હૉસ્પિટલે છુપાવી દરદીની સ્થિતિ, પછી અચાનક મૃત જાહેર કર્યા

Published: May 22, 2020, 12:48 IST | Samiullah Khan | Mumbai

મલાડનો પરિવાર આ મામલે પોલીસ-કમિશનરનો સંપર્ક કરશે અને જરૂર પડ્યે કાયદાકીય લડત પણ આપશે

નાલાસોપારાની એક પ્રાઇવેટ હૉસ્પિટલ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. મલાડમાં રહેતા પરિવારે એવો આરોપ લગાવ્યો છે કે હૉસ્પિટલે અમારા ૫૭ વર્ષના સ્વજનની સ્થિતિ વિશે અમને અંધારામાં રાખ્યા હતા અને જ્યારે પરિવારજનોને શંકા ગઈ ત્યારે બીજી જ સવારે હૉસ્પિટલે મહિલા દરદીને મૃત જાહેર કરી દીધી. પરિવારે હૉસ્પિટલની ગેરરીતિના મામલે મુંબઈ પોલીસ કમિશનરનો સંપર્ક સાધ્યો છે.

પરિવારે જણાવ્યા પ્રમાણે બે સંતાનોની ૫૭ વર્ષની માતાની એક સ્થાનિક ડૉક્ટર પાસે યુરિનરી ઇન્ફેક્શનની સારવાર ચાલતી હતી. અચાનક જ મહિલાને નબળાઈ જણાતાં પરિવારે ડૉક્ટર બદલ્યો. ડૉક્ટરે ૩૦ એપ્રિલે દવા આપી અને બીજી મેએ ફરી બતાવી જવા જણાવ્યું. ત્યાર બાદ વિવિધ ટેસ્ટ કરાવતાં ડૉક્ટરે તાત્કાલિક ધોરણે દરદીને દાખલ કરવા જણાવ્યું.

ત્રણ હૉસ્પિટલોના ધક્કા ખાધા પછી આખરે મહિલાને મલાડની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બીજા દિવસે મહિલાનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવતાં હૉસ્પિટલના રિસેપ્શને તેમને નાલાસોપારામાં આવેલી હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી.

તેમણે ઍમ્બ્યુલન્સનો ચાર્જ ૧૮,૦૦૦ જણાવતાં મેં ૧૦,૦૦૦ રૂપિયામાં પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સ બોલાવી લીધી. મલાડની હૉસ્પિટલે મને ૮૨,૦૦૦ રૂપિયાનું બિલ પકડાવ્યું અને મેં તરત રકમ ભરી દીધી. ઍમ્બ્યુલન્સમાં બેઠેલા નાલાસોપારાની  હૉસ્પિટલના સાગર નામના શખસે ડિપોઝિટપેટે ૫૦,૦૦૦ રૂપિયા માગ્યા. મેં જી-પેથી ચૂકવી દીધા, એમ મહિલાના પતિએ જણાવ્યું હતું.

૭મી મેએ રાતે ૧.૧૩ વાગ્યે મહિલાને દાખલ કરવામાં આવી અને ૮ મે સુધી મહિલા વિડિયો-કૉલ થકી તેના પરિવાર સાથે વાત કરતી હતી, ત્યાર બાદ પરિવારનો દરદી સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

મહિલાના પુત્રે જણાવ્યું કે ‘અમે મારી માતાનો સંપર્ક સાધી શકતા નહોતા અને હૉસ્પિટલના ઇન્ચાર્જ બસ પૈસાની માગણી કરતા હતા અને અમને રિપોર્ટ આપવાનો ઇનકાર કરતા હતા. તેઓ અમને જણાવતા હતા કે મારી માતા અત્યંત બીમાર છે અને તેમની સ્થિતિ ગંભીર છે. ૧૦ મેએ ડૉક્ટરે જણાવ્યું કે મારી માતા સાજી થઈ રહી છે. હૉસ્પિટલના ઇન્ચાર્જ અને ડૉક્ટરનાં નિવેદનો વિરોધાભાસી હતાં.’

૧૬ મેએ હૉસ્પિટલના ઇન્ચાર્જે તાત્કાલિક દોઢ લાખ રૂપિયાની માગણી કરી. ‘અમે સૌ કોવિડ-પૉઝિટિવ હોવાથી મુસાફરી કરી શકતા ન હોવાથી હૉસ્પિટલનો માણસ આવ્યો અને અમારું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી ગયો. મેં હૉસ્પિટલ ફોન કરીને હૉસ્પિટલ આવી રહ્યો છું એમ જણાવ્યું ત્યારે તેમણે મને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો અને બીજા દિવસે ૧૭ મેએ ફોન કરીને મને જણાવ્યું કે મારી પત્ની મૃત્યુ પામી છે. અમે ૧.૯૪ લાખ રૂપિયાની ચુકવણી ન કરી ત્યાં સુધી તેમણે અમને મૃતદેહ ન સોંપ્યો,’ એમ દર્દીના પતિએ જણાવ્યું હતું.

‘મને ખાતરી છે કે દર્દીનું મૃત્યુ ૮ કે ૯ મેએ જ થયું હશે, પરંતુ હૉસ્પિટલના સત્તાવાળા સારવારના બહાને પૈસા કઢાવતા રહ્યા. અમે પોલીસ-કમિશનરને આ સંદર્ભે ફરિયાદ કરીશું અને જરૂર પડ્યે કાનૂની લડત લડીશું,’ એમ તેમના પુત્રએ

જણાવ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK