27 વર્ષ બાદ આવશે બાબરી વિધ્વંસ કેસનો ચુકાદો, 30 સપ્ટેમ્બરે પડશે ખબર

Published: Sep 16, 2020, 14:56 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ જેવા દિગ્ગજ નેતાઓ સહિત 49 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અયોધ્યામાં વર્ષ 1992 ડિસેમ્બરમાં બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાના મામલામાં સીબીઆઈની કોર્ટ આખરે 27 વર્ષ બાદ 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપશે. આ મામલામાં પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી રહેલા લાલકૃષ્ણ અડવાણી (LK Advani), પૂર્વ રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા કલ્યાણ સિંહ (Kalyan Singh), બીજેપી નેતા વિનય કટિયાર (Vinay Katiyar), પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહેલા ઉમા ભારતી (Uma Bharti) આરોપી છે. સીબીઆઈએ આ મામલામાં 49 આરોપીઓની વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી હતી જેમાંથી 17 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

નોંધનીય છે કે, મંગળવારે સીબીઆઈની વિશેષ કોર્ટમાં બચાવ તથા અભિયોજન પક્ષ તરફથી મૌખિક ચર્ચા પૂરી કરી લેવામાં આવી છે. હવે સીબીઆઈની વિશેષ કોર્ટ આ મામલામાં 30 સપ્ટેમ્બરના રોજ પોતાનો ચુકાદો સંભળાવશે. 2 સપ્ટેમ્બરથી કોર્ટ પોતાનો ચુકાદો લખાવવાનું શરુ કરી દીધું છે. વિશેષ જજ સુરેન્દ્રકુમાર યાદવે આદેશ આપ્યો છે કે, ચુકાદો લખવા માટે પત્રાવલીને તેમની સામે રજૂ કરવામાં આવે.

તમને જણાવી દઈએ કે, 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખાને તોડી પાડવાના મામલામાં કુલ 49 FIR નોંધવામાં આવી હતી. એક FIR ફૈજાબાદના પોલીસ સ્ટેશન રામ જન્મભૂમિમાં SO પ્રયંવદા નાથ શુક્લાએ જ્યારે બીજી FIR એસઆઈ ગંગા પ્રસાદ તિવારીએ નોંધાવી હતી. બાકીની 47 FIR અલગ-અલગ તારીખે અલગ-અલગ પત્રકારો તથા ફોટોગ્રાફરોએ પણ નોંધાવી હતી. 5 ઓક્ટોબર 1993ના રોજ સીબીઆઈની તપાસ બાદ આ મામલામાં કુલ 49 આરોપીઓની વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 17 લોકોનાં સુનાવણી દરમિયાન મોત થઈ ચૂક્યા છે.

મંગળવારે કોર્ટ સમક્ષ બચાવ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ મૃદુલ રાકેશ વ્યક્તિગત રીતે કોર્ટમાં ઉપસ્થિત રહીને પોતાની મૌખિસ રજૂઆત પૂરી કરી. જ્યારે વરિષ્ઠ વકીલ આઈબી સિંહે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોતાના અસીલ આરએન શ્રીવાસ્તવ તરફથી મૌખિક રજૂઆત કરી. બીજી તરફ, દિલ્હીથી વકીલ મહિપાલ અહલૂવાલિયાએ પણ વીડિયો કોન્ફરન્સિંગથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તથા મુરલી મનોહર જોશી તરફથી મૌખિક રજૂઆત કરી. કોર્ટમાં બચાવ પક્ષ તરફથી વકીલ વિમલ કુમાર શ્રીવાસ્તવ, અભિષેક રંજન તથા કેકે મિશ્રા પણ ઉપસ્થિત હતા. સીબીઆઈ તરફથી વકીલ પી. ચક્રવર્તી, લલિત કુમાર સિંહ તથા આરકે યાદવે મૌખિક રજૂઆત કરી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK