હું પાંચ છ વરસનો હોઇશ ત્યારે મારા પપ્પા મમ્મીની આંગળી ઝાલીને એક નૃત્ય નાટિકા જોવા ગયેલો. શૉ પત્યા બાદ મેં નાટકના હિરોઇનને બેકસ્ટેજમાં ફૂલ મેકઅપ સાથે જોયાં અને મારાથી બોલાઇ ગયું કે-' હાય લા! તમે કેટલા ગોરા ગોરા છો!' બધાં હસી પડ્યાં અને એ વાત છેક છેલ્લે સુધી એ હિરોઇનની મિત્રએ યાદ રાખી જે મને હંમેશ ચીડવતાં. એ હિરોઇન એટલે 'આશા પારેખ' અને એમના મિત્ર એટલે લેજેંડરી કોશ્ચયુમ ડિઝાઇનર 'લીના દરૂ'!
સંજય છેલ
'સંજુ..તું કેમ છે?'- એવો લીના દરૂ એટલે કે મારા માટે 'લીના આંટી'નો ફોન આવે ને હસતો રણકતો અવાજ સંભળાય અને પછી ખૂબ બધી વાર સુધી ફોન મૂકે જ નહીં, એમની વાતો ચાલ્યા જ કરે! કલા-નિર્દેશક 'છેલ-પરેશવમાંના પરેશ દરૂનાં પત્ની એટલે મારા માટે લીના આંટી, જેમના ખોળામાં હું મોટો થયો, આંગળી ઝાલીને ફિલ્મ લાઇનમાં આવ્યો…. હવે એ મને 'સંજુ' કહીને ક્યારેય નહીં બોલાવે! વ્યક્તિ જતી રહે છે ને સાથે એક અવાજ પણ જતો રહે છે. માત્ર ગુંજ્યા કરે છે એ અવાજની યાદો!
60ના દાયકામાં જે જે સ્કૂલ ઓફ આર્ટ્સ માં ભણતાં ભણતાં યોગેંદ્ર દેસાઇના ગૃપમાં, અભિનેત્રી આશા પારેખ સાથે નૃત્ય નાટિકાઓ કરે. ક્યારેક 'ચૌલદેવી' જેવી નૃત્ય નાટિકામાં મુખ્ય રોલ પણ ભજવે..અને એક દિવસ ત્યારના બિઝી સ્ટાર આશા પારેખે, ત્યારના પરણ્યા અગાઉના 'લીના શાહ'ને કહ્યું કે તું મારા માટે ફિલ્મના ડ્રેસ ડિઝાઇન કર. મરજાદી ગુજરાતી પરિવારમાં પહેલા તો ફિલ્મ લાઇનનો વિરોધ પણ થયો પણ પછી માત્ર આશા પારેખ સાથે કામ કરવાની છૂટ આપી. માત્ર 3 જ કલાકના સમય ગાળામાં 'લીના શાહ' તો ડ્રેસીઝના સ્કેચ લઇને સ્ટુડિયો પહોંચી ગયા. ફિલ્મી સ્ટુડિયો એ પહેલા એમને જોયા પણ નહોતા! એ ફિલ્મ એટલે 'આયે દિન બહાર કે'…એ પછી તો જે જે સ્કૂલ ઓફ આર્ટ્સનાં જ પ્રોફેસર અને નાટકોના કલા નિર્દેશક પરેશ દરૂ સાથે સગપણ અને લગ્ન એટલે પછી પડદા પર 'લીના શાહ'ને બદલે 'લીના દરૂ' નામ આવવા માંડ્યું અને કોઇપણ જાતના નેટવર્ક વિના 1968થી લગભગ 2000ની સાલ સુધી લીના દરૂએ 400 ફિલ્મો માં સૌથી સફળ ડીઝાઇનર તરીકે બોલીવૂડમાં નામ કાઢ્યું !
હું નાપનણમાં પપ્પા(છેલ)ને કારણે પરેશ અંકલના ઘરે જતો અને લીના દરૂના સ્ટારડમને જોઇને હેબતાઇ જ જતો. આપણાં ઘરોમાંથી જેમ ગમે ત્યાથી વાંદા કે ગરોળી નીકળે એમ એમના જૂહુના ફ્લેટમાંથી બેડરુમમાંથી કોઇ હિરોઇન તૈયાર થઇને નીકળે કે બાથરૂમમાંથી મનમોહન દેસાઇ કે હ્રિષિકેશ મુખર્જી નીકળે અને લીનાબેન સાથે ગપ્પા મારે. અચાનક ગુલઝાર ઘરે આવીને વાર્તા સંભળાવે તો ક્યારેક વિજય આનંદ આવીને હિરોઇનના રોલ વિશે સમજાવે. ક્યારેક રેખા, કિચનમાંથી ગુજરાતી આઇટેમ ખાતી ખાતી બ્હાર આવે અને મને તો એ આખી દુનિયા જ પરિકથા જેવી લાગે! જે મોટા મોટા નામો કે ચહેરાઓ ફિલ્મી પડદા પર જોયા હોય એ લોકો એકદમ સહજતાથી લીનાબેન સાથે વાતો કરતા હોય અને હું એક ખૂણે આભો થઇને જોયા જ કરૂં. લીના બેન, 'માણસ' જોઇને એમને હેંડલ કરે, પૈસાની વાત કરે અને એક સાથે અનેક ફિલ્મોની ડેડલાઇન પણ સાચવે. 70 ના દાયકામાં અમારા ઘરમાં તો ત્યારે સાદો ફોન પણ નહોતો અને લીનાબેનને ત્યાં બે બે ફોન અને ( એ જમાનામાં મોબાઇલ ફોન ના હોવા છતાં ) 6-6, 7-7 શુટિંગ એક સાથે હેંડલ કરે. એમના ઘરની પાછળ ગરાજમાં એમની વર્કશોપ, જ્યાં મોટી મોટી અભિનેત્રીઓ માપ આપવા આવે અને પાડોશીઓ ડોકિયાં કરે.
70-80ના દાયકામાં છેલ-પરેશને નાટકોમાં નામ ખૂબ મળ્યું પણ આવક એટલી નહિં એટલે મારા મનમાં મિડલ ક્લાસની ગ્રંથિ કે અભાવની ભાવના ખરી અને ત્યારે લીના દરૂ પાસે પોતાની ગાડી ઉપરાંત, આખા દિવસ માટે રોકેલી બે બે ટેક્સીઓ હોય એ જોઇને હું આભો બની જતો. એમના ઘરના બ્હારના કમરામાં ખૂણે ખૂણો ભરાઇ જાય અને પગ મૂકવાની જગ્યા ના મળે એટલી થેલીઓ પડી હોય જેમાં અલગ અલગ ફિલ્મોના ડ્રેસિઝ હોય! લગભગ દર બીજી ફિલ્મમાં કોશ્ચ્યુમમાં 'લીના દરૂ' નામ આવે અને હું હરખાઉં પણ ત્યારે ખબર નહોતી કે લીના આંટી કેટલું મોટું નામ છે! પણ પછી જ્યારે 'સાહિબા' ફિલ્મમાં રમેશ તલ્વારના આસિસ્ટંટ ડિરેકટર તરીકે હું ફિલ્મોમાં જોડાયો ત્યારે માધુરીના ડ્રેસીઝ માટે એમને ત્યાં ધક્કા ખાતો થયો ત્યારે મને સમજાયું કે સમયસર સરખાં કપડાં બનાવવા અને એ પણ પ્રોડ્યુસરના બજેટમાં બનાવવા, મિજાજી હિરોઇનોના તેવરને સાચવીને ડિઝાઇન કરાવા કેટલી બધી અઘરી વાત છે.એ માત્ર કલા નથી પણ કસબ છે, માઇંડ મેનેજમેંટ છે, કદીક પર્સનલ મેટરમાં હિરોઇનનું કાઉન્સેલિંગ પણ કરવું પડે અને ક્યારેક નિર્માતા વતી હિરોઇન કે નિર્દેશકને પટાવવા પણ પડે!
આજે લીના દરૂ, 81 વરસે 400 ફિલ્મો અને 25-30થી વધુ સ્ટાર હિરોઇનોના કોશ્ચયુમ ડિઝાઇનર 31મી જુલાઇએ અચાનક ચાલ્યા ગયાં. પાછળ મૂકી ગયાં અનેક ટ્રેંડ સેટર વસ્ત્ર પરિકલ્પનાઓ, અનેક સિલ્વર જ્યુબિલી ગોલ્ડન જ્યુબિલી ફિલ્મોની ટ્રોફીઓ.. આશા પારેખથી માંડીને હેમા માલિની, રેખા,નીતુ સિંઘ, ઝીનત અમાન, પરવીન બાબી, મૌશમી ચેટર્જી, રીના રોય, પદ્મિની કોલ્પુરે, સ્મિતા પાટિલ અને શ્રીદેવી કે માધુરી જેવી અનેક સ્ટાર્સને આગવી ઓળખ આપનાર ડિઝાઇનર લીના દરૂ એક બ્રાંડ નેમ હતાં. 'ઉમરાવ જાન' અને 'ઉત્સવ' જેવી ફિલ્મોની કળાત્મક વસ્ત્ર પરિકલ્પના માટે આજેય એમને લોકો યાદ કરે છે. 'ઉત્સવ'ના એક દ્રશ્યમાં, ગણિકાનું પાત્ર ભજવનાર રેખાએ, એક જ ઝાટકે આખું વસ્ત્ર ઉતારી દેવાનું હોય છે તો માત્ર એક પિનના સહારે આખું વસ્ત્ર કઇ રીતે ડિઝાઇન કર્યુ એ લીનાબેનના મોઢે સાંભળવું એક લ્હાવો હોય. યશ ચોપરાની 'ચાંદની' અને 'લમ્હે'માં શ્રીદેવીના ચૂડીદારની આજે પણ કૉપી થાય છે. માધુરીના એક ,દો .તીન,ચાર..વાળા ગીત માટેનો સેંસ્યુઅલ અને સેન્સીબલ કોસ્ચ્યુમ એમનો ઉંચો ટેસ્ટ સાબિત કરે છે.'લમ્હે' માટે તો એમને નેશનલ એવોર્ડ પણ મળ્યો જેનો એક ગુજરાતી તરીકે હરખ કરવામાં આપણે ચૂકી ગયાં છીએ.
પરેશ દરૂ કોલેજમાં પ્રોફેસર અને નાટકોમાં બિઝી એટલે એ પોતાની દુનિયામાં. લીના બેન એમને પ્રોફેસર કહીને બોલાવે, લીનાબેન ખૂબ બિઝી હોય ત્યારે પરેશબાઇ ફોટોગ્રાફી કરવા હિમાલય જતા રહે પણ લીના બહેન બધું હસતાં હસતાં ઘર ચલાવતાં ચલાવતાં સાચવી લે. પરેશ દરૂ નાનટોની નાની દુનિયામાં ખુશ પણ તોયે બેઉ વચ્ચે ક્યારેય અહંકાર આડો ના આવ્યો…આટઆટલી સફળતા, પૈસો, નામ અને ડિમાંડ હોવા છતાં સાવ ડાઉન ટુ અર્થ અને ગુજરાતી ગૃહીણીની સાદગી અને ફિલ્મ લાઇનમાં હોવા છતાં ગ્લેમરની ચકાચૌઁધથી સાવ જળકમળવત્….
છેક 2000ની સાલ કરિશ્મા કપૂર સુધીની હિરોઇનોને શણગાર્યા પછી નવી જનરેશનની હિરોઇન્સની વિચિત્ર ડિમાન્ડ્ઝ અને ખટપટથી કંટાળીને કામ ઓછું કરવા માંડ્યું. કોઇ મોટા ફંક્શન કે લગ્ન માટે પિજાઇન કરતાં, સતત નાટકો સાથે સંપર્કને લીધે ગુજરાતી રંગભૂમિ પર સુજાતા મહેતા કે અમી ત્રિવેદી માટે નાટકોમાં ડિઇઝાન કરતાં પણ ક્યારેય વિતી ગયેલા જમાનાની વાતો કરીને હાય- હાય ન કરતાં.એક અદ્ભુત ઇનિંગ રમી ચૂકેલા ખેલાડી જેવો સંતોષ એમના ચહેરા પર ઝલકાતો. નવી પેઢીને દિલ ખોલીને માર્ગ દર્શન આપતાં અને પ્રોફેસર સાથે એ જ જુહુના ફ્લેટમાં બે જણાં, હુંતો –હુંતી રહેતા! મારી લેખક તરીકેની સફળતા જોઇને કૂબ કુશ થતાં, ફિલ્મ જોઇને ફોન કરતાં, મારા વિશે ક્યાંક કશું છપાયું હોય તો તરત ફોન કરતાં,મારા લેખો વાંચીને હરખાતાં! મેં નિર્દેશિત કરેલી ફિલ્મ ખૂબસુરત જોઇને ખૂબ ખુશ થયેલા અને બીજી ફિલ્મોમાં ભૂલો પણ કાઢતાં, પણ હસતા હસતા, ખૂબ મીઠાશથી…ફિલ્મી હિરોઇનો સાથે રહી રહીને એમને મીઠું બોલીને સાચું કહેવું પણ આવડી ગયું હતું…અને એમાંનો એક શબ્દ હતો – ''સંજુ!'' એ શબ્દ હવે ફરી ક્યારેય નહીં સંભળાય!