સ્પેનમાં 24 કલાકમાં 700 લોકોનાં મોત : ઇટલીમાં એક દિવસમાં 683ના જીવ ગયા

Published: Mar 27, 2020, 11:13 IST | Agencies | Madrid/Washington/Rome

વિશ્વમાં કુલ ૨૧ હજારથી વધુનાં મોત, ૪ લાખથી વધુ લોકો સંક્રમિત

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઇરસ આખી દુનિયામાં ભયાનક રીતે ફેલાઈ રહ્યો છે. આ જીવલેણ વાઇરસ અત્યાર સુધીમાં ૨૧ હજાર લોકોના જીવ લઈ ચૂક્યો છે. દુનિયાના ૧૯૮ દેશોમાં ૪,૬૮,૯૦૫ લોકો આ વાઇરસથી સંક્રમિત છે. કોરોના સામે જંગ માટે ભારત સહિત આખા વિશ્વમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. લગભગ ૩ અબજની વસ્તી લૉકડાઉનની સ્થિતિમાં જીવી રહી છે. અમેરિકામાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ સાથે મૃત્યુઆંક પણ એક હજારને પાર કરી ગયો છે. અહીં બુધવારે કોરાના વાઇરસના કારણે ૨૨૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. હંગેરીમાં સીનિયર બ્રિટિશ રાજદૂત સ્ટિવન ડીકનું કોરોના વાઇરસનાં કારણે મંગળવારે મોત થયું છે. તેમની ઉંમર ૩૭ વર્ષ હતી.

કોરોનાની મહામારીનો આ આંકડો સમુદ્રના પાણીમાં એક ટીપા સમાન માનવામાં આવી રહ્યો છે, કારણકે આ વાઇરસના સંક્રમણનો સાચો આંકડો ઘણા દેશોમાં ખૂબ વધારે છે. ઘણા દેશોમાં તો અત્યાર સુધી માત્ર એવા જ દરદીઓની તપાસ થતી હતી જેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય. ૨૪ કલાકમાં જે દેશોમાં સૌથી વધુ મોત થયાં તેમાં સ્પેન સૌથી ઉપર છે. સ્પેનમાં કોરાના વાઇરસના લીધે ૨૪ કલાકમાં ૭૩૮, ઈટલીમાં ૬૮૩ અને ફ્રાન્સમાં ૨૩૧ લોકોનાં મોત થયાં છે.

ઇટલીમાં કાળો કેર વર્તાવ્યા બાદ હવે કોરોનાનો ટાર્ગેટ સ્પેન છે. અહીં મોતનો આંકડો ચીનથી પણ આગળ નીકળી ગયો છે. સ્પેનમાં અત્યાર સુધીમાં ૩૬૪૭ લોકોનાં મોત થયાં છે. જ્યારે ચીનમાં ૩૨૮૭ લોકો મોતને ભેટ્યાં છે. કોરોનાના કારણે ઈટલીમાં હાલત સૌથી વધુ ખરાબ છે. અહીં અત્યાર સુધીમાં આ વાઇરસે ૭૫૦૩ લોકોનો ભોગ લીધો છે. ઈટલીમાં કોરોના વાઇરસથી ૭૪,૩૮૬ લોકો સંક્રમિત છે.

મોતના આંકડા પર નજર કરીએ તો ઈટલી બાદ સ્પેન સૌથી વધુ પ્રભાવિત છે. અહીં કોરોના વાઇરસના ૪૯,૫૧૫ કેસ સામે આવ્યા છે. સ્પેન પછી ચીન અને ઈરાનનો નંબર આવે છે. ઈરાનમાં ૨૦૭૭ લોકોનાં મોત થયાં છે જ્યારે ૨૭,૧૦૭ લોકો સંક્રમિત થયા છે. આ મામલે ફ્રાન્સ પાંચમા ક્રમે પહોંચ્યું છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં ૨૫,૨૩૩ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હવે બ્રિટન પણ કોરોનાની ચપેટમાં આવતું દેખાઈ રહ્યું છે. અહીં ૯૫૨૯ લોકોને કોરાના વાઇરસનો ચેપ લાગ્યો છે. બ્રિટનમાં અત્યાર સુધી કોરોના ૪૬૫ લોકોને ભરખી ગયો છે. એટલું જ નહીં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

કોરોના વાઇરસ હવે આફ્રિકામાં પણ પગપેસારો કરી રહ્યો છે. નાઈઝર, કેમરુન, ઇસ્ટોનિયા, જમૈકામાં કોરોનાથી પહેલું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. લાઓસ, માલી, લિબિયા, ગ્રેનેડા અને ડોમિનિકા અત્યાર સુધી કોરોનાના ઓછાયા હેઠળ આવ્યા નહોતા. પરંતુ હવે અહીં પણ પૉઝિટિવ કેસ મળ્યા છે. એક અનુમાન મુજબ યુરોપમાં કોરોના સંક્રમણના ૨,૪૦,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે અને ૧૩,૮૨૪ લોકોનાં મોત થયાં છે.

સ્પેનના નાયબ વડા પ્રધાન કાર્મેન કાલ્વોન કોરોના વાઇરસની ચપેટમાં

કોરોના વાઇરસે સ્પેનમાં પણ પગપેસારો કર્યો છે. સ્પેનના નાયબ વડા પ્રધાન કાર્મેન કાલ્વોને પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. ૬૩ વર્ષની કાલ્વોનો પણ કોરોના વાઇરસનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. અધિકારીઓએ જાણકારી આપી છે કે મંગળવારે કાલ્વોનો કોવિદ-૧૯ ઈન્ફેક્શન માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પહેલાં પણ એક ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ સંતોષકારક પરિણામ નહીં મળતાં વધુ એક ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

સ્પેનમાં કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા વધીને ૪૭,૬૧૦ને પાર થઈ ચૂકી છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. કોરોના વાઇરસથી મૃત્યુઆંક વધીને ૩૪૩૪ને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય અધિકારી ફર્નાન્ડો સાઇમને જણાવ્યું કે આગામી સમયમાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. સ્પેનમાં ૧૪ માર્ચથી જ લૉકડાઉન છે તેમ છતાં પણ અહીં કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK