Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સુધી વિસ્તરેલી ભ્રષ્ટાચારની નાગચૂડ ઢીલી પડી છે

સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સુધી વિસ્તરેલી ભ્રષ્ટાચારની નાગચૂડ ઢીલી પડી છે

08 December, 2019 01:39 PM IST | Mumbai
Sanjay Pandya

સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સુધી વિસ્તરેલી ભ્રષ્ટાચારની નાગચૂડ ઢીલી પડી છે

ભ્રષ્ટાચાર

ભ્રષ્ટાચાર


કોઈ પણ કામ કરવાનું હોય, કટકી વિના થતું નથી એવું આપણે સાંભળ્યું છે અને ઘણી વાર અનુભવ્યું પણ છે. કામ જલદી પતાવવા ક્યારેક આપણે પણ અજાણપણે ભ્રષ્ટ વ્યવસ્થામાં આપણો ફાળો આપ્યો જ હશે. આવી નાની-નાની રકમની લાંચ મળીને વિશ્વની ઇકૉનૉમી પર બહુ મોટું ભારણ ઊભું થાય છે કેમ કે ભ્રષ્ટાચારનો વ્યાપ વિશ્વભરમાં છે. આવતી કાલે ઍન્ટિ-કરપ્શન ડે છે ત્યારે વિશ્વમાં ક્યાં, કેવું અને કેટલું કરપ્શન ફેલાયેલું છે એ જાણીએ...

ભ્રષ્ટાચાર ઘરમાંથી શરૂ થાય છે! કેટલાંક ઉદાહરણ તો આપણી આજુબાજુ જ જોવા મળી જાય. કીચનમાં ગૅસની લાઈન તો હમણાં આવવા માંડી. અગાઉ તો ગૅસના સિલિન્ડરનું હરિઓમ થઈ જાય એટલે ગૃહિણી ચિંતામાં પડી જાય. રસ્તા પર ગૅસ સિલિન્ડરની ડિલિવરી માટે માણસ આવે એટલે બાનુ દોટ મૂકે. ડિલિવરી બૉયને ઊભો રાખી, અવાજમાં પતિને ઈર્ષા થાય એવા છલોછલ માર્દવ સાથે, બાટલાનો ઝોલ થઈ શકે કે કેમ એ પૂછે. માર્દવભર્યો અવાજ અને સો રૂપિયાની પત્તી પોતાનું કામ કરે અને સિલિન્ડર ગૃહિણીના ઘરમાં ગોઠવાય! 



રેલવેની લોન્ગ ડિસ્ટન્સ ટિકિટ લેવાની હોય કે બાબલાને સ્કૂલમાં એડ્મિશન આપવાનું હોય, રૂપિયાના વજન વગર કામ ન થતું. ભલું થાજો આ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને કમ્પ્યુટર આવિષ્કારનું  કે રેલવેમાં તો મોટે ભાગે ઑનલાઈન કામ થવા માંડ્યું. શિક્ષણક્ષેત્રે હજી ડૉનેશનના નામે લોલેલોલ ચાલે છે. આ બધા તો નાના-નાના ભ્રષ્ટાચારના ઉદાહરણ છે, પણ વ્યક્તિ જાહેરજીવનમાં હોય ત્યારે, સત્તા એના હાથમાં હોય ત્યારે, સરકારી અને પબ્લિક સેક્ટરમાં ભ્રષ્ટાચારનું કદ વધતું જાય છે. બૉફોર્સ કાંડ, લાલુના ઘાસચારા કાંડથી માંડીને કલમાડી જેવા દલા તરવાડી લોકોના ખેતરના રીંગણાં ચોર્યા કરે છે. તાજેતરના ટુ-જી અને થ્રી-જી સ્કૅમ, બૅન્ક સ્કૅમથી લઈને ચિદમ્બરમના શુભ્ર શ્વેત વસ્ત્રો પરના ડાઘ જનતાથી ક્યાં અજાણ્યા છે?


માત્ર ભારત જ નહીં, વિશ્વભરમાં ભ્રષ્ટાચારની નાગચૂડ ફેલાયેલી છે ત્યારે ભ્રષ્ટાચાર વિશ્વમાં કેટલો વ્યાપ્યો છે એ તરફ થોડી નજર નાખીએ.    

કયો દેશ કેટલાં પાણીમાં?  


‘કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ’ ૧૯૯૫થી બહાર પડે છે. વિશ્વના વિવિધ દેશોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ કેવું અને કેટલું છે તેનો ઊંડાણથી અભ્યાસ ટ્રાન્સપરન્સી ઈન્ટરનૅશનલ કરે છે. અલગ અલગ દેશોના પબ્લિક સેક્ટરમાં ભ્રષ્ટાચાર કેટલો વ્યાપેલો છે એના અંદાજિત આંકડાથી આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. જાહેર ક્ષેત્રમાંની સત્તાનો વ્યક્તિગત લાભ માટે કઈ રીતે અને કેટલો ઉપયોગ થાય છે એના પરથી ભ્રષ્ટાચારનું સ્તર નક્કી થાય છે.

૧૭૬ દેશોના આવા જાહેર વ્યવહારને આ સંસ્થા સ્કૅન કરે છે અને ૧૦૦થી શૂન્ય સુધીના સ્કેલ ઉપર વિવિધ દેશોને સ્થાન અપાય છે. આ રીતમાં ૧૦૦નું સ્તર શ્રેષ્ઠત્તમ ગણાય છે અને જેમ શૂન્ય તરફ આગળ વધતા જઈએ એમ ભ્રષ્ટાચારનું લેવલ વધતું જાય છે.

તાજેતરના આ સંસ્થાના આંકડા એમ કહે છે કે વિશ્વના બધા દેશોમાં ડેનમાર્ક અને ન્યૂ ઝીલૅન્ડમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે. તેઓ અનુક્રમે ૮૮ અને ૮૭ના સ્કેલ પર છે. તો બીજી તરફ સોમાલિયા જેવા ગરીબ દેશ ૮- ૯ના સ્કેલ પર છે. ૪૧ના સ્કેલ પર ભારત ૭૮મા નંબરે છે. ક્યુબા, હંગેરી, યુએઈ કે સાઉદી અરેબિયા જેવા દેશો પણ ભારત કરતાં ઉપલા સ્થાને છે, એટલે કે ત્યાં આપણા કરતાં ભ્રષ્ટાચાર ઓછો છે. જેના વિશે આપણને રસ હોય એવો દેશ પાકિસ્તાન ૩૩ના સ્કેલ પર બધા દેશોમાં ૧૧૭મા સ્થાને છે. તો અમેરિકા ૭૧ના સ્કેલ પર ૨૨મા સ્થાને છે. મોટાભાગના આફ્રિકન દેશો ૨૭ આસપાસના સ્કેલ પર ૧૪૦ થી પછીના સ્થાને છે. લિબિયા, અફઘાનિસ્તાન, યમેન, સીરિયા જેવા રાજકીય રીતે વિક્ષુપ્ત દેશો છેલ્લા સાત-આઠ નંબરે છે. સોમાલિયા ૧૮૦મા એટલે  કે છેલ્લા સ્થાને છે. 

છેલ્લાં વીસ વર્ષના આંકડા જોઈએ તો ડેન્માર્ક, ફિનલૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ, સિંગાપોર, કૅનેડા, સ્વિટ્ઝરલૅન્ડ જેવા દેશોએ ઓછામાં ઓછા ભ્રષ્ટાચારનું પોતાનું સ્તર જાળવી રાખ્યું છે.

ભ્રષ્ટાચાર ક્યારે વધે છે?

વિવિધ દેશોનો અભ્યાસ એવું  સૂચવે છે કે જ્યાં વધુ પડતા ટેક્સ, વધુ પડતી ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવી હોય, જ્યાં ધંધાકીય વ્યવહાર પર વધુ નિયંત્રણ હોય, જ્યાં ધંધો ચલાવવા અનેક લાઇસન્સની કે સરકારી પરમિટની જરૂર હોય ત્યાં કાળાં નાણાંની એક સમાંતર સિસ્ટમ ઊભી થાય છે જે લોકોને ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે.

ટ્રાન્સપરન્સી ઈન્ટરનૅશનલની સ્થાપના ૨૫ વર્ષ અગાઉ થઈ ત્યારે કોઈ પણ કામ કઢાવવા માટે ભ્રષ્ટાચાર કરવો જ પડે એવી માન્યતા હતી. પૈસા નહીં આપીએ તો આપણું કામ રખડી પડશે એવું દરેક વ્યક્તિ માનતી હતી. જો કે હવે સમય બદલાયો છે. સામાન્ય નાગરિક હોય, મીડિયા હોય કે રાજકારણી - દરેક ભ્રષ્ટાચારને વખોડે છે. યુરોપ અને અમેરિકામાં બદલાવ વધુ સારી રીતે નજરે પડે છે. ભારત, પાકિસ્તાન, બંગલા દેશ જેવા દેશો હજી ભ્રષ્ટાચારની ધાર પર ઊભેલા છે. આફ્રિકાના દેશો તથા ઇરાક અને અફઘાનિસ્તાન જેવા રાજકીય રીતે ડગુમગુ દેશોની સ્થિતિ વધુ ખરાબ છે.

વિશ્વમાં ક્યાં, કેવું કરપ્શન

ભ્રષ્ટાચાર જ્યારે હદ વટાવે છે ત્યારે પ્રજાની સહનશક્તિનું પ્રેસરકૂકર ફાટે છે. ગયા એપ્રિલમાં સુદાનની જનતાએ પ્રેસિડેન્ટ ઓમર અલ બશીરને એમની ઑફિસમાંથી હાંકી કાઢયા. ત્રણ મહિનાના જનઆંદોલન બાદ મિલિટરીએ પણ એમને હાંકી કાઢવામાં મદદ કરી. પ્રેસિડેન્ટના ઘરમાંથી અગિયાર કરોડ ડૉલર કરતાંય વધુ કૅશ મળી આવી હતી. સુદાન અને કોંગોના લોકો કબૂલ કરે છે કે ભ્રષ્ટાચાર છેલ્લા બાર મહિનામાં ખૂબ વધ્યો છે અને પરિસ્થિતિ દિવસે દિવસે વધુ બગડતી જાય છે  ૩૫ આફ્રિકન રાષ્ટ્રનો સર્વે જણાવે છે કે છેલ્લા એક વર્ષમાં સામાન્ય જીવનજરૂરિયાતની સેવાઓ સ્વાસ્થ્ય, શિક્ષણ, આઇડી મેળવવાની સિસ્ટમ કે ન્યાયક્ષેત્રે ૧૩ કરોડ લોકોએ કોઈને લાંચ ચૂકવવી પડી હતી. ટ્રાન્સપરન્સી ઈન્ટરનૅશનલના કેન્યાના પ્રોજેક્ટ મેનેજર શૈલા મસિન્દે જણાવ્યું હતું કે જેને સામાન્ય લાભ નથી મળતા એવા દબાયેલા, પીડિત તથા ગરીબોને પોતાનું કાર્ય કરાવવા માટે લાંચ ચૂકવવી પડી હોય એવું વધુ બને છે. વૈશ્વિક ભ્રષ્ટાચાર પર ધ્યાન રાખનારી સંસ્થા જણાવે છે કે એક વર્ષના આંકડા જોઈએ તો આફ્રિકામાં ચારમાંથી એક માણસે લાંચ આપવી પડે છે.

જોકે યુરોપમાં કરપ્શન ઝીરો છે એવું નથી. જર્મનીની ‘સિમેન્સ’ નામની વિશ્વપ્રસિદ્ધ કંપની વર્ષોથી ભ્રષ્ટાચારના વમળમાં ફસાયેલી હતી જેની જાણ વર્ષ ૨૦૦૮માં થઈ. ૧૯૯૦થી આ કંપનીએ વિશ્વના અનેક દેશોમાં પગપેસારો કર્યો. આ દેશોમાં કંપનીએ સરકારી અફસરોને મોટે પાયે લાંચ આપી કૉન્ટ્રૅક્ટ્સ પોતાના નામે કરવા માંડ્યા. જર્મનીમાં એ સમયે કેટલાક ખર્ચાઓ ‘જરૂરી ખર્ચાઓ’ તરીકે દેખાડવાની સગવડ હતી એનો લાભ લઈ ‘સિમેન્સે’  અનેક દેશોના અધિકારીઓને લાંચ ચૂકવી. કંપનીના ચીફ ફાઇનેન્શિયલ ઑફિસર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સ્પીચ આપતા પણ એ બધું કાગળ પર જ રહી જતું.  આંતરરાષ્ટ્રીય તપાસ પછી ‘સિમેન્સ’નો ભ્રષ્ટાચાર જાહેરમાં આવ્યો અને સિમેન્સે યુએસએને ૮૦ કરોડ ડૉલર જેવી મોટી રકમ પૅનલ્ટી પેટે ચૂકવવી પડી. અન્ય દેશોને પણ  એણે પૅનલ્ટીની મોટી રકમ ચૂકવી. યુએસનું ન્યાયતંત્ર આવા ભ્રષ્ટાચાર પર જે રીતે ત્રાટકે છે એ રીતે અન્ય દેશોના ન્યાયતંત્ર હજી હાવી નથી થતાં એ કમનસીબી છે.

અમેરિકાના વૉશિંગ્ટન ડીસીની વૉટરગેટ ઑફિસ બિલ્ડિંગ પણ કૌભાંડને કારણે વિશ્વપ્રસિદ્ધ થઈ ગઈ હતી. ૧૯૭૨થી ૧૯૭૪ના સમયગાળામાં યુએસના પ્રેસિડન્ટ રિચાર્ડ નિક્સન કૅશના વ્યવહારમાં ખરડાયા હતા. એમને ફરી ચૂંટી કાઢવા માટેનું ફંડ કૅશમાં મળી આવ્યું હતું અને તેમાં રિચાર્ડ નિક્સન ઉપરાંત તેમના ૬૯ ઑફિસર પણ ‘ગિલ્ટી’ એટલે કે ગુનેગાર સાબિત થયા હતા. પુરાવાનો નાશ કરવાનો પણ આ ટીમ પર આરોપ હતો. સુપ્રીમ કોર્ટે નિક્સનને  પોતાના હોદ્દા પરથી બરતરફ કર્યા હતા અને ૬૯ ઑફિસરને જેલની સજા કરી હતી.

વિશ્વના ભ્રષ્ટાચારના ઘણા કિસ્સાઓમાં બ્રિટિશ વર્જિન આયલૅન્ડનું નામ આવતું હોય છે. યુકેની  મેઇનલૅન્ડની બહારની ભૂમિમાં જેની ગણના થાય છે એવા આ આયલૅન્ડ પર કોઈ બોગસ નામે, ભ્રષ્ટાચારીઓ કે ક્રિમિનલ ભૂતકાળ ધરાવનારા પણ પોતાની કંપની ખોલે છે. આ બોગસ કંપનીઓ લાંચ અને ભ્રષ્ટાચારનો સહારો લઈ વિવિધ દેશોના મોટા કૉન્ટ્રૅક્ટ્સ પોતાને નામે કરી લે છે. આફ્રિકા કે અન્ય દેશોના મોટા માથાને સાધીને, એમના ભાઈ-ભત્રીજાને નામે કરોડો ડૉલર, બ્રિટિશ વર્જિન આયલૅન્ડની અજાણી કંપની ટ્રાન્સફર કરે છે અને આ કટકી ચૂકવ્યા પછી કૉન્ટ્રૅક્ટ એ કંપનીને કે એની મળતિયા કંપનીને મળે છે.

આફ્રિકા પ્રાકૃતિક રીતે અને ખાસ તો ધાતુની ખાણોની બાબતોમાં સમૃદ્ધ છે. વિશ્વની કુલ ધાતુના ૩૦ ટકા રિઝર્વ  આફ્રિકામાં છે. આને કારણે છેલ્લાં ૧૫ વર્ષથી માઇનિંગ સેક્ટર ત્યાં ફૂલ્યું-ફાલ્યું છે. આ બધી માઇન્સનો વધારો ફુલ જીડીપીના ૩૦ ટકાને અસર કરે છે. બીજા દેશોનું ઇન્વેસ્ટમેન્ટ પણ અબજો ડૉલરના હિસાબે વધ્યું છે, પણ છતાં સામાન્ય માણસ તો ઠેરનો ઠેર છે. ખાણોની આટલી સમૃદ્ધિ છતાં ૫૦ ટકા પ્રજા રોજના સો રૂપિયા પણ નથી મેળવી શકતી. આ ખાણો સાથે સંકળાયેલો અધિકારી વર્ગ, સરકાર અને વિદેશી રોકાણકારો મલાઈ ખાઇ જાય છે અને પ્રજાને ભાગે પાતળી છાશ પણ નથી આવતી. હજાર રૂપિયા કિલોની ધાતુ સો રૂપિયા કિલોના ભાવે વેચી દેવાય છે અને આ અંડર ઈનવોઈસના બાકીના  ૯૦૦ રૂપિયા લાગતા-વળગતાના ખિસ્સામાં પહોંચી જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ચહેરા વગરની કંપની સાથે વ્યવહાર થાય છે ત્યારે વ્યક્તિને કે સરકારને જાણ નથી હોતી કે સામે છેડે કોણ છે! એમને એ પણ જાણવાની દરકાર નથી કે તમારા દેશની સમૃદ્ધિ કાળાં નાણાં સ્વરૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં ઠલવાય છે. આ કાળાં નાણાં, મની લોન્ડરિંગ રૂપે ફરતા થાય અથવા ટેરેરિઝમ કે આતંકવાદ માટે પણ ઉપયોગમાં લેવાઈ શકે. કોઈપણ દેશના નબળા કાયદાઓનો અથવા બ્રિટનના વર્જિન આયલૅન્ડ જેવા મની લોન્ડરિંગના સ્વર્ગનો, ભ્રષ્ટાચારીઓ, કાળાં નાણાંના ડીલર અને આતંકવાદીઓ ઉપયોગ કરે છે. ઇન્ટરનૅશનલ મોનિટરી ફંડ (આઇએમએફ )મની લોન્ડરિંગ (હવાલા )ને ભ્રષ્ટાચાર સાથે સાંકળે છે. દેશ-વિદેશના ભ્રષ્ટાચારી વ્યવહારમાં રોકડ રકમ જ સંકળાયેલી હોય છે. તે રકમ હવાલા મારફતે લાભકર્તાને મળે છે અને આ રકમનો ઉપયોગ આતંકવાદ કે અન્ય સમાજ વિરુદ્ધનાં કાર્યો માટે થતો હોય છે. યુરોપના દેશોની સમૃદ્ધિ, સારા શાસકો, શિક્ષિત નાગરિકો, નાગરિકોની જાગૃતતા, ખોટું ન કરવાની વર્ષોની વિચારધારા વગેરે કારણો ત્યાં ભ્રષ્ટાચારનું સ્તર ઓછું રાખે છે.

અપના હાલ ક્યા હૈ?

ભારત જેવા દેશમાં ભ્રષ્ટાચાર ટોચથી તળિયા સુધી છે. લાઇસન્સરાજ, સરકારી બાબુઓની અમર્યાદિત સત્તા, લોભી રાજકારણી જમાત, સામાન્ય નાગરિકની ઉદાસીનતા, પારદર્શકતાનો અભાવ, આ બધી ભારતીય તંત્રને કોરી ખાતી ઉધઈ છે! ભ્રષ્ટાચારનો દરેક પૈસો એક એવી વ્યક્તિના ગજવામાં જાય છે જે દેશની દૃષ્ટિએ દ્રોહી છે. એના ગજવામાં જતો પૈસો દેશને કે સામાન્ય માણસને કંઈ કામમાં આવતો નથી. ભારતીય રાજકારણીઓ ડિફેન્સના સોદાઓથી  લઈને ઘાસના ચારા સુધી કે દેશના દરેક વિકાસકાર્યોમાંથી કટકી લેવા માટે જાણીતા છે. ૧૯૮૫માં તે વખતના વડા પ્રધાન રાજીવ ગાંધીએ જાહેરમાં કબૂલ્યું હતું કે પ્રજાના ભલા માટે ખર્ચાતા એક રૂપિયામાંથી ફક્ત ૧૫ પૈસા સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે છે. 

પીએમસી બૅન્ક સ્કેમ, ડીએચએફએલ સ્કૅમ,  રોટોમેક ફ્રોડ, નીરવ મોદીનું પંજાબ નૅશનલ બૅન્ક સાથેનું કૌભાંડ તાજેતરના કેટલાક કેસ છે જેમાં સેંકડોથી હજારો કરોડ રૂપિયાની ઉચાપત થઈ છે. દર વર્ષે ભ્રષ્ટાચારના એટલા કેસ ભારતમાં સામે આવે છે કે પ્રજા આગળના વર્ષોના કેસ ભૂલી જાય છે. મુંબઈમાં પણ બિલ્ડર લૉબી સાથે રાજકારણીઓની સાંઠગાંઠ જાણીતી છે. બોરીવલીનો પાંચ કૉલેજ માટે આરક્ષિત ૩૦,૦૦૦ સ્કવેર મીટરનો પ્લોટ બિલ્ડર અને રાજકારણીઓ ચાવી ગયા અને મુંબઈગરા સ્તબ્ધ થઈ બેસી રહ્યા. બોરીવલીના નાગરિકો હાઈ કોર્ટ અને એસઆરએ પાસે ધા નાખી ૨૦૧૧થી લડે છે, પણ પરિણામ હજી મળ્યું નથી! મુંબઈના મેનગ્રૉવ્સના પટ્ટાને પણ દસ વર્ષ પહેલાંની પરિસ્થિતિ સાથે સરખાવવા જોઈએ. ભ્રષ્ટ લોકોના હાથે આ મેનગ્રૉવ્સ કેટલા ઓછા થયા છે એની જાણ થશે. આવી યાદી બનાવવા જઈએ તો આ લેખ પૂરો જ ન થાય.

મેન્ટાલિટીમાંથી કાઢવાની જરૂર

ભ્રષ્ટાચાર એક માનસિકતા છે. આગલી પેઢીને ભ્રષ્ટાચારમાં ડૂબેલી જોઈને એની પછીની પેઢી પણ તેને અનુસરે છે. બીજી પેઢી આગળની પેઢીને જોઈને ભ્રષ્ટાચારને ‘પાર્ટ ઑફ સિસ્ટમ’ ગણે છે અને એને સહજતાથી લેવા માંડે છે. રાજકારણીઓ અને અમલદારો જો ભ્રષ્ટાચારી બને છે તો એમાં પ્રજાની ઉદાસીનતા પણ એટલી જ કારણભૂત છે. આપણી ચૂંટણીની સિસ્ટમ પણ ભ્રષ્ટાચારને પોષે છે. ચૂંટણીપ્રચારના ખર્ચાને જો ઉમેદવાર દીઠ ૨૫ હજાર સુધી સીમિત કરી દેવાય તો દરેક પાર્ટીને પ્રચાર માટેનું ભ્રષ્ટાચારી ભંડોળ ઊભું કરવામાંથી મુક્તિ મળી જશે. આવો નિર્ણય લેવા માટે શાસકોમાં પણ પારદર્શકતા અને હિંમત હોવી જોઈએ.

આ પણ વાંચો : કાંદાની કરમકહાની

આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામસાહેબે કહ્યું હતું કે જો દરેક વ્યક્તિ પૈસાનો અતિલોભ છોડી શકે અને પોતે સમાજને શું આપી શકે એમ વિચારે તો ભ્રષ્ટાચારમુક્ત સમાજનું નિર્માણ થાય. નવી પેઢીને ભ્રષ્ટાચારથી મુક્ત થવાનું ત્રણ જણ જ શીખવી શકે - માતા, પિતા અને શિક્ષક!

યુનાઇટેડ નૅશન્સના સેક્રેટરી જનરલે ગયા વર્ષના ૯ ડિસેમ્બરે, અૅન્ટિ કરપ્શન ડેના દિવસે કહ્યું હતું કે વિશ્વનો કરપ્શન અને લાંચનો આંકડો ૩૬૦૦ અબજ ડૉલર જેટલો અધધધ છે!

આપણે સહુ જાગૃત થઈશું તો આમાં થોડો ઘટાડો તો ચોક્કસ થશે!

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2019 01:39 PM IST | Mumbai | Sanjay Pandya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK