CPM હવે કૉન્ગ્રેસને સહયોગ કરીને ત્રીજા મોરચાને ભૂલી જશે

Published: Oct 28, 2014, 05:22 IST

માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે હવે નિર્ણય લીધો છે કે ગેરકૉન્ગ્રેસી કે ગેર-BJP ત્રીજા મોરચાની હવે કોઈ ભૂમિકા બચી નથી. આનો અર્થ એ થયો કે BJPને હરાવવા CPM કૉન્ગ્રેસ સાથે સહયોગ સાધશે
કારણ-તારણ - રમેશ ઓઝા


૧૯૨૦થી ૧૯૮૦ સુધીના છ દાયકા માર્ક્સવાદી વિમર્શના હતા. સામ્યવાદથી ડરનારાઓ અને સામ્યાવાદ તરફ આશાની નજરે જોનારાઓ એમ બન્ને જમાતના લોકો સામ્યવાદી પક્ષોમાં શું બની રહ્યું છે અને શી ચર્ચા થઈ રહી છે એના પર નજર રાખતા હતા. સામ્યવાદીઓની ચર્ચા પણ સાધારણ કક્ષાની બીજા પક્ષો જેવી ન હોય. થીસિસ, ઑલ્ટરનેટિવ થીસિસ અને લાઇન સામ્યવાદીઓની અનિવાર્ય ર્જાગન છે. ચાર-ચાર દિવસ સુધી પક્ષના પૉલિટબ્યુરો અને સેન્ટ્રલ કમિટીની બેઠક ચાલે અને એમાં ભેજાનું દહીં થાય એવી ચર્ચા થાય. એ પછી જે લાઇન નક્કી થાય અને રણનીતિ તૈયાર થાય એ પક્ષના મુખપત્રમાં પ્રકાશિત થાય. અખબારોમાં, સામયિકોમાં અને મજૂર સંગઠનોનાં કાર્યાલયોમાં એના વિશે ચર્ચા જોવા મળે.

સામ્યવાદ એકસાથે કેટલાક લોકોમાં ભય અને બીજા કેટલાક લોકોમાં આશા એટલા માટે પેદા કરતો હતો કે ઇસ્લામની જેમ જ સામ્યવાદ વલ્ર્ડ વ્યુ ધરાવે છે. જગતનો પ્રત્યેક સામ્યવાદી પહેલાં સામ્યવાદી છે અને પછી એ જે-તે દેશ કે સમાજનો સભ્ય છે. ઇસ્લામની જેમ જ સામ્યવાદીઓ માટે સામ્યવાદ સિવાયની બીજી તમામ ઓળખ ગૌણ છે. સામ્યવાદના વિરોધીઓને ડર લાગતો હતો કે સામ્યવાદીઓની સંગઠિત તાકાત એક દિવસ મુક્ત મૂડીવાદ આધારિત રાજ્યને હાઇજૅક કરી જશે. સામ્યવાદી વિચારમાં શ્રદ્ધા ધરાવનારો પણ આ જ કારણે મોટી આશા ધરાવતો હતો કે સામ્યવાદની સંગઠિત તાકાત એક દિવસ મૂડીવાદી રાજ્યને પરાજિત કરશે અને સામ્યવાદી ક્રાન્તિ થશે. આ ભય અને આશાની રમત છ દાયકા ચાલી હતી. એમાં પણ પહેલાં ચાર દાયકામાં આ રમત એની ચરમસીમાએ હતી. સામ્યવાદના વિરોધીઓએ ‘ગૉડ ધૅટ ફેઇલ્ડ’ અને જ્યૉર્જ ઑરવેલના ‘ઍનિમલ ફાર્મ’નો અનુવાદ જગતભરની મહત્વની ભાષાઓમાં કરાવ્યો હતો અને એ બે પુસ્તક મફતમાં વહેંચવામાં આવતાં હતાં. આ બન્ને પુસ્તકોના ગુજરાતીમાં પણ અનુવાદ થયા છે. ‘ગૉડ ધૅટ ફેઇલ્ડ’માં સામ્યવાદી શાસનની નિષ્ફળતાની વાત કહેવામાં આવી છે અને ‘ઍનિમલ ફાર્મ’ સામ્યવાદની ઠેકડી ઉડાડતું એક અદ્ભુત પ્રહસન છે. ૧૯૮૦ પછીથી સામ્યવાદનો ચળકાટ ઝાંખો પડવા લાગ્યો હતો અને ૧૯૯૦ સુધીમાં એનું પતન થયું હતું. હવે તો સામ્યવાદને ૧૯મી અને ૨૦મી સદીના અવશેષ તરીકે જોવામાં આવે છે.

સામ્યવાદ એની અવશેષ અવસ્થામાં ભારતમાં પણ છે. ૧૯૫૭માં બીજી સામાન્ય ચૂંટણી વખતે કેરળમાં ભારતીય સામ્યવાદી પક્ષનો વિજય થયો એ મોટી ઐતિહાસિક ઘટના હતી. જગતમાં પહેલી વાર સામ્યવાદી વિચારધારા લોકમાન્યતા સાથે એટલે કે મત દ્વારા સત્તા સુધી પહોંચી હતી. કેરળમાં ચૂંટાયેલી સામ્યવાદી સરકાર આવી એ પછી સામ્યવાદ માટેનાં ભય અને આશામાં વધારો થયો હતો. ભય એટલો હતો કે ૧૯૫૯માં જવાહરલાલ નેહરુ જેવા લોકતંત્રમાં શ્રદ્ધા ધરાવનારા વડા પ્રધાને કેરળની સામ્યવાદી સરકારને બરખાસ્ત કરી હતી. એ પછી તો સામ્યવાદીઓએ કેરળ, પશ્ચિમ બંગ અને ત્રિપુરામાં ચૂંટાઈ આવીને વખતોવખત રાજ કર્યું છે. આમાં પશ્ચિમ બંગમાં સતત ત્રણ દાયકાઓ કરતાં વધુ સમય સામ્યવાદીઓએ શાસન કર્યું હતું. જેમ જગતમાં પહેલી ચૂંટાયેલી સામ્યવાદી સરકાર આપવાનો વિક્રમ ભારતીય સામ્યવાદીઓનો છે એમ જગતમાં ચૂંટાઈને ઉપરાઉપરી છ મુદત સુધી રાજ કરવાનો વિક્રમ પણ ભારતીય સામ્યવાદીઓનો છે.

સામ્યવાદ આધુનિક યુગની સૌથી રેડિકલ વિચારધારા છે તો સામ્યવાદી જમાત વિચારધારાની બાબતમાં જગતમાં સૌથી રૂઢિચુસ્ત જમાત છે. એક થીસિસ કે લાઇન અપનાવ્યા પછી એની સમીક્ષા કરીને નવી થિસિસ કે નવી લાઇન અપનાવતાં તેમને વર્ષો લાગે છે. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના પૉલિટબ્યુરોની ગયા અઠવાડિયે ચાર દિવસ માટે બેઠક મળી હતી જેમાં એની ૧૯૭૮ની લાઇનની સમીક્ષા કરવામાં આવી હતી. ૧૯૭૮ એટલે કે ૩૬ વર્ષ પહેલાં તેમણે જે રાજકીય રણનીતિ અપનાવી હતી એનું હવે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને ઠરાવવામાં આવ્યું છે કે ડાબેરી લોકતાંત્રિક પરિબળોને એકઠાં કરીને કૉન્ગ્રેસને પરાજિત કરવાની રણનીતિ કાલબાહ્ય થઈ ગઈ છે. વાસ્તવમાં ગેરકૉન્ગ્રેસવાદનો સામ્યવાદી પક્ષના ઠરાવ પછી ૧૩ વર્ષે ૧૯૯૧માં અંત આવી ગયો હતો, પરંતુ સામ્યવાદી પક્ષને એની રણનીતિ સુધારતાં ત્રણ ગણો સમય લાગ્યો હતો. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે હવે નિર્ણય લીધો છે કે ગેરકૉન્ગ્રેસી કે ગેર-BJP ત્રીજા મોરચાની હવે કોઈ ભૂમિકા બચી નથી. આનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ને હરાવવા CPM કૉન્ગ્રેસ સાથે સહયોગ સાધશે. સીતારામ યેચુરી આ નવી રણનીતિનો વિરોધ કરી રહ્યા છે અને તેમણે પૉલિટબ્યુરોમાં ઑલ્ટરનેટિવ થીસિસ રાખી હતી.

છેલ્લાં કેટલાંક વર્ષ દરમ્યાન કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPIM) અને કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સિસ્ટ (CPM) વચ્ચે જે મતભેદ છે એનું એકમાત્ર કારણ કૉન્ગ્રેસ સાથેનો સહયોગ છે. CPIM કૉન્ગ્રેસ સાથે સહયોગ કરવામાં માને છે, જ્યારે CPM ૧૯૭૮ના ઠરાવ હેઠળ એનો વિરોધ કરતી આવી છે. ૧૯૯૬માં CPMએ જ્યોતિ બાસુને કૉન્ગ્રેસના સહયોગ સાથે વડા પ્રધાન બનવા નહોતા દીધા, કારણ કે તેમને ૧૯૭૮નો ઠરાવ નડતો હતો. ૧૯૭૮ના કાલબાહ્ય ઠરાવનો જો દસ વર્ષ વહેલો રિવ્યુ કર્યો હોત તો દેશને પહેલા સામ્યવાદી વડા પ્રધાન મળી શક્યા હોત. હવે નવી સ્થિતિમાં CPMએ જ્યારે કૉન્ગ્રેસ સાથે સહયોગ કરવાનું નક્કી કરી લીધું છે ત્યારે હવે CPIથી અલગ રહેવા માટે કોઈ કારણ બચતું નથી. એમ લાગે છે કે હવે પછી CPM અને CPIનું વિલીનીકરણ પણ થશે. બાય ધ વે, સામ્યવાદી પક્ષના વિભાજન પછી CPMની તુલનામાં CPIM ઘસાઈ ગઈ એનું કારણ એણે કૉન્ગ્રેસને કરેલો સહયોગ હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK