વૅક્સિનેશન ડ્રાઇવના પહેલા દિવસે બીએમસીના સ્ટાફે રાખી લાજ

Published: 18th January, 2021 09:49 IST | Prajakta Kasale | Mumbai

કો-વિન ઍપ નિષ્ફળ જતાં ૪૦૦૦થી વધારે ફોન કરીને રસી લેવા માટે હેલ્થ-વર્કર્સને બોલાવ્યા

શનિવારે નાયર હૉસ્પિટલમાં કોવિશીલ્ડ વૅક્સિન લેતા હેલ્થ-વર્કર્સ (તસવીર: આશિષ રાજે)
શનિવારે નાયર હૉસ્પિટલમાં કોવિશીલ્ડ વૅક્સિન લેતા હેલ્થ-વર્કર્સ (તસવીર: આશિષ રાજે)

કોવિડ-૧૯ વૅક્સિનેશન ડ્રાઇવના પહેલા દિવસની ચહલ-પહલ શાંત થયા પછી ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી હતી કે શુક્રવારે કો-વિન ઍપ વૅક્સિનેશન માટે જે હેલ્થ કૅર પ્રોફેશનલ્સની યાદી બનાવવામાં આવી હતી, એ બધાને સંદેશા મોકલવામાં નિષ્ફળ ગઈ હતી. એથી મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓએ ૪૦૦૦થી વધારે ફોન કરીને હેલ્થ-વર્કર્સને બોલાવ્યા હતા. દરમ્યાન રવિવારની સાંજ સુધી વૅક્સિનની આડઅસર કે પ્રતિકૂળ અસરની કોઈ ફરિયાદો મળી નહોતી.

અગાઉ હાથ ધરવામાં આવેલા ડ્રાય રન વેળા કો-વિન ઍપ તૈયાર નહીં હોવાથી એ રિહર્સલ્સમાં સામેલ નહોતી. એથી એની કામગીરી અને સજ્જતા બાબતે આગોતરી સમજ કેળવાઈ નહોતી. ઍપ વૅક્સિનેશન ડ્રાઇવ શરૂ કરતાં પહેલાં તૈયાર થશે, એવી જાણકારીને પગલે પચીસેક જણનાં નામોની યાદી બનાવીને ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકાનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઍપ તો શનિવારે પણ તૈયાર નહોતી.

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું કે ‘કો-વિન ઍપમાં ટેક્નિકલ પ્રૉબ્લેમ્સ હતા. એથી અમે ઑફલાઇન રજિસ્ટ્રેશનની પરવાનગી કેન્દ્ર સરકાર પાસે માગી હતી, પરંતુ કેન્દ્ર સરકારે એને માટે ના પાડી હતી. એથી કર્મચારીઓ દ્વારા ફોન પર લાભાર્થીઓને જાણ કરવાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો.’

મુંબઈ મહાનગરપાલિકાનાં કાર્યકારી આરોગ્ય અધિકારી મંગલા ગોમરેએ જણાવ્યું હતું કે ‘અમારી સામે ભગીરથ કામગીરીનો પડકાર હતો. તેમ છતાં, ટાર્ગેટના ૫૦ ટકા લોકોનું વૅક્સિનેશન કરી શક્યા એની ખુશી છે. જે લોકોએ રસીના ડોઝ લીધા તેમનામાં આડઅસરો કે પ્રતિકૂળ અસરનો એક પણ કેસ હજી સુધી નોંધાયો નથી. અમે કેન્દ્ર સરકારની સૂચનાની રાહ જોઈએ છીએ. અમે માળખાકીય દૃષ્ટિએ સજ્જ છીએ. ઍપ તૈયાર થાય એટલે અમે વૅક્સિનેશન ડ્રાઇવને આગળ ધપાવીશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK