મૅરેજ પછી યુવક અને યુવતીઓએ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કેવી રીતે કરવું?

Published: 9th November, 2012 05:47 IST

મા બનવું એ કુદરતનો ચમત્કાર ભલે હોય, પણ એ ચમત્કાર કરવાનું માણસના હાથમાં છે, એથી તમામ અનુકૂળતાઓનો વિચાર કરીને પ્રેગ્નન્સીનો વિચાર આગળ વધારવો જોઈએફ્રાઇડે-ફલક - રોહિત શાહ

સામાન્ય રીતે એવું બને છે કે મૅરેજ પછી પુરુષને ‘પપ્પા’ બનવાની ઉતાવળ હોય છે, જ્યારે યુવતી ‘મમ્મી’ બનવા માટે થોડીક ધીરજ રાખવા ઝંખતી હોય છે. મૅરેજ પછી ચાર-પાંચ વર્ષ સુધી જો સંતાન ન થાય તો ફૅમિલીમાં અને સમાજમાં ચર્ચાનો વિષય બને છે, નક્કી કંઈક પ્રૉબ્લેમ છે!

સંતાન ન થતું હોય એવા કપલના પ્રૉબ્લેમ વિશે તો કોઈ ગાયનેકૉલૉજિસ્ટ જ વાત કરી શકે. આપણે એમાં ડહાપણ કરવું જરૂરી નથી.

હા, આપણે બહુ-બહુ તો એવી વાત કરી શકીએ કે મૅરેજ પછી કેટલા સમયે સંતાન માટે પ્રયત્ન કરવો જોઈએ. જોકે ઘણા લોકો હજીયે એવું જ સમજે છે કે આ તો બધું કુદરતના (કે ભગવાનના) હાથમાં છે. એમાં આપણું કશુંય ન ચાલે. આવાં ગમાર દંપતીઓ આડેધડ સંતાનો પેદા કરતાં રહે છે, કાં તો પછી વારંવાર અબૉર્શન કરાવતાં રહે છે.

પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરવાનું શક્ય પણ છે અને આવશ્યક પણ છે. વ્યક્તિ ધારે તો અનવૉન્ટેડ પ્રેગ્નન્સી ટાળી શકે છે. મૅરેજ પછી સેક્સ-એન્જોય કરવામાં કશી તકલીફ વેઠ્યાં વગર પ્રેગ્નન્સી ટાળવા માટેના અનેક ઉપચારો કરી શકાય છે. અલબત્ત, આ વિશે ગાઇડન્સ પ્રમાણે ઉપચાર કરવો જોઈએ.

જનરલી ન્યુ-મૅરિડ કપલ્સ મૅરેજ પછી થોડોક સમય પરસ્પરની વધુ નિકટ જવાનો, પરસ્પરને સમજવાનો પ્રયત્ન કરતાં હોય છે. સાથે-સાથે વધુમાં વધુ રોમાન્સ માણવાનુંય ઝંખતા હોય છે. શરૂથી જ બાળકની જવાબદારીમાં પડવાનું તેમને પસંદ નથી હોતું. આ બાબત સારી છે, સાચીયે છે અને ખૂબ મહત્વની છે. મૅરેજ પછીનાં બે-ત્રણ વર્ષ સુધી મનભરીને મોજ માણવી જ જોઈએ. બેમાંથી ત્રણ થયા પછી બે-જણ વચ્ચેનું અંતર વધી જાય અને આકર્ષણ ઘટી જાય એવું બની શકે છે. એટલે ત્રીજી વ્યક્તિ (સંતાન)ની એન્ટ્રી થાય એ પહેલાં પતિ-પત્નીએ પરસ્પરનો ભરપૂર સહવાસ માણીને, એકમેકની ખૂબ નિકટ પહોંચવાની ઉત્સુકતા રાખવી જોઈએ, કારણ કે તેમની લાઇફમાં આ દિવસો પછી ક્યારેય પાછા આવવાના નથી. હરી-ફરી લેવું, ફૅશન વગેરે માણી લેવું, ટીખળ-મસ્તી કરી લેવાં, ખાઈ-પી લેવું, નાના-મોટા પ્રવાસો કરી લેવા, પરસ્પર પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ છલકાવી દેવા આવી બધી પ્રવૃત્તિઓ તેમના પછીના જીવન માટે મહત્વની ભૂમિકા બની શકે છે. લાઇફમાં જે સમસ્યાઓ આવવાની છે, જે સંઘર્ષો આવવાના છે, જે ફૅમિલી-પ્રૉબ્લેમ્સ ફેસ કરવાના છે એ તમામ માટે સજ્જતા કેળવવી જરૂરી છે અને એમાં મૅરેજ પછીનાં શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ અત્યંત મહત્વનાં હોય છે. આ દરમ્યાન પતિ-પત્નીએ જેટલી નિકટતા કેળવી લીધી હશે એટલી વિકટતાઓના ડંખ પછીની લાઇફમાં ઓછા વેઠવાના આવશે.

પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવામાં ઉપયોગી થાય એના મહત્વના બે-ત્રણ મુદ્દા વિશે સંક્ષેપમાં વાત કરીએ.

જૉબ કરતી યુવતી માટે


આજે મોટા ભાગની યુવતીઓ જૉબ કે બિઝનેસ કરતી હોય છે. એની સામે ફૅમિલી લાઇફ જેટલી જ અગત્યની વાત કરીઅરની હોય છે. આવી યુવતીએ પોતાના અનુકૂળ સમયનો વિચાર કરવો પડે છે. પ્રેગ્નન્સી પછી શરૂના પાંચેક મહિના તેને ખાસ તકલીફ નથી પડતી, પરંતુ ત્યાર પછી બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી તેણે જૉબ કે બિઝનેસથી દૂર રહેવું પડે છે. એમાંય ફસ્ર્ટ ટાઇમની પ્રેગ્નન્સી હોય તો યુવતીને ઑફિસે જતાં શરમ પણ આવે છે. જોકે આ બધી બાબતો ગૌણ છે. મહત્વની વાત તો એ છે કે ઑફિસમાંથી એટલી સળંગ રજાઓ ક્યારે મળી શકે એમ છે એનો ખ્યાલ રાખવો જોઈએ.

પોતાની હેલ્થનો વિચાર

આજે મોટા ભાગની શિક્ષિત યુવતીઓ, ૨૪-૨૫ વર્ષની ઉંમર પછી જ મૅરેજ કરતી હોય છે એટલે તેમને પ્રેગ્નન્સી વખતે હેલ્થનો પ્રૉબ્લેમ ખાસ નડતો નથી, પરંતુ જો નાની વયે મૅરેજ થયા હોય તો યુવતીએ પોતાની હેલ્થ વિશે વિચારવું જ જોઈએ. વારંવાર પ્રેગ્નન્સી આવે અને વારંવાર ડિલિવરી કે અબૉર્શન થાય તો યુવતીનું શરીર ખતમ થઈ જાય છે.

આર્થિક બાબતનો વિચાર

પ્રેગ્નન્સી વિશે પૉઝિટિવ નિર્ણય કરતી વખતે સૌથી મહત્વનો મુદ્દો આર્થિક બાબતનો છે. બાળકના જન્મ પછી ક્યારેક અણધાર્યા મોટા ખર્ચા આવી પડતા હોય છે. એ વખતે જો આર્થિક ભીંસ હોય તો ખૂબ હેરાન થવું પડે છે. પહેલી નજરે એમ લાગે છે કે બાળક પાછળ વળી શાનો ખર્ચ થાય? પરંતુ એક પુખ્ત વયની વ્યક્તિ માટે થતો હોય છે એટલો જ ખર્ચ બાળક પાછળ પણ થઈ શકે છે. બાળકના આરોગ્ય માટે, તેનાં કપડાં માટે, રમકડાં માટે, તેની માવજત માટે અનેક ચીજો વસાવવી પડે છે. ઘોડિયું, મચ્છરદાની, જાતજાતનાં ક્રીમ-પાઉડર, દૂધમાં આપવાની પૌષ્ટિક સામગ્રીઓ, ઋતુ પ્રમાણેનાં કપડાં વગેરે પાછળ ઘણો ખર્ચ થતો હોય છે. એ પછી બાળક ત્રણેક વર્ષનું થાય એટલે તેની સ્કૂલ-ફી વગેરેના તોતિંગ ખર્ચા શરૂ થઈ જાય છે. એમાંય જરૂરિયાત કરતાં દેખાદેખીના ખર્ચા બહુ ભારે પડે છે. એટલે આર્થિક ભીંસ રહેતી હોય એવાં પતિ-પત્નીએ ફસ્ર્ટ પ્રેગ્નન્સી માટે ખૂબ વિચાર કરવો અને શક્ય હોય તો સેકન્ડ પ્રેગ્નન્સી તો ટાળવી જ, જેથી થોડી તકલીફ વેઠીનેય એક સંતાનનો ઉચિત ઉછેર કરી શકાય. મા-બાપ બનવું આસાન છે, પણ મા-બાપ તરીકેની ફરજો નિભાવવામાં અને વહાલ વરસાવવામાં ખાસ્સો ખર્ચ થતો હોય છે, એ ભૂલી જવું ન જોઈએ.

ફૅમિલી બાબતે વિચાર


ફૅમિલીમાં કોઈ વડીલ સતત ગંભીર બીમાર રહેતા હોય અથવા જૉઇન્ટ ફૅમિલીમાં બીજી કોઈ વ્યક્તિને ડિલિવરી આવવાની હોય એવા સમયે પોતાની પ્રેગ્નન્સી માટે થોડીક પ્રતીક્ષા કરવી જોઈએ. ઘર નાનું હોય, સ્વતંત્ર રૂમની પૂરતી સગવડ ન હોય, ફૅમિલીમાં બીજા કોઈ મહત્વના બનાવ બનવાના હોય, જેમ કે મૅરેજ, ર્બોડની એક્ઝામ, વિદેશપ્રવાસ, જૉબ-ટ્રાન્સફર વગેરે. જો આવી કોઈ પરિસ્થિતિ વિશે ખબર હોય તો એવા સમયે પ્રેગ્નન્સી વધારે ડિસ્ટર્બ કરનારી બની રહે છે. ક્યારેક દેરાણી-જેઠાણીની ડિલિવરીનો સમય એક જ હોય કે નણંદ-ભાભીની ડિલિવરી સાથે-સાથે થઈ જાય ત્યારે ફૅમિલીને સંકટ લાગે છે.

માનસિક તૈયારી

જોકે પ્રેગ્નન્સી માટે સૌથી મહત્વની બાબત તો યુવતીની માનસિક તૈયારીની છે. યુવક ગમે તેટલો કો-ઑપરેટિવ હોય અને શ્રીમંત હોય તો પણ યુવતીની માનસિકતાને પ્રાધાન્ય આપવું જોઈએ. યુવતીઓ ફૅમિલી બાબતે, પોતાની કરીઅર બાબતે જાતે વિચારે અને નિર્ણય કરે એ મહત્વનું છે. માતૃત્વ એ કંઈ જેવી-તેવી ઘટના નથી. પોતાનું સર્વસ્વ ઉત્તમ રીતે સંતાનને આપવાની માનસિક સજ્જતા હોય ત્યારે જ પ્રેગ્નન્સીની વાત વિચારવી જોઈએ. જવાબદારી નિભાવવાની અનુકૂળતા ન હોય ત્યાં સુધી સંતાનની ઇચ્છા ન કરવી હિતાવહ છે.

પહેલાં અને પછી


એક વાત નક્કી છે કે પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવું માણસના હાથમાં છે. જ્યારે સંતાનની અપેક્ષા હોય એના દસેક મહિના અગાઉથી પતિ-પત્નીએ ફ્રેશ મૂડમાં અને આનંદિત વાતાવરણમાં સેક્સ કરવું. પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રી જેવા વિચારો કરે છે અથવા જેવો સ્વભાવ રાખે છે એનો બાળક પર ખાસ પ્રભાવ પડતો હોવાથી પ્રેગ્નન્સી રહ્યા પછી પણ યુવતીએ ખૂબ ખુશ રહેવા પ્રયત્ન કરવો જોઈએ. બાળક હેલ્ધી રહે એ માટે તેને અનુરૂપ ખોરાક પણ લેવો જોઈએ. જો તબિયતને બીજી કોઈ મુશ્કેલી ન હોય તો, બેડરેસ્ટ કરવાને બદલે શરીરને હરતું-ફરતું રાખવું હિતાવહ છે. પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રી હરતી-ફરતી રહે તો તેની ડિલિવરી નૉર્મલ થવાના ચાન્સ વધુ રહે છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK