વરલીમાં લાગેલા મોબાઇલ ટાવરો સામે ક્રિકેટના દિગ્ગજો પણ નારાજ

Published: 4th November, 2011 20:59 IST

ક્રિકેટના દિગ્ગજો એમટીએનએલ (મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ)ના અક્કડ અભિગમને કારણે ભારે નારાજ છે. આ દિગ્ગજો છે સુનીલ ગાવસકર, રવિ શાસ્ત્રી, દિલીપ વેન્ગસરકર તથા અજિત વાડેકર જેઓ સ્ર્પોટ્સફીલ્ડ નામના બિલ્ડિંગમાં રહે છે, કારણ કે વરલી સીફેસની નજીકમાં આવેલા સ્ર્પોટ્સફીલ્ડ નામના આ બિલ્ડિંગના રહીશો દ્વારા એક વર્ષ પહેલાં જ એમટીએનએલને એના ટાવર હટાવવા જણાવવામાં આવ્યું હતું.

 

એમ છતાં એમટીએનએલ દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અજિત વાડેકરે કહ્યું હતું કે નવ માળના આ બિલ્ડિંગના ટૉપ ફ્લોર પર તેઓ રહે છે. મિડિયામાં મોબાઇલ ટાવરના રેડિયેશનની આડઅસર વિશેના અહેવાલને કારણે ગયા વર્ષે જ તેમણે સોસાયટીની જનરલ મીટિંગમાં સર્વાનુમતે આ ટાવર હટાવવાનો નિર્ણય લીધો હતો. જે મુજબ ફેબ્રુઆરી ૨૦૧૧થી આ ટાવર હટાવવાનો હતો. એની જાણકારી  એમટીએનએલને આપી દેવામાં આવી હતી. એમ છતાં આજ દિન સુધી આ ટાવર હટાવવામાં નથી આવ્યો. આ બાબતે એમટીએનએલના જનરલ મૅનેજર (માર્કેટિંગ) શશાંક માલવિયાએ કહ્યું હતું કે મોબાઇલ ટાવરના રેડિયેશનને કારણે લોકોના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર થઈ હોવાના કોઈ પુરાવાઓ હજી મળ્યા નથી. એમ છતાં આ કેસમાં તેમને અન્ય વૈકલ્પિક જગ્યા મળી ગઈ છે એથી તેઓ વહેલી તકે તેમના ટાવરને અહીંથી ખસેડી લેશે.

જુહી ચાવલાએ મોબાઇલ ટાવરો સામે વાંધો ઉઠાવ્યો : સરકારને એમાં કંઈ ખોટું નથી લાગી રહ્યું

ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાએ સરકારી બિલ્ડિંગો પર મૂકવામાં આવેલા મોબાઇલ ટાવરોને હટાવવાની માગણી કરીને આસપાસના લોકોના સ્વાસ્થ્યને એને લીધે તકલીફો ઊભી થવાનો ભય દર્શાવ્યો હતો. જુહી ચાવલાએ કહ્યું હતું ‘હું સાઉથ મુંબઈમાં આવેલા સ્ટેટ ગવર્નમેન્ટના ગેસ્ટહાઉસ સહ્યાદ્રિની સામેના ઘરમાં રહું છું. આ ગેસ્ટહાઉસ પર ૧૪ મોબાઇલ ટાવર લગાવવામાં આવ્યા છે, જેનું રેડિયેશન બહુ હોય છે અને એને લીધે એની નજીકમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. લોકોની તંદુરસ્તીને થઈ રહેલી સમસ્યાને ધ્યાનમાં લેતાં સરકારે આ ટાવર શક્ય એટલા જલ્ાદી હટાવી દેવા જોઈએ. મોબાઇલ ટાવરની નજીકમાં રહેતા લોકોની હાલત એવી છે કે જાણે તેઓ માઇક્રોવેવ અવનમાં રહેતા હોય.’

બીજી તરફ સરકારનો પક્ષ લેતાં મહારાષ્ટ્રના પર્યાવરણપ્રધાન સચિન આહિરેએ કહ્યું હતું કે ‘મોબાઇલ ટાવરનાં રેડિયેશનને લગતા એક્સપર્ટની કમેન્ટ પણ લેવામાં આવી હતી, જેના રિપોર્ટ મુજબ આ ટાવરના રેડિયેશનને લીધે કોઈના સ્વાસ્થ્યને તકલીફ થાય એમ નથી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK