ભૂખ્યાં હોય ત્યારે પતિ-પત્ની વધુ ઝઘડે?

Published: 29th October, 2014 03:29 IST

હા, ખાધું ન હોય ત્યારે ગ્લુકોઝ-લેવલ ઓછું થવાના કારણે ઇરિટેશન કન્ટ્રોલ ન થઈ શકે અને ગુસ્સો ભડકી જાય છે એવું હેલ્થને લગતા એક રિસર્ચે તારવ્યું છે ત્યારે એક્સપર્ટ્સને અને કેટલાંક કપલ્સને પૂછી જોઈએ કે ખરેખર આવું હોય?
સ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય


ઘરમાં દિવાળીની સાફસફાઈ ચાલી રહી હતી, વાઇફે આખું ઘર માથે લીધું હતું, ચારે તરફ સામાન વેરવિખેર પડ્યો હતો, ઘરમાં ક્યાંય ઊભા રહેવાની જગ્યા નહોતી. વાઇફનો ટાર્ગેટ હતો કે આજના દિવસમાં આખા ઘરની સાફસફાઈ કરી લેવી, કારણ કે દિવાળી નજીક હતી. મહેમાન આવવાના હતા અને સ્વીટ તથા નાસ્તા વગેરે બનાવવાનું બાકી હતું. આ સિચુએશનમાં વાઇફે વિચાર્યું કે આજે જમવાનું બનાવવાની પળોજણ નથી કરવી, પતિ આવે ત્યારે બહારથી કાંઈક મગાવી લઈશું. પતિ આવવાના સમય પહેલાં વાઇફે જમવાનું મગાવી રાખ્યું હતું, પણ એ આવતાં થોડું મોડું થયું અને પતિમહાશયના ગુસ્સાની કમાન છટકી. એમાં બે જણ વચ્ચે ભારે ઝઘડો થયો જેની અસર દિવાળી સુધી ચાલી. દિવાળીની હોંશભેર ઉજવણીને બદલે સારા દિવસોમાં કકળાટ ચાલુ થઈ ગયો. લગભગ દરેકને એવો અનુભવ હશે કે ભૂખ લાગે ત્યારે ગુસ્સો બહુ આવે છે અને ત્યારે જેકોઈ સામે આવે તે અડફેટે ચડી જાય, ભલે પછી તેનો કોઈ વાંક ન હોય તો પણ.

તમારા ગુસ્સાનું કારણ ઘણી વાર ભૂખ પણ હોય છે એટલું જ નહીં, ભૂખ્યો માણસ ગુસ્સો કરે ને કરે જ એવું તાજેતરમાં કોલંબસની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સાઇકોલૉજીના રિસર્ચરનું કહેવું છે. ભૂખ અને ગુસ્સા વચ્ચે ચોક્કસપણે લિન્ક છે એવું તેમણે તારવી કાઢ્યું છે. આ સંદર્ભમાં નૅશનલ ઍકૅડેમી ઑફ સાયન્સનું તારણ છે કે જમ્યા ન હોય, ડાયેટિંગ પર હોય કે ઉપવાસ કર્યો હોય ત્યારે પતિ-પત્ની એકમેક પ્રત્યે વધુ દુખી હોય છે અને એનું કારણ એ છે કે એ વખતે તેમના બ્લડ-શુગરનું લેવલ ઓછું થયું હોય છે.

શરીરવિજ્ઞાન મુજબ શુગર અથવા તો ગ્લુકોઝ બ્રેઇન માટે ફ્યુઅલ છે જે સેલ્ફ કન્ટ્રોલને રેગ્યુલેટ કરવામાં હેલ્પ કરે છે. આ ફ્યુઅલ વિના માણસ માટે ગુસ્સો અને અગ્રેસન જેવી લાગણીઓને કન્ટ્રોલ કરવી બહુ મુશ્કેલ છે. આનાથી આગળ વધીને રિસર્ચરોનું સ્પષ્ટ કહેવું છે કે બ્લડનું લો શુગર-લેવલ માણસના લગ્નજીવનમાં થતી આર્ગ્યુમેન્ટ્સ, તાણ, વિખવાદ અને ડોમેસ્ટિક વાયલન્સ માટે પણ કારણભૂત હોય છે. આમ શરીરનું લો બ્લડ-શુગર લગ્નજીવનમાં આવતા વિખવાદ માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. ભૂખ્યા લોકો વધુ ચીડચીડિયા પણ થઈ જાય છે.

જવાબદારી વધી જાય તો... : હરેશ વાળા

અમારા કેસમાં ભૂખ નહીં પણ એક્સેસ જવાબદારી ઝઘડાનું કારણ બને છે એવું મલાડ (ઈસ્ટ)માં રહેતા અને દવા બનાવતી એક કંપનીમાં કંપની-સેક્રેટરી તરીકે કામ કરતા હરેશ વાળાનું કહેવું છે. તેઓ કહે છે, ‘જમ્યા ન હોઈએ ત્યારે તો અમે ખાવાનું બહારથી મગાવી લઈને પરિસ્થિતિને મૅનેજ કરી લઈએ છીએ. એથી અમારા કેસમાં એવું નથી બનતું કે અમે ભૂખ્યાં હોઈએ ત્યારે અમારી વચ્ચે ઝઘડા થાય, પણ ક્યાંક ગયાં હોઈએ અને ઘરમાં બધું મૅનેજ ન થઈ શક્યું હોય, કોઈ એક પર વધુ જવાબદારી આવી પડે ત્યારે અમારો ઝઘડો થાય.’

આ કપલ બહુ કૂલ ટાઇપનું છે. તેમની વચ્ચે આમ તો ખાસ ઝઘડા નથી થતા. હરેશભાઈની વાઇફ તેજલ હાઉસવાઇફ છે. તેમને બે બાળકો છે, છ વર્ષનો હૃદય અને અઢી વર્ષનો દૈવિક. હરેશભાઈ કહે છે કે એક્સેસ રિસ્પૉન્સિબિલિટી ન હોય ત્યારે તો બધું હળવાશથી ચાલતું રહે છે, પણ કોઈક વાર કોઈએ એકલા હાથે બધું કરવાનું આવે ત્યારે ગુસ્સો ભડકે પણ ખરો.

ખાધું ન હોય ત્યારે ઝઘડા થાય જ : આનંદ સોની

બોરીવલી (વેસ્ટ)માં રહેતા ઍડ્વોકેટ આનંદ સોની અને તેમની વાઇફ દીપાલી જે HDFC બૅન્કમાં ડેપ્યુટી મૅનેજર છે તેમનું કહેવું છે કે તેમની વચ્ચે મોટા ભાગના ઝઘડા બેમાંથી કોઈને પણ કકડીને ભૂખ લાગી હોય ત્યારે અથવા તો કાંઈ ખાધું ન હોય ત્યારે થાય છે. એ વાતને પુષ્ટિ આપતો તાજેતરનો જ એક કિસ્સો આનંદે કહ્યો. દીપાલી દિવાળીની સાફસફાઈમાં વ્યસ્ત હતી. તેને બ્યુટી-પાર્લરમાં અપૉઇન્ટમેન્ટ પણ હતી એથી એ દિવસે ઘરમાં જમવાનું ન બનાવ્યું અને બહારથી મગાવી લીધું. આનંદ ઑફિસથી આવ્યો. ભૂખ બહુ લાગી હતી અને જોયું કે ઘરમાં કાંઈ ખાવાનું નથી એથી તે દીપાલી પર ભડકી ગયો. કહ્યું કે જે કરવું હોય એ કર, પણ રસોઈ તો બનાવવી જોઈએને. વાસ્તવમાં આનંદ કામને લઈને થોડો ટેન્શનમાં હતો અને એમાં ભૂખે બળતાંમાં ઘી હોમ્યું એથી તેનો ગુસ્સો ભડકી ઊઠ્યો હતો. જોકે પછી તેને પોતાના આ વર્તન માટે બહુ પસ્તાવો થયો, કારણ કે દીપાલીએ તેને માટે ભાવતું ખાવાનું મગાવી રાખ્યું હતું એટલું જ નહીં, સાથે હોટેલનો ટચ મળે એમ પેપ્સી વગેરે પણ મગાવી રાખ્યાં હતાં. જોકે પછી આનંદે પસ્તાવાના ભાગરૂપે દીપાલીને રિંગની સરસ ગિફ્ટ આપી હતી.

દીપાલી કે હું ઑફિસથી મોડાં આવીએ ત્યારે પણ અમારી વચ્ચે ઝઘડો થઈ જાય છે એની વાત કરતાં આનંદ કહે છે કે એક તો ઑફિસનું ટેન્શન હોય, ભૂખ લાગી હોય અને એમાં બેમાંથી કોઈ એકને આવવામાં મોડું થાય તો સામેના પાત્રનો ગુસ્સો ભડકી જ જાય.

આનંદને આ હકીકત બરાબર સમજાઈ ગઈ હોવાથી હવે તે કોઈ વાતે દીપાલીને મનાવવી હોય તો તેને સારી રીતે પ્રેમથી જમાડ્યા પછી જ કહેવાની ટેક્નિક યુઝ કરે છે. કોઈ વાતે દીપાલીને મનાવવી હોય તો તે ભરપેટ જમી લે પછી જ કહે છે. આનંદ કહે છે, ‘કામ કઢાવવાની આ મારી ટેક્નિક છે. આવી રીતે કરું છું એથી હવે ઑપોઝિટ આર્ગ્યુમેન્ટ્સ પણ નથી આવતી અને બધું કામ સહેલાઈથી પાર પડી જાય છે.’

દીપાલી પણ હવે ધ્યાન રાખે છે કે આનંદે સમયસર જમી લીધું હોવું જોઈએ એથી જ આનંદ બહારગામ હોય ત્યારે પણ દીપાલી બેથી ત્રણ વાર ફોન કરીને પૂછી લે છે કે તમે જમ્યા કે નહીં?

વાત વણસે એ પહેલાં

પેટ ખાલી હોય તો માણસની ચીડ હાઇપર થઈ જાય છે અને એથી ઝઘડાના ચાન્સ વધી જાય છે એવું બોરીવલીના સાઇકિયાટ્રિસ્ટ પવન સોનારનું કહેવું છે. ખાવા ન મળ્યું હોય ત્યારે માણસ ચીડચીડિયો થઈ જાય અને એને લઈને તેમની વચ્ચે ઝઘડા થાય ત્યારે લોકો અમારી પાસે આવે છે. ડૉ. સોનાર કહે છે, ‘ખાધું ન હોવાથી બ્રેઇનને શુગર નથી મળતી એથી નોર એપિનેફ્રિન હૉર્મોનનું લેવલ વધવાથી એ બ્લડ-શુગરને ઇફેક્ટ કરે છે અને એથી ગુસ્સો વધે છે. સતત સ્ટ્રેસમાં માણસ હોય ત્યારે ર્કોટિસોલ હૉર્મોન વધે અને એમાં જો ખાધું ન હોય તો ગુસ્સાની આગ બહુ ભડકી જાય છે. એથી ખાધું ન હોય ત્યારે પતિ-પત્નીએ મહત્વની વાતો કરવાનું ટાળવું જોઈએ. જો એમ ન કરે તો સંઘર્ષ વધે અને વાતનું વતેસર થઈ જાય.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK