ તેમની સાથે થયેલી ૩૮ લાખ રૂપિયાની છેતરપિંડી બદલ મલાડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને એના આધારે પોલીસે એફઆઇઆર નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોતાની સાથે થયેલી છેતરપિંડી વિશે માહિતી આપતાં કિરીટ મોરવાડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ૨૦૧૦માં અમારા ફૅમિલી-ફ્રેન્ડ અને રિયલ એસ્ટેટ બ્રોકર મુકેશ સંઘવીએ તેમના ઓળખીતા દીપક શાહની ઓળખાણ કરાવી હતી. દીપક શાહે તેમના નાલેશ્વર દીપ રિયલ્ટર્સ વિરારના પ્રોજેક્ટ આશિયાના ગ્રીન સિટીમાં બંગલો લેવા જણાવ્યું એટલે અમે એ બંગલાનો પ્રોજેક્ટ જોવા ગયા હતા. એ વખતે અમે દીપક શાહ તેમના બે દીકરા વિશાલ અને પાર્શ્વ, તેમના ભાગીદારો વિજય પારેખ, આનંદ પ્રધાન અને મહેશ નાઈકને મળ્યા હતા. એ પ્રોજેક્ટમાં ૩૫૦ બંગલા અને ૧૪૦ રૉહાઉસ બનવાનાં હતાં. તેમણે જણાવ્યું કે એ પ્રોજેક્ટ ૧૫ મહિનામાં પૂરો કરવાના છીએ. જો ૧૫ મહિનામાં પૂરો નહીં થાય તો એ કરેલા રોકાણ પર દર મહિને દોઢ ટકો વ્યાજ આપશે.



એ પછી ૭ ફેબ્રુઆરીએ મેં મારા અને મારી પત્નીના નામે એક-એક એમ બે બંગલા બુક કરાવ્યા હતા. એક બંગલાની કિંમત ૧૬ લાખ રૂપિયા નક્કી થઈ હતી. અમે બે બંગલા માટે રોકડા ૮ લાખ અને ચેકમાં ૪ લાખ રૂપિયા દીપક શાહને અમારા ઘરે આપ્યા હતા. એની સામે તેમણે અમને રિસીટ આપી હતી. એ પછી એપ્રિલ ૨૦૧૦માં અમે ફરી પાછા સાઇટ પર કામ જોવા ગયા હતા. એ વખતે જોકે ઝડપથી કામ થઈ રહ્યું હતું. દીપક શાહે અમને કહ્યું કે હાલમાં ભાવ સારા વધી રહ્યા છે, પણ જો તમારે વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો હું તમને ૧૮ લાખ રૂપિયા સુધીમાં બીજા બંગલા કરાવી આપીશ. તેમણે અને તેમના પાર્ટનરોએ એ વખતે અમને સિડકો તરફથી મળેલી પરવાનગી, એનાં ડ્રૉઇંગ વગેરે બતાવ્યું હતું. વળી ઉપરથી કહ્યું હતું કે ૧૮ મહિનામાં પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે. જો ન થાય તો એ પછી દર મહિને દોઢ ટકા તમારા રોકાણ પર વ્યાજ ચૂકવીશું એટલે અમે ૨૩ અને ૨૪ એપ્રિલે બીજા બે બંગલા નોંધાવ્યા હતા. એ વખતે પણ ડીલ મારા ઘરે જ થઈ હતી. દીપક શાહ અને તેમના દીકરાને અમે એક બંગલા માટે ૧૨.૫ લાખ રૂપિયા રોકડા મળી કુલ બે બંગલાના ૨૫ લાખ રૂપિયા આપ્યા હતા. તેમણે સામે રિસીટ પણ આપી હતી. એ વખતે તેમણે અમને ચારેચાર બંગલાનું કન્ફર્મ અલૉટમેન્ટ આપ્યું હતું.


આ પણ વાંચો : થાણેમાં ચાલતા નકલી કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો મિડ-ડેના રિપોર્ટરે

૬ મહિના પછી એ પ્રોજેક્ટ બંધ પડ્યો હોવાનું જાણવા મળતાં સાઇટ પર જઈને દીપક શાહનો કૉન્ટૅક્ટ કર્યો તો તેમણે કહ્યું કે પ્રોજેક્ટ સિડકોમાંથી હવે વસઈ-વિરાર મહાનગરપાલિકામાં ટ્રાન્સફર થયો છે એટલે મોડું થઈ રહ્યું છે. એ પછી જ્યારે પણ પ્રોગ્રેસ વિશે પૂછતો ત્યારે કોઈ ને કોઈ બહાનાં બતાવવામાં આવતાં. પછી તો નોટબંધી અને જીએસટીનાં બહાનાં અપાયાં, પણ કામ આગળ વધ્યું નહીં. ૨૦૧૮માં ફરી પાછું કામ શરૂ થયું એ વખતે તેમણે ભાવ વધી ગયા છે એમ કહીને અમારી પાસેથી બે બંગલા માટે વધુ પાંચ લાખ રૂપિયા લીધા, પણ એ પછી ફરી કામ અટકી ગયું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે બધા પાર્ટનર છૂટા થઈ ગયા છે અને પ્રોજેક્ટ રખડી પડ્યો છે. આખરે આ બાબતે મારી સાથે છેતરપિંડી થઈ છે એની જાણ થતાં મલાડ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. તેમણે મારી વિગતો અને દસ્તાવેજો જોઈને તપાસ શરૂ કરી અને આખરે ૧૪ ફેબ્રુઆરીએ દીપક શાહ સામે એફઆઇઆર નોંધ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2020 08:00 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK