આ યંગ કપલ લેશે સજોડે દીક્ષા

Published: Nov 28, 2014, 05:34 IST

હજી ચાર વર્ષ પહેલાં જ પરણેલાં ભાવનગરનાં નિરાગ અને દિશા શાહે બુધવારે સુરતમાં મુરત કઢાવી લીધું : પાંચમી માર્ચે કરશે સંસારત્યાગઅલ્પા નિર્મલ

ભાવનગરના ચિતરંજન ચોક પાસે આવેલા વિદ્યાનગરમાં રહેતાં નિરાગ શાહ અને દિશા શાહ ૨૦૧૦ની માગશર સુદ ચોથે પરણ્યાં અને બરાબર ચાર વર્ષ પછી માગશર સુદ ચોથના જ દિને એટલે કે બુધવારે સુરતમાં તેમની સજોડે દીક્ષા માટેનું મુરત કઢાવ્યું.

હિન્દુ મહિના પ્રમાણે તિથિને હિસાબે વેડિંગ-ઍનિવર્સરીના દિવસે જ બેઉનો સંસારમાંથી સંયમમાર્ગે જવાનો શુભ દિવસ નક્કી થયો.

બાળપણથી જ ઘરમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે ઊછરેલા નિરાગને સમજણ આવતાં જ ધર્મ-અધ્યાત્મ પ્રત્યે રુચિ વધતી ગઈ અને મટીરિયલિસ્ટિક વલ્ર્ડનો મોહ ઘટતો ગયો. BBA, MBA અને CAનું સેકન્ડ ટર્મ સુધી ભણેલો નિરાગ ‘મિડ-ડે’ને કહે છે, ‘છેલ્લાં દસ વર્ષથી સ્પિરિચ્યુઅલ ઇન્ટરેસ્ટ વધતો જ જતો હતો, પણ દીક્ષા લેવી એવા ભાવ નહોતા થતા. સાડાત્રણ વર્ષ પહેલાં પૂજ્ય યશોવિજયસૂરિ મહારાજસાહેબનો પરિચય થયો અને ધીરે-ધીરે સંયમની ભાવના દૃઢ થતી ગઈ.’

૨૭ વર્ષની દિશા કહે છે, ‘મને ઉપધાન કર્યા ત્યારથી જ ચારિત્ર્ય અંગીકાર કરવાની ભાવના હતી, પરંતુ મારાં મમ્મી-પપ્પાને ચિંતા હતી કે હું સંયમનાં કષ્ટ સહન કરી શકીશ નહીં એથી તેમની ઇચ્છાને અનુસરીને મેં લગ્ન કર્યા.’

મેડ ફૉર ઈચ અધર

ધર્મમાં ઊંડો ઊતરેલો નિરાગ પણ કુટુંબના કહેવાથી લગ્ન કરવા રાજી થઈ ગયો અને દિશા પણ માતા-પિતાની આજ્ઞા માનીને પરણવા તૈયાર થઈ ગઈ. બસ, બેઉની શરત હતી કે પાર્ટનર ધાર્મિક પ્રવૃત્તિનો હોવો જોઈએ, જૈન ધર્મના નવકારશી-ચોવિહાર આદિ નિયમો પાળતો હોવો જોઈએ અને વીસા શ્રીમાળી જૈન ઘોઘારી જ્ઞાતિનાં નિરાગ અને દિશાને પોતાની કાસ્ટ અને ગામમાંથી જ મનગમતું પાત્ર મળી ગયું અને ૨૦૧૦ની નવ ડિસેમ્બરે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. આ યુગલની ધાર્મિક લાગણી એટલી પ્રબળ હતી કે લગ્નને દિવસે પણ તે બેઉએ આયંબિલ (એક વખત બેસીને ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, લીલોતરી વગરનું બાફેલું ભોજન લેવું) કર્યું હતું અને જૈન લગ્નવિધિથી લગ્ન કર્યા હતાં.

૩૦ વર્ષનો નિરાગ કહે છે, ‘ઇન ફૅક્ટ, અમે સગાઈ પછી મળતાં ત્યારે પણ અધ્યાત્મની વાતો કરતાં અને બેઉને એક દિવસ દીક્ષા લેવી છે એવી ઇચ્છા વ્યક્ત કરતાં અને એમ માઇન્ડસેટ, સરખું સપનું, અને સરખી કામનાને કારણે અમે લગ્ન કર્યા પછી સંયમમાર્ગે જવા પ્રત્યે જેને મૂંઝવણ થતી હોય એ દૂર કરી દીક્ષા લેવાનો ભાવ વધુ ને વધુ બળકટ કરતાં.’

BCom ભણેલી દિશા કહે છે, ‘આ સાથે જ અમે વિવિધ ગુરુમહારાજોના સંપર્કમાં પણ આવ્યાં. તેમનાં વ્યાખ્યાન-વાણી સાંભળીને ભાવ વધુ સ્ટ્રૉન્ગ થતો ગયો.’

મમ્મીને ખૂબ મોહ

નિરાગનાં મમ્મી હર્ષાબહેનને બે દીકરા, દીકરી નહીં. એથી નાની વહુ દિશા પરણીને તેમના ઘરમાં આવતાં તેમને તેની સાથે એવી માયા બંધાઈ ગઈ કે પોતે ખૂબ ધર્મિષ્ઠ હોવા સાથે દીકરા-વહુની ઇચ્છા જાણતાં હોવા છતાં તેમને સંયમમાર્ગે જવાની અનુમતિ નહોતાં આપતાં. દિશા કહે છે, ‘મમ્મી કહેતાં કે બેઉમાંથી એકને દીક્ષા આપીશ, પણ બેઉનો વિરહ નહીં ખમી શકાય.’

નિરાગ ઉમેરે છે કે ત્યારે અમારા ગુરુમહારાજ પણ સમજાવતા કે દરેકની સંમતિ લઈને જ આગળ વધવું.

જોકે આ મે મહિનામાં હર્ષાબહેનનું કાશ્મીરમાં હાર્ટ-અટૅકથી આકસ્મિક અવસાન થઈ ગયું. ત્યારે તો નિરાગ અને દિશાને સંસાર પ્રત્યેથી વધુ વૈરાગ્ય થઈ ગયો અને તેમનો આ દૃઢ નિશ્ચય જોઈને નિરાગના પપ્પા મહેન્દ્રભાઈ, મોટા ભાઈ વિરાગ, ભાભી દરેકે બેઉને રજા આપી દીધી. સામા પક્ષે દિશાનાં મમ્મી-પપ્પાએ પણ તેની ઇચ્છા વધાવી લીધી અને આનંદથી પરમિશન આપી દીધી. ભાવનગરમાં પ્લાસ્ટિકની આઇટમ્સનો બહોળો વેપાર કરતો નિરાગનો ભાઈ વિરાગ ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે સ્નેહને કારણે બેઉને બાંધી રાખ્યાં હતાં, પણ હવે જોકે સંયોગો પણ કુદરતી રીતે પૉઝિટિવ થતા ગયા. એથી તેમને વધુ વાટ જોવડાવીને અડચણ ઊભી કરવી અમને યોગ્ય ન લાગી અને અમે ગ્રીન સિગ્નલ આપી દીધું.’

કાળુ-ધોળું ન કરવું પડે એથી ઘ્ખ્ની ફાઇનલ ન આપી

ભણવામાં હોશિયાર નિરાગે ઍડ્મિનિસ્ટ્રેશનમાં બૅચલર અને માસ્ટર્સ કર્યા પછી CAનાં બે વર્ષ પણ ક્લિયર કર્યા, પરંતુ પછી તેને થયું કે હું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનીને પ્રૅક્ટિસ કરીશ ત્યારે મારે ક્લાયન્ટના પૈસા બચાવવા સાચું-ખોટું અને કાળું-ધોળું કરવું જ પડશે. એટલે તેણે ફાઇનલની એક્ઝામ ન આપી અને પ્લાસ્ટિકના ફૅમિલી બિઝનેસમાં જોડાઈ ગયો.

પાંચમી માર્ચે દીક્ષા

નિરાગ અને દિશા ૨૦૧૪ની પાંચ માર્ચે‍ ભાવનગરમાં આચાર્ય શ્રી યશોવિજયસૂરિ મહારાજસાહેબ પાસે દીક્ષા લેશે અને દિશા આચાર્યશ્રીનાં આજ્ઞાનુવર્તિની સાધ્વી શ્રી મહાયશાશ્રીજી મહારાજસાહેબને જીવન સમર્પિત કરશે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK