Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યાય મળ્યો, પણ વળતર નહીં મળે

ન્યાય મળ્યો, પણ વળતર નહીં મળે

01 February, 2021 08:23 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

ન્યાય મળ્યો, પણ વળતર નહીં મળે

આઠ વર્ષથી પથારીવશ જય તેનાં મમ્મી-પપ્પા અને ભાઈ સાથે

આઠ વર્ષથી પથારીવશ જય તેનાં મમ્મી-પપ્પા અને ભાઈ સાથે


આઠ વર્ષ પહેલાં થયેલા એક રોડ-ઍક્સિડન્ટમાં કોર્ટે અકસ્માતનો ભોગ બનનાર ગુજરાતી કિશોરને ૩૧.૯૧ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ તો આપ્યો છે, પણ સામા પક્ષે અકસ્માત કરનાર યુવકનો પરિવાર કહે છે કે અમારી આર્થિક પરિસ્થિતિ એવી નથી કે અમે આ વળતરની રકમ આપી શકીએ. જ્યારે અકસ્માતનો ભોગ બનનાર કિશોરના પરિવારની હાલત એટલી બદતર છે કે વાત ન પૂછો. તેના પપ્પાએ નોકરી-ધંધો તો ગુમાવ્યાં જ, પણ પરિવાર હવે ઘર વેચીને અન્ય ઠેકાણે રહેવા જતો રહ્યો છે. હવે કોર્ટના ઑર્ડર છતાં વળતરની રકમ મળશે કે નહીં એના પર પ્રશ્નચિહ્‍‍ન લાગી ગયું છે. જોકે આટલું-આટલું વીત્યા છતાં દીકરાને ઊભો કરવાનું બીડું તેના પિતા નરેશ સોલંકીએ ઝડપ્યું છે.

આ વિશે માહિતી આપતાં અકસ્માતનો ભોગ બનનાર જયના પિતા નરેશ સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્રિકેટર બનવા માગતા જયને શિવાજી પાર્ક ક્લબમાં રમવાનો ચાન્સ મળતાં અમે તેને માહિમમાં નાનીને ત્યાં રાખ્યો હતો. ૮ વર્ષ પહેલાં ૧૫ વર્ષનો જય ૨૦૧૨ની ૧૧ જુલાઈએ સ્કૂલ જવા નીકળ્યો હતો ત્યારે રસ્તો ક્રૉસ કરતી વખતે પૂરઝડપે આવી રહેલા બાઇકર હર્ષલ ગોસાવીએ તેને અડફેટમાં લેતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ ઑપરેશન થયાં હોવા છતાં તે છેલ્લાં ૮ વર્ષથી પથારીવશ છે. તેની ઈજાઓને



કારણે તે ઊઠી શકે એમ નથી. તેની ગંભીર ઈજાને કારણે આજે ૮ વર્ષથી તે પરવશ છે, બેડ રીડન જ છે.


તેના પેટમાં કાણું પાડીને નળી બેસાડી છે અને એનાથી જ દિવસમાં ૮થી ૧૦ વાર થોડું-થોડું પ્રવાહી તેને આપીએ છીએ, જેથી તેની તાકાત ટકી રહે છે. તે પથારીવશ હોવાથી તેની બધી ક્રિયા પથારીમાં કરાવવી પડે છે.’

નરેશ સોલંકીએ ઉમેર્યું કે ‘જયના અકસ્માત વખતે અમે મીરા રોડ રહેતા હતા અને હું વસઈમાં જૉબ કરતો હતો, પણ અકસ્માત બાદ તેની સારવારમાં બહુ સમય આપવો પડતો હોવાથી મારી જૉબ છૂટી ગઈ હતી. એ પછી મેં બે જણ સાથે મળીને નાની એવી ગાર્મેન્ટ ફૅક્ટરી શરૂ કરી. એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ અને મારી મહેનત. જોકે એ બે પાર્ટનરોમાં પણ વિવાદ થતાં એ ધંધો પણ બંધ કરવો પડ્યો. જયની સારવાર કરાવવામાં થયેલા ખર્ચને પહોંચી વળવા મીરા રોડનું ઘર પણ કાઢી નાખ્યું. થોડો વખત મારાં સાસુને ત્યાં માહિમમાં સાથે રહ્યાં અને હવે અત્યારે સેન્ટ્રલ લાઇનમાં બદલાપુરમાં રહેવા ચાલ્યા ગયા છીએ. હાલમાં અહીં બદલાપુરમાં જ એસ્ટેટ એજન્ટનું નાનું-મોટું કામ કરીને ગુજરાન ચલાવું છું. હાલમાં મહિનેદહાડે તેની દવા, ડાઇપર્સ અને અન્ય ખર્ચ મળીને અંદાજે ૧૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. તેની ફિઝિયોથેરપી આપવા અગાઉ માણસ રાખ્યો હતો, પણ હવે મેં જ એ કસરત કઈ રીતે કરાવવી એ શીખી લીધું છે અને જયને હું એ કસરત કરાવું છું. એ પૈસા બચાવી તેની જ સારવારમાં વાપરું છું. અમને તો વળતરની જેકાંઈ રકમ મળે એ કામની જ છે.’


મોટર વેહિકલ ટ્રિબ્યુનલમાં આ સંદર્ભે કેસ ચાલ્યો અને કોર્ટે આખરે ગયા અઠવાડિયે ચુકાદો આપી અકસ્માત કરનાર હર્ષલ ગોસાવી અને રેલવે પોલીસમાં કામ કરતા તેના પિતા એકનાથ ગોસાવીને ૩૧.૯૧ લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે. હવે એકનાથ ગોસાવીએ વળતરની રકમ ચૂકવવાની અસમર્થતા દર્શાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું જાણું છું કે હર્ષલે એ અકસ્માત કર્યો હતો, પણ હું પોતે પૅરૅલિસિસનો દરદી છું. મારું જમણું અંગ અસરગ્રસ્ત છે છતાં પોલીસ ડિપાર્ટમેન્ટે મને ફરજ પર રાખ્યો છે. દીકરા કમાતા નથી. કોઈ પ્રૉપર્ટી નથી. બન્ને દીકરાને ભણાવ્યા. એક દીકરાએ સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કર્યો છે. બીજો કમ્પ્યુટર એન્જિનિયર છે, પણ બન્ને બેકાર છે. દીકરીનાં લગ્ન કર્યાં છે. ગામમાં પણ ખેતી, વાડી કે ઘર કાંઈ નથી. એથી મારી પોતાની જ હાલત ખરાબ છે ત્યારે તેમને એ વળતર આપવા હું અસમર્થ છું.’

જે બાઇક હર્ષલ ચલાવી રહ્યો હતો એ તેના પિતા એકનાથ ગોસાવીના નામે રજિસ્ટર હતી. બીજું, એ વખતે બાઇકનો ઇન્શ્યૉરન્સ કઢાવેલો નહોતો, એથી ઇન્શ્યૉરન્સ કંપનીએ વળતર આપવાનું જ આવતું નથી. એટલે એ વળતર ગોસાવીએ જ ચૂકવવું એવો ઑર્ડર આખરે આઠ વર્ષે કોર્ટે આપ્યો છે, પણ એ રકમ કે એનો કેટલોક ભાગ પણ હવે જયના પરિવારને મળશે નહીં એ વિશે શંકા છે.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2021 08:23 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK