Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કહેવું પડે! મીરા-ભાઈંદરમાં કોરોના રિકવરી-રેટ છે 63 ટકા

કહેવું પડે! મીરા-ભાઈંદરમાં કોરોના રિકવરી-રેટ છે 63 ટકા

28 May, 2020 07:27 AM IST | Mumbai
Prakash Bambhrolia

કહેવું પડે! મીરા-ભાઈંદરમાં કોરોના રિકવરી-રેટ છે 63 ટકા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ મહારાષ્ટ્ર રાજ્ય અને આર્થિક પાટનગર મુંબઈમાં નોંધાયા છે. મુંબઈને અડીને આવેલા થાણે, મીરા-ભાઈંદર, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી અને વસઈ-વિરારમાં પણ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણના પેશન્ટો સામે આવ્યા છે. જોકે ગઈ કાલ સુધીમાં ભારત, મહારાષ્ટ્ર અને મુંબઈ તથા આસપાસના વિસ્તારની સરખામણી કરીએ તો જણાઈ આવે છે કે મીરા-ભાઈંદરમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના દર્દીઓની સૌથી વધુ ૬૩ ટકા રિકવરી થઈ છે.

દેશભરમાં અનેક શહેરમાં, મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રશાસન કોરોના સામેની લડતમાં જોઈએ એવું પરિણામ નથી મેળવી શક્યું ત્યારે મીરા-ભાઈંદરમાં આખા મહારાષ્ટ્ર રાજ્ય કરતાં બમણી રિકવરી કેવી રીતે થઈ શકે એની પાછળ એકથી વધારે કારણ હોવાનું જાણવા મળ્યું હતું.



મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ચંદ્રકાંત ડાંગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાની શરૂઆતમાં જ ભાઈંદર (વેસ્ટ)માં આવેલી પંડિત ભીમસેન જોષી હૉસ્પિટલ (ટેમ્બા)ને માત્ર કોરોનાના દર્દીઓ માટેની ૧૦૦ બેડની આધુનિક હૉસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી, ડેડિકેટેડ ડૉક્ટરોની નિયુક્તિ કરવામાં આવી, પાલિકાના આરોગ્ય વિભાગને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવાની તાલીમ આપવામાં આવી. આ સિવાય સ્લમમાં કોરોનાને કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ હોવાથી અમે ગણેશ દેવળ ઝૂંપડપટ્ટીમાં રહેતા ૪૬૨ રહેવાસીઓને શિફ્ટ કર્યા હતા. આથી અહીંના એક-બે કેસ બાદ સંક્રમણ આગળ નથી વધી શક્યું. ટેમ્બામાં બેઝિકથી લઈને ગંભીર દર્દીઓને સારવાર મળે એ માટે આઇસીયુના ૨૦ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આથી અહીંના દર્દીઓએ મુંબઈ કે થાણે સારવાર માટે જવું નથી પડતું.’


કાઉન્સેલિંગ કારગર

ટેમ્બા હૉસ્પિટલમાં કોવિડની સુવિધા ઊભી કરવામાં મદદ કરનારા ભક્તિવેદાંત હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. અજય સંખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટા ભાગના દર્દીઓ કોરોનાથી હદ ઉપરાંતના ફફડી જાય છે. અમારી હૉસ્પિટલના ચાર ડૉક્ટર દરરોજ સવાર-સાંજ ટેમ્બામાં ઍડ્મિટ થયેલા દર્દીઓની સારવારની સાથે તેમનું કાઉન્સેલિંગ પણ કરે છે. તેમની સાથે વાતચીત કરે છે. દેશ-દુનિયાના પૉઝિટિવ રિપોર્ટ પહોંચાડે છે. ડાયટિશ્યને કહ્યા મુજબનો સાત્ત્વિક-પૌષ્ટિક ખોરાક દર્દીઓને પહોંચાડાય છે. મને લાગે છે આને કારણે અહીંના દર્દીઓ જલદી સાજા થઈને ઘરે જાય છે.’


વિધાનસભ્ય ગીતા જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટેમ્બા હૉસ્પિટલને કોવિડ સ્પેશ્યલ બનાવાઈ ત્યાર બાદથી દરરોજ દર્દીઓને સાત્ત્વિક-પૌષ્ટિક ભોજન પૂરું પાડવાની જવાબદારી અમે લીધી છે. અત્યારે અહીં કોરોનાના ૯૨ પેશન્ટ સારવાર લઈ રહ્યા છે. એક બિનસરકારી સંસ્થા સાથે ટાઇઅપ કરીને અમે હૉસ્પિટલમાં ભોજન પૂરું પાડીએ છીએ.’

સ્લમમાં કોરોનાને કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ હોવાથી અમે ગણેશ દેવળ ઝૂંપડપટ્ટીમાં રહેતા ૪૬૨ રહેવાસીઓને શિફ્ટ કર્યા હતા. આથી અહીંના એક-બે કેસ બાદ સંક્રમણ આગળ નથી વધી શક્યું.
- ચંદ્રકાંત ડાંગે, મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર

ક્યાં કેટલો રિકવરી-રેટ? (ટકામાં)

ભારત ૪૨
નવી મુંબઈ ૪૫
મહારાષ્ટ્ર ૩૧ 
મુંબઈ ૨૮
થાણે ૩૧
કલ્યાણ-ડોમ્બિવલી ૨૮
વસઈ-વિરાર ૪૨
Whatsapp-channel Whatsapp-channel

28 May, 2020 07:27 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK