Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજથી દુકાનો ખૂલશે તો ખરી, પણ દુકાનદારો સામે સૌથી મોટો સવાલ...

આજથી દુકાનો ખૂલશે તો ખરી, પણ દુકાનદારો સામે સૌથી મોટો સવાલ...

05 June, 2020 08:04 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

આજથી દુકાનો ખૂલશે તો ખરી, પણ દુકાનદારો સામે સૌથી મોટો સવાલ...

તસવીર: બિપિન કોકાટે

તસવીર: બિપિન કોકાટે


કોરોનાને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને હવે તબક્કાવાર ખુલ્લું કરાઈ રહ્યું છે ત્યારે વેપારીઓએ સરકારના આ પગલાને આવકાર્યું છે. જોકે દુકાનદારોને સતાવતી સૌથી મોટી સમસ્યા છે સ્ટાફની. સાવ ઓછા કે વગરસ્ટાફે દુકાન ખોલીને કરવું શું? ઘણા ખરા કર્મચારીઓ વતનભેગા થઈ ગયા છે અને જેઓ અહીં છે તેઓ દૂરનાં પરાંમાં રહે છે. એવામાં દુકાન શરૂ કરીએ તો પણ તેઓ વગરટ્રેને કે પબ્લિક ટ્રાન્સપોર્ટની કોઈ યોગ્ય વ્યવસ્થા વિના દુકાન સુધી પહોંચી નહીં શકે. હા, પણ ઑડ-ઈવન તારીખે રસ્તાની એક બાજુની દુકાનો ખુલ્લી રાખવાની મુખ્ય શરત સહિત અન્ય શરતો સાથે ખોલવામાં આવનારા આ લૉકડાઉનને કારણે હતાશ બેસેલા વેપારીઓ અને દુકાનદારોમાં આશા જાગી છે; ધંધા તો ચાલુ થશે, થોડી તો થોડી આવક તો થશે.

છૂટક વેપારીઓના અસોસિએશન ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે કહ્યું હતું કે આજથી પાલિકાએ દુકાનો ખોલવા શરતી પરવાનગી આપી છે એથી વેપારીઓમાં ખુશી છે. જોકે લાંબા વખત પછી દુકાનો ખૂલતી હોવાથી હાલમાં ઓપનિંગ ધીમું રહેશે. લોકો એકદમ ખરીદી કરવા બહાર નહીં નીકળે. બીજું, હાલમાં વેપારીઓને સૌથી મોટી સમસ્યા તેમના કર્મચારીઓને દુકાનમાં લાવવાની છે. મુંબઈમાં દુકાનોમાં કામ કરતા કર્મચારીઓ અલગ-અલગ વિસ્તારમાં દુકાનથી દૂર રહેતા હોય છે અને તેઓ ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર આધાર રાખતા હોય છે. તેમને કઈ રીતે કામ પર લાવવા એ મોટી સમસ્યા છે. અમે આ સંદર્ભે આદિત્ય ઠાકરે અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી, પણ હાલના તબક્કે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલુ કરવા માગતા નથી એથી હાલમાં સ્થાનિક લોકોને કામ પર રાખવાનું સૂચન કરાયું છે.’



કરિયાણાની દુકાનો આમ તો લૉકડાઉનમાં ખુલ્લી હતી, પણ હવે એ પૂરો સમય ખુલ્લી રાખી શકાશે. આ વિશે માહિતી આપતાં ધી મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખ રમણીકલાલ જાદવજી છેડાએ કહ્યું કે ‘હાલમાં લોકોએ બહુ માલ ભરી લીધો છે. રૅશનિંગની દુકાનોમાં પણ સરકારે બે રૂપિયા કિલો ઘઉં અને ત્રણ રૂપિયા કિલો ચોખા આપવા માંડ્યા છે એથી કરિયાણાની દુકાનોમાં ઘરાકી વધી જશે એવું નથી, પણ એ સાથે હાલના આ લૉકડાઉનમાં લોકો મૉલમાં ગયા નથી તેમને જો ફરી ત્યાં જતા રોકવા હોય તો વેપારીઓએ વાજબી ભાવ સાથે ધંધો કરવો પડશે. બીજું, રોજ કમાઈને રોજ ખાનારો જે મજૂરવર્ગ હતો એ તેમના વતન ચાલ્યો ગયો છે. અંદાજે ૨૦થી ૨૫ લાખ લોકો મુંબઈ છોડીને ગયા છે, જેનો મોટો ફટકો પડશે.’


ઝવેરીબજારમાં આજથી ઑડ-ઈવન ગોઠવણ પ્રમાણે દુકાનો ખૂલશે, પણ એ હોલસેલની જ દુકાનો ખૂલશે. જ્યારે પરાંઓમાં રીટેલમાં ધંધો કરતા જ્વેલર્સ હાલમાં દુકાન ખોલવાના મૂડમાં નથી એમ કહેતાં કુર્લા સરાફા અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ અને અને મહારાષ્ટ્ર રાજ્ય સરાફા અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ સુરેશ સંઘવીએ કહ્યું કે ‘રીટેલમાં દુકાનો નાની હોય છે. બીજું, હાલમાં કર્મચારીઓ ગામ જતા રહ્યા છે એથી સિક્યૉરિટીનો પણ સવાલ ઊભો થાય. એકલો માલિક દુકાન ખોલીને બેસે તો પણ જોખમ છે એથી હાલમાં વેઇટ ઍન્ડ વૉચ અભિગમ અપનાવવાનુ નક્કી કર્યું છે.’

બોરીવલીમાં સ્ટેશન સામે રેડીમેડ કપડાંની દુકાન ધરાવતા ગજરાજ જૈને કહ્યું કે સરકારે લૉકડાઉન હળવું કરીને દુકાન ખોલવાની પરવાનગી આપી એ આવકારદાયક છે, પણ બહુ સંભાળવું પડશે, બહુ સાવધાની રાખવી પડશે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ગ્રાહક અને વેપારી બન્ને માટે જરૂરી છે. માસ્ક પહેરવા પણ ફરજિયાત છે. હાલમાં અડધો સ્ટાફ પણ કામ પર આવશે કે નહીં એ શંકા છે. નાલાસોપારા-વિરારથી એ લોકો અહીં આવી નહીં શકે. હાલમાં છત્રી કે રેઇનકોટ જેવી ચીજોનું વેચાણ થશે. કપડાં જરૂરિયાતમાં નથી આવતાં એથી ધંધો ઠંડો રહેશે.


બોરીવલી-વેસ્ટમાં જ એલ. ટી. રોડ પર બેડશીટ્સ, ટૂવાલ, પડદા વગેરેની દુકાન ધરાવતા અનિલ મહેતાએ કહ્યું કે ‘મૂળમાં હાલમાં લોકલ ટ્રેનો બંધ છે એટલે સ્ટેશન પર આવતી પબ્લિક બહુ ઓછી હશે. સવારે કામધંધે જનારાઓ સાંજે ઘરે પાછા ફરતી વખતે ખરીદી કરી જાય છે એ પબ્લિક નહીં હોય. વળી હાલમાં પરિસ્થિતિ એવી છે કે જે લેવું બહુ જ જરૂરી હશે કે અર્જન્ટ હશે એ જ વસ્તુની લોકો ખરીદી કરશે. હાલમાં એક-બે મહિના તો ધંધો ઠંડો જ રહેશે.’

દુકાનદારોએ પાળવાની ગાઇડલાઇન

દુકાનના ગેટ પર જ સૅનિટાઇઝર સ્ટૅન્ડ રાખવું.
માલિક અને કર્મચારી બધાએ માસ્ક પહેરેલા હોવા જોઈએ.
સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું. બે વ્યક્તિ વચ્ચે ૩થી ૪ ફુટનું અંતર જાળવવું.
ઇન્ફ્રારેડ ટેમ્પરેચર માપતી ગનનો ઉપયોગ કરવો.
કોઈ પણ જૂનો સ્ટૉક ખાલી કરવા ‘સેલ’નું બોર્ડ મારીને વેચાણ નહીં કરી શકે. એનાથી ભીડ થવાની શક્યતા રહે છે.

મુંબઈમાં દુકાનોમાં કામ કરતા કર્મચારીઓ અલગ-અલગ વિસ્તારમાં દુકાનથી દૂર રહેતા હોય છે અને તેઓ ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર આધાર રાખતા હોય છે. તેમને કઈ રીતે કામ પર લાવવા એ મોટી સમસ્યા છે.
- વીરેન શાહ, અસોસિએશન ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ

હાલમાં અડધો સ્ટાફ પણ કામ પર આવશે કે નહીં એ શંકા છે. નાલાસોપારા-વિરારથી સ્ટાફ મારી બોરીવલીની દુકાને આવી નહીં શકે. બાકી, દુકાનો ખોલવાની પરવાનગી સરકારે આપી છે એ આવકારદાયક નિર્ણય છે.
- ગજરાજ જૈન, બોરીવલીના રેડીમેડના વ્યાપારી

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2020 08:04 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK