મુંબઈ: પ્રેગ્નન્ટ કોરોના પૉઝિટિવ મહિલા હૉસ્પિટલમાંથી ભાગી ગઈ

Published: May 21, 2020, 08:06 IST | Gujarati Mid-day Correspondent | Raigad

મુંબઈની સોમૈયા હૉસ્પિટલમાંથી પતિ સાથે ભાગીને રાયગઢ જિલ્લામાં કિલ્લાની તળેટીના ગામમાં પહોંચ્યા બાદ મેડિકલ ટીમની સાવચેતીથી હૉસ્પિટલમાં દાખલ કરાઈ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં આવેલી સોમૈયા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક ૩૫ વર્ષની કોરોના પૉઝિટિવ મહિલા તેના પતિ સાથે પલાયન થઈ હોવાની ચોંકાવનારી ઘટના બે દિવસ પહેલાં બની હતી. જો કે મેડિકલની ટીમની સતર્કતાથી રાયગઢ કિલ્લાની તળેટીના ગામમાંથી તે મળી આવ્યા બાદ બીજી હૉસ્પિટલમાં આ મહિલાને દાખલ કરાઈ હતી.

મળેલી માહિતી મુજબ ૩૫ વર્ષની પ્રેગ્નન્ટ મહિલાને કોરોનાનું સંક્રમણ થતાં તેની સારવાર સોમૈયા હૉસ્પિટલમાં ચાલી રહી હતી. જો કે તેને વધુ સારવારની જરૂર હોવાથી બીજી હૉસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે આ મહિલા મોકો જોઈને હૉસ્પિટલમાંથી ભાગી ગઈ હતી.

મહિલા ભાગીને પતિ સાથે રાયગઢ કિલ્લાની તળેટીમાં આવેલા કરમર ગામમાં પ્રવેશી હતી ત્યારે ગામની મેડિકલ ટીમે મહિલા અને તેના પતિની પૂછપરછ કરતાં તેમની પાસેથી મળેલા હૉસ્પિટલના ડૉક્યુમેન્ટ્‌સ જોઈને ચોંકી ઊઠી હતી.

પ્રેગ્નન્ટ હોવાની સાથે મહિલા કોરોના પૉઝિટિવ હોવાથી તેને ગામમાં પ્રવેશ આપવાને બદલે પતિ-પત્નીને મહાડના ટ્રોમા કૅર યુનિટમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ મામલાને ગંભીરતાથી લઈને બન્ને સામે ગુનો દાખલ કરવાનો આદેશ મહાડના પ્રાંત અધિકારી વિઠ્ઠલ ઇનામદારે આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

કોરોના પૉઝિટિવ દર્દી ક્વૉરન્ટીન સેલ કે હૉસ્પિટલમાંથી આવી રીતે ભાગી જાય તો અનેક લોકોને તે કોરોનાનો ચેપ લગાવી શકે છે એટલે પ્રશાસન દ્વારા કોરોના પૉઝિટિવ દર્દીઓ પર વિશેષ ધ્યાન રાખવાના નિર્દેશ અપાયા હોવા છતાં આવી ઘટના બને છે એ સિસ્ટમમાં કંઈક ખામી દર્શાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK