બાળકોને કારણે પતિ-પત્ની ડિવૉર્સ લેતાં અટકે છે?

Published: Dec 23, 2014, 05:17 IST

લગ્નસંબંધમાં પ્યાર ન ટક્યો હોવા છતાં ભારતમાં બાળકોને કારણે લગ્નો ટકી જતાં હતાં એવું સાવ આજે જરાપણ નથી, છતાં ઘણા કેસમાં એવું બને છે કે બાળકોને કારણે મા-બાપ છૂટાં ન પડ્યાં હોય!
સ્પેશ્યલ સ્ટોરી - પલ્લવી આચાર્ય

૬૫ વર્ષનાં સુરેખાબહેન અને તેમના પતિ વચ્ચે આજે પણ બોલવાનો વહેવાર નથી. તેમને બે દીકરીઓ છે. આ દીકરીઓનાં સંતાનોનાં પણ લગ્ન થઈ ગયાં છે. સુરેખાબહેનની દીકરીઓ નાની હતી ત્યારે કોઈ વાતે પતિ સાથે ઝઘડો થયો ત્યારથી લઈને આજ સુધી તેમના પતિ તેમની સાથે બોલતા નથી. બન્ને જણ રહે છે સાથે, પણ બોલવાનું નહીં. દીકરીઓનાં લગ્ન સહિતના અનેક પ્રસંગો આવી ગયા, પણ પતિ-પત્ની પરસ્પર બોલતાં નથી કે નથી એકબીજા માટેની કોઈ ફીલિંગ્સ પણ. આ સિચુએશનમાં પણ સુરેખા પિયર ન જતાં રહ્યાં, કારણ કે એ જમાનામાં છોકરીઓને એવું જ શિક્ષણ આપવામાં આવતું હતું કે જે થાય એ સહન કરીને સાસરિયામાં રહેજે, પિયર આવતી નહીં. એટલું જ નહીં, સુરેખાબહેન ભણેલાં નહોતાં અને પોતાના પગ પર ઊભા રહી પોતાનું અને બે દીકરીઓનું ગુજરાન ચલાવી શકે એમ નહોતાં એથી નાછૂટકે પોતાની દીકરીઓના ભવિષ્ય માટે થઈને પિયર ન જતાં રહ્યાં કે છૂટાછેડા પણ ન લીધા. હવે ઉંમરના આ પડાવ પર અને આટલાં બધાં વરસો કાઢી નાખ્યા પછી છૂટાછેડાનો તો વિચાર પણ તેમને નથી આવતો!

આજે ભારતમાં પણ છૂટાછેડાનું પ્રમાણ અનેકગણું વધી રહ્યું છે.

પતિ-પત્નીના ડિફરન્સિસ, ઈગો, પરસ્પરની અપેક્ષાઓમાં પાર ન ઊતરવું, ફાઇનૅન્સ સહિતનાં અનેક કારણો ડિવૉર્સ સુધી તેમને ખેંચી જાય છે. વિદેશોમાં તો છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધારે છે જ, પણ ભારત પણ હવે એ રાહ પર જ છે. ગંભીર બાબતો જ નહીં, કેટલીક વાર સાવ ક્ષુલ્લક બાબતો પણ કપલના છૂટાછેડા માટે કારણરૂપ બની રહી છે ત્યારે તાજેતરમાં  થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે છૂટાછેડા લેવા માગતા ૨૫ ટકા લોકો તેમનાં બાળકો માટે થઈને પરસ્પર કોઈ જ ફીલિંગ્સ ન રહી હોવા છતાં છૂટાછેડા નથી લેતાં.

પતિ-પત્ની છૂટાં પડે ત્યારે સામાન્ય રીતે તેમનાં બાળકો ઇમોશનલી ભાંગી પડે છે, તેમની હાલત બહુ કફોડી થઈ જાય છે. પોતાનાં બાળકોને બહુ પ્યાર કરતાં મા-બાપ એથી જ કેટલીક વાર પોતાની અંગત બાબતોનો સૅક્રિફાઇસ આપે છે એની વાત કરતાં બૉમ્બે યુનિવર્સિર્ટીનાં ટ્રેઇન્ડ મિડિયેટર અને ફૅમિલી કોર્ટમાં સિવિલ મૅટર્સમાં ૪૩ વર્ષથી કામ કરતાં ઍડ્વોકેટ ચંદ્રા ખોના કહે છે, ‘માબાપ છૂટાં પડે ત્યારે બાળક સાઇકોલૉજિકલી પડી ભાંગે છે એથી જ કેટલાંક કપલના છૂટાછેડા સુધી પહોંચેલાં લગ્ન પણ તેમનાં બાળકો નાનાં હોવાને કારણે બચી જાય છે. બાળકોના યોગ્ય ઉછેર માટે મમ્મી અને પપ્પા બન્ને જોઈએ. બાળકોને ઇમોશનલી તકલીફ ન આપવા માગતા પેરન્ટ્સ એથી જ પરસ્પર ન બનતું હોવા છતાં સાથે રહે છે તો છૂટાછેડા સુધી પહોંચેલાં કેટલાંક કપલ્સ બાળકો માટે થઈને પોતાનાં લગ્ન બચાવવાની એક ટ્રાય કરી લેવા તૈયાર થાય છે. આ ટ્રાયમાં ઘણી વાર એવું પણ બને છે કે તેમનાં લગ્ન તો ટકી જાય છે જ, પણ સાથે કપલ્સની રિલેશનશિપ પણ આગળ જતાં હેલ્ધી બની જાય છે!’

આ સંદર્ભનો એક કેસ જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી પાસે આવ્યો હતો. ચારેક વર્ષથી અલગ રહેતાં અને પરસ્પરને ભરપેટ ગાળો આપી ચૂકેલું એક કપલ છૂટાછેડા પર સિગ્નેચર કરવાનું જ હતું ને ડૉક્ટરે તેમને એક વાર વિચાર કરી જોવા કહ્યું. આમાં વાઇફ જૈન હતી અને પતિ વૈષ્ણવ. પરસ્પરને એકબીજા માટે ભારોભાર ગુસ્સો હતો, પણ બેય જણ તેમનાં બાળકોને બહુ ચાહતાં હતાં. ડૉક્ટરે તેમને બાળકો માટે થઈને એક વાર ફરી વિચાર કરી જોવા કહ્યું. તેમણે સાથે રહેવાનું શરૂ કર્યું, ગુસ્સો શાંત થયો અને હવે આ પરિવાર સુખેથી જીવી રહ્યો છે.

આ સંસાર ભારે રોમાંચક રંગમંચ છે. એમાં માણસે કઠપૂતળીની જેમ જુદા-જુદા રોલ ભજવવા પડે છે. કપલ્સને પરસ્પર જરાય ન બનતું હોવા છતાં પણ બાળકો માટે થઈને છૂટાછેડા તેઓ નથી લેતાં ત્યારે કેવા-કેવા નુસખા અખત્યાર કરે છે એની સચોટ વાતો ડૉ. હરીશ શેટ્ટીએ કરી. તાજેતરમાં થયેલો સર્વે ભલે કહે કે ૨૫ ટકા કપલ બાળકો માટે થઈને છૂટાછેડા નથી લેતાં, પણ ડૉ. શેટ્ટીનું તો માનવું છે કે પરિણીત ૮૦ ટકા લોકો બાળકો માટે થઈને જ પરસ્પરને નિભાવી લે છે. પતિ-પત્ની વચ્ચે બહુ ખટરાગ હોય તો તેઓ એવો હલ કાઢે છે કે બાળકો સામે તેઓ પતિ-પત્ની તરીકે બિહેવ કરે, પણ સૂએ અલગ-અલગ રૂમમાં. કેટલાંક કપલ્સ બાળકો માટે થઈને છૂટાછેડા નથી લેતાં કે સાથે પણ નથી રહેતાં, પણ અલગ-અલગ રહીને પણ એકબીજાના કૉન્ટેક્ટમાં રહે છે. બાળકોને હૉલિડેઝ હોય તો સાથે મનાવે, પેરન્ટ્સ મીટિંગ હોય તો અટેન્ડ કરે, બાળકોની બધી જ વાતોનું ધ્યાન રાખે. તેમ ની બધી જ જરૂરિયાતો પૂરી કરે તો કેટલાક લોકો જુદા-જુદા દેશમાં રહેવા જતાં રહેવા છતાં અવારનવાર બાળકોના કૉન્ટૅક્ટમાં રહે. કેટલાક લોકો સાથે જૉબ કરતા હોય તો જૉબ ચેન્જ કરી લે છે અથવા તો જુદાં-જુદાં શહેરમાં રહે, પણ બાળકોના ટચમાં રહે છે. જોકે આવા સંજોગોમાં બાળકો બહુ કન્ફ્યુઝ થઈ જાય છે. તેમને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે.

ડૉક્ટર શેટ્ટી કહે છે, ‘કેટલીક મહિલાઓના પતિ તેમને છોડી ગયા હોય તો પણ બાળકોને એની જાણ ન થાય માટે કપાળમાં બિંદી લગાવતી રહે, મંગળસૂત્ર પહેરે અને બાળકોને એમ કહે કે તેમના પિતા દુબઈમાં કે બીજા કોઈ દેશમાં છે. વાસ્તવમાં તે મુંબઈમાં જ રહેતો હોય છે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પતિ-પત્નીને પરસ્પર ન બનતું હોવા છતાં તેમણે આવા ખેલ કરવા પડે છે.’

છૂટાછેડાનો નિર્ણય લેતાં પહેલાં કપલે એક વાર મિડિયેટરની સલાહ લેવી જોઈએ એની વાત કરતાં ચંદ્રા ખોના કહે છે, ‘એક કપલે સેપરેટ થવાનું નક્કી કરી લીધું હતું જ. અલગ તો તેઓ રહેતાં જ હતાં, પણ હવે બાળકની કસ્ટડી કોને આપવી એ બાબતે તેઓ મળ્યાં ત્યારે મિડિયેટરે તમને બાળકો માટે થઈને પણ સાથે રહેવા માટે એક ટ્રાય કરી લેવા કહ્યું અને આ કપલ તેમનાં બાળકોને લઈને વિદેશ જતું રહ્યું. અત્યારે તેઓ સાથે મોજથી રહે છે. ચંદ્રાનું કહેવું છે કે કેટલીક વાર એવું બને છે કે બાળકોના ભવિષ્ય માટે થઈને તેઓ રીકન્સિડર કરે છે ત્યારે તેમને રિયલાઇઝ થાય છે કે શાદી તોડીશું તો પણ પછીની લાઇફ બેટર થશે એવું તો નથી જ. આમ અનેક ઍસ્પેક્ટ્સ પછી તેઓ ફરી પાછાં સાથે રહેવા લાગી જાય છે.’

બાળકો હોવા છતાં એક પિતા ડિવૉર્સ લઈ લે છે, પણ મા ડિવૉર્સ નથી જ લઈ શકતી એની વાત કરતાં મહિલાઓના ઇશ્યુઝ માટે કામ કરી રહેલાં સોશ્યલ વર્કર ફ્લેવિયા ઍગ્નેસ કહે છે, ‘પતિ અને પરિવારની હિંસા, અપમાન કે કોઈ પણ સંજોગો હોય તો પણ મા તેનાં બાળકો માટે સહન કરી લે છે અને ડિવૉર્સ નથી લેતી. બાળક નાનું હોય ત્યારે બાળકના ભવિષ્ય વિશે વિચારીને તે આ બધું જ સહન કરી લે છે અને બાળક મોટું થયા પછી તો તેને લાગે છે હવે શું ડિવૉર્સ લઈશ. આમ સ્ત્રીઓના કેસમાં તો બાળક હોય ત્યારે તે ડિવૉર્સ વિશે વિચારતી પણ નથી.’

હૃતિક રોશન, સૈફ અલી ખાન અને આમિર ખાનની જેમ કેટલાંક કપલ્સ છૂટાછેડા લીધા પછી પણ બાળકો માટે થઈને પરસ્પરના કૉન્ટૅક્ટમાંરહે છે, બાળકોને ફરવા લઈ જાય છે. તેમની જરૂરિયાતોનું બરાબર ધ્યાન રાખે છે. તેમની સ્કૂલમાં પેરન્ટ્સ મીટિંગ હોય એ અટેન્ડ કરે છે અને વેકેશનમાં તેમને સાથે લઈને ફેરવે પણ છે.

આમ બાળક પતિ-પત્નીના સંબંધોને વધુ મજબૂત કરતી કડી જ માત્ર નથી, તેમને સાથે જકડી રાખતી સાંકળ પણ છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK