બલરામપુરમાં દલિત યુવતી સાથે ગૅન્ગરેપ, પીડિતાનું મોત

Published: 2nd October, 2020 15:27 IST | Agency | Balrampur

ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મીઓ બેફામ બન્યા છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હાથરસમાં સામૂહિક બળાત્કારના મામલે દેશમાં જુવાળ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન યુપીના બલરામપુરમાં દલિત યુવતી સાથે ગૅન્ગરેપની ઘટના સામે આવી છે. બાવીસ વર્ષની દલિત વિદ્યાર્થિની સાથે સામૂહિક બળાત્કાર બાદ તેની કમર અને બન્ને પગ ભાંગી નાખ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થિનીને રિક્ષામાં બેસાડીને ઘરે મોકલી દેવાઈ હતી, જ્યાં થોડા સમય પછી તેણે દમ તોડી દીધો હતો. આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવાયો છે. મૃતક મહિલાની માતાએ આરોપ લગાવ્યો છે કે પુત્રીને ઇન્જેક્શન આપીને તેની પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને બાદમાં કમર અને બન્ને પગ ભાંગી રિક્ષામાં બેસાડીને ઘરે મોકલી દીધી હતી, ત્યાર બાદ તે કંઈ બોલી શકી નહોતી. તે ફક્ત એટલું જ કહેવામાં સક્ષમ હતી, ‘ઘણી પીડા થાય છે, હવે હું બચીશ નહીં.’ જોકે બલરામપુરના એસપી દેવ રંજન વર્માએ કહ્યું છે કે હાથ, પગ અને કમર તોડી દેવાની વાત સાચી નથી, કેમ કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં આની પુષ્ટિ થઈ નથી.

આ દરમિયાન પોસ્ટમૉર્ટમ બાદ મોડી રાત્રે પીડિતાના મૃતદેહને તેના ગામમાં લઈ જવામાં આવ્યો જ્યાં પહેલાંથી જ મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે જ પીડિતાના દેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. ગામના બે ડૉક્ટરો પાસે લઈ ગયા બાદ પરિવારજનો યુવતીને લઈને સારવાર માટે જિલ્લા મથકે દોડી ગયા હતા, પરંતુ યુવતીનું થોડેક અંતરે મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે યુવતી ઘરે પહોંચી ત્યારે તે કાદવમાં ભીંજાઈ ગઈ હતી અને તેના હાથમાં ગ્લુકોઝ ચઢાવવાનો વિગો હતો. પરિવારે ગામમાં જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે ગામના એક યુવકે ગામના એક ડૉક્ટરને ઘરમાં યુવતીની સારવાર માટે બોલાવ્યો હતો. પરિવારે આરોપ લગાવ્યો હતો કે જ્યારે યુવતી પચપેડવાની વિમલા વિક્રમ કૉલેજમાં પ્રવેશ મેળવી પરત ફરી રહી હતી ત્યારે ગામના ૫થી ૬ છોકરાઓએ તેનું અપહરણ કર્યું હતું અને ગામના એક મકાનમાં લઈ જઈને ગૅન્ગરેપ કર્યો હતો. જે રિક્ષામાં યુવતીને ઘરે પહોંચાડવામાં આવી એમાં લોહીના ડાઘ હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK