આખા ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર અને પોલીસ પણ ઍક્શનમાં આવી ગઈ છે અને લોકોને કોરોના મહામારીમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે. બીજી તરફ કોરોના મહામારી દરમિયાન બીજેપીના નેતાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક બીજેપી નેતા દ્વારા ૬૦૦૦થી વધુ લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે. બીજેપી નેતાએ પોતાની પૌત્રીનાં લગ્નમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં લગભગ ૬૦૦૦થી વધુ લોકો જોડાયા હતા અને આ લગ્ન સમારંભમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઊડ્યા હતા. તાપી જિલ્લાના બીજેપીના ભૂતપૂર્વ ધારાસભ્ય કાન્તિ ગામિતની પૌત્રીનાં લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઊડ્યા હતા. આ લગ્નમાં ૬૦૦૦થી વધુ લોકો સામેલ થયા હતા અને લોકો માસ્ક પહેર્યા વગર ડાન્સ કરી રહ્યા હતા.
કોરોના મહામારીમાં આટલી મોટી સંખ્યામાં લોકોને બોલાવવા ન જોઈએ એટલી સામાન્ય સમજણ પણ ધારાસભ્યમાં જોવા ન મળી અને પોતાની પૌત્રીની ઉજવણીમાં ઘેલા બનેલા ધારાસભ્ય કાન્તિ ગામિતે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ લગ્ન સમારંભમાં લોકો માસ્ક વગર જ ફરી રહ્યા હતા તેમ જ સોશ્યલ ડિસ્ટન્સ તો સહેજ પણ જળવાયું ન હતું. જોકે સ્થાનિક પોલીસે પણ આટલી મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થયા છતાં તેમની સામે કોઈ પગલાં ભર્યાં ન હતાં. આ લગ્ન સમારંભમાં સ્થાનિક પોલીસ મૂકપ્રેક્ષક બની ગઈ હતી અને લોકોએ સીધેસીધું કોરોના મહામારીને આમંત્રણ આપ્યું હતું.