Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોવિડ-કથા: તમારી બેદરકારી અને અન્યની જીવાદોરી

કોવિડ-કથા: તમારી બેદરકારી અને અન્યની જીવાદોરી

01 November, 2020 12:59 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

કોવિડ-કથા: તમારી બેદરકારી અને અન્યની જીવાદોરી

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કોવિડની બાબતમાં એ સ્તરે બેદરકાર દેખાડવાની શરૂઆત થઈ છે કે તમે કલ્પના પણ ન કરી શકો અને તમે સપનામાં પણ વિચારી ન શકો. તમામ જગ્યાએ અને તમામ શહેરોમાં આ જ માહોલ છે. આપણે મુંબઈમાં તો હજી લોકલ ટ્રેન શરૂ થઈ નથી, પણ હું તમને ગૅરન્ટી સાથે કહું છું કે તમે જોઈ લેજો કે જે મિનિટથી લોકલ ટ્રેનોશરૂ થઈ એ મિનિટથી કોવિડના કેસ વધવાનું શરૂ થઈ જશે. કોવિડના કેસ પણ વધશે અને અફસોસ સાથે કહેવું પડે છે કે લોકોની હાલાકી પણ વધશે. દુઃખની વાત એ છે કે લોકો જરૂરી હોય એ બાબતમાં જ નહીં, બિનજરૂરી બાબતમાં પણ બેદરકારી દાખવે છે. એને લેશમાત્ર એવો વિચાર નથી આવતો કે તેની બેદરકારી કોઈની જીવાદોરી સાથે સીધી જોડાયેલી છે એટલે તેણે એ બાબતમાં ગંભીરતા દાખવવી જોઈએ, જેકોઈ તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે એ તકેદારી લેવાની છે અને એમાં જરાય કચા રાખવાની નથી.

તમને એક કિસ્સો કહું. કિસ્સો ગુજરાતનો છે અને ગુજરાતનો એ કિસ્સો હજી બે દિવસ પહેલાંનો જ છે. જાણીને તમને ખબર પડશે કે માણસો કેવા લાપરવાહ થઈ ગયા છે.



હું હમણાં અમદાવાદ ફિલ્મના શૂટિંગ માટે ગયો હતો. અમદાવાદમાં પણ જે સ્તરે કોવિડને ભૂલી જવામાં આવ્યો છે એ ગંભીર મુદ્દો છે, પણ આપણે એ પૉઇન્ટ પર પછી વાત કરીએ. પહેલાં વાત કરીએ આપણે પેલા કિસ્સાની.


ગુજરાતના એક સિટીમાં એક ભાઈની ઑફિસમાં જૉબ કરતો એક અમ્પ્લૉઈ કોવિડ-પૉઝિટિવ આવ્યો. એ ભાઈ રિપોર્ટ લઈને સીધા ઑફિસ આવ્યા અને આખું બિલ્ડિંગ ફરીને પોતાની ઑફિસમાં આવ્યા. ઑફિસમાં જઈને તેઓ પોતાની ચેમ્બરમાં ગયા. ત્યાંથી બધો સામાન લઈને ભાઈ આરામથી બહાર નીકળ્યા. ચેમ્બર બંધ કરી અને એ પછી લિફ્ટમાં નીચે જવા માટે રવાના થયા. આ આખી વાત જ્યારે બાકીના સૌએ બૉસને કરી ત્યારે બૉસ પણ સ્ટાફ-મેમ્બરની કમ્પલેઇન પર હસવા માંડ્યા. તેમને પણ એવું લાગવા માંડ્યું કે આટલું ડરવાનું ન હોય.

હશે, ઠીક છે, જોઈ લઈશું, વાંધો નહીં.


આ અને આવા જવાબ આપીને તેમણે વાતને રીતસર ઉડાડી દીધી અને એ પછી બધા પાછા એ જ જગ્યાએ બેસીને કામ પર લાગી ગયા. પ્લીઝ, બી અલર્ટ. કોરોના-બૉમ્બ છે. કોવિડ ન્યુક્લિયર બૉમ્બ જેવું કામ કરે છે અને એ કામ કરશે ત્યારે તમે આપેલા તમામ ઉડાઉ જવાબ ટકશે નહીં અને એનો અફસોસ

તમને પણ પારાવાર થશે. મારે કહેવું છે કે

તમને તમારા બધા અધિકાર છે, પણ

તમારે લીધે કે પછી તમારા કારણે જો બીજી વ્યક્તિ પર જોખમ ઉમેરાતું હોય તો એ કોઈ હિસાબે ચલાવી ન શકાય અને ચલાવવું પણ ન જોઈએ.

આવી બેદરકારી! આ સ્તરની બેદરકારી!

કોવિડ લઈને એક માણસ ઑફિસ પ્રિમાઇસિસમાં ફરે છે, એ બિલ્ડિંગમાં ફરે છે. આનાથી મહાકાય બેદરકારી બીજી કોઈ હોઈ જ ન શકે. દલીલો હોઈ શકે, જવાબ પણ હોઈ શકે અને તર્ક પણ લડાવી શકાય, પણ એ બધું કરવાથી કોવિડનું જોખમ અને એની નકારાત્મક તાકાતમાં ક્યાં ઘટાડો નથી થતો, જરાય નહીં. કોવિડ થયા પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે એ કેવી ખતરનાક છે એનો કોઈ અખતરો ન કરવાનો હોય. દરેકના ઘરે ફૅમિલી છે, બાળકો છે, વડીલો છે. કબૂલ કે કોવિડ તમને નથી થવાનો, પણ એવો દાવો કોઈ બીજા માટે તમે ન કરી શકો. શું કામ બાળકો અને વડીલોને આજે પણ ઘરની બહાર નથી નીકળવા દેતા? શું કામ એ લોકોની સ્કૂલ ચાલુ નથી થઈ અને મંદિરોમાં પણ હજી બધાને પ્રવેશ નથી મળી રહ્યો?

બાળકોની અને વડીલોની ઇમ્યુનિટી ઓછી છે, તેમની રોગપ્રતિકારક શક્તિ એવી છે કે એ કોવિડ સામે લડી શકે એમ નથી. કોવિડ જે પણ બાળકોને થયો છે, જે પણ વડીલોને થયો છે એમાંથી ૯૦થી ૯૫ ટકા કિસ્સામાં તેમને કોવિડ ફૅમિલી મેમ્બરમાંથી જ મળ્યો છે. આટલું વાંચીએ છીએ, આટલું ટીવી-ચૅનલ દેખાડે છે, પ્રાઇમ મિનિસ્ટરથી માંડીને દરેક સ્ટેટના ચીફ મિનિસ્ટર સમજાવે છે એ પછી પણ બેદરકારી દાખવવાનો અર્થ શું નીકળે છે? એક જ, તમને કોઈની પડી નથી.

હા, આ જ સાચો જવાબ છે કે તમને કોઈની પડી નથી. તમે એ સ્તરે સેલ્ફ-સેન્ટર થઈ ગયા છો કે તમે તમારામાં જ મસ્ત છો અને તમે એવું જ માનવા માંડ્યા છો કે અમરપટ્ટો તમારી પાસે છે એટલે તમને કશું થવાનું નથી. આ માનતી વખતે આપણે બધા એ ભૂલી રહ્યા છીએ કે આપણી સાથે અઢળક લોકો જોડાયેલા છે. ધારો કે તમને મોતની બીક ન હોય તો વાંધો નહીં, સારી વાત છે, પણ એ સારી વાતને જરા જુદી રીતે પણ તમારે સમજવાની છે. તમારા ફૅમિલી મેમ્બર તમારા વિના રહી શકશે કે નહીં? તમારા ફૅમિલી મેમ્બરને તમારા વિના ચાલશે કે નહીં? તમારા ફૅમિલી મેમ્બરની લાઇફ-સ્ટાઇલ, આજે છે એવી જ તમારી ગેરહાજરીમાં રહેવાની છે?

જો આ બધા સવાલનો જવાબ પૉઝિટિવ હોય અને તમે આ બધી વાતમાં ‘હા’ કહેવાના હો તો હવે આગળ વાંચવાની જરૂર નથી. તમે તમારી મરજીથી જીવી શકો છો અને તમારી મરજીથી તમે મરી પણ શકો છો, પણ ધારો કે ઉપરના તમામ સવાલનો જવાબ તમારો નેગેટિવ હોય અને તમને લાગતું હોય કે તમારી ફૅમિલીને હજી તમારી આવશ્યકતા છે તો પ્લીઝ, નહીં દાખવો એવી બેદરકારી જેને લીધે તમે કે તમારા ફૅમિલી-મેમ્બર્સ કોવિડની હડફેટમાં આવે. કોવિડ જાનલેવા છે અને એણે જે રીતે લોકોના જીવ લીધા છે એ આપણી આંખ સામે છે. આપણે ભલે એવું ધારી લઈએ કે આ એક ફ્લુ જ છે, પણ એવું નથી અને એ વાત એક્સપર્ટ્સ વારંવાર કહી ચૂક્યા છે. તમારે એ સમજવું જ પડશે કે કોરોના ખતરનાક છે. છેલ્લે બાકી એવી રીતે પણ સ્વીકારી લેવું પડશે કે તમે ઇન્ટરનૅશનલ વૅક્સિન સ્કૅમનો ભાગ બની ચૂક્યા છો અને તમારે એ સ્કૅમથી તમારી ફૅમિલીને બચાવવાની છે. કોરોના નથી કે પછી કોરોનાથી કશું થતું નથી એવી વાત મનમાં ઘર કરી ગઈ હોય તો એ કાઢીને આગળ વધજો.

ગુજરાત જેવા જ હાલ મુંબઈમાં પણ છે. આપણે પણ હવે કોરોનાની ગંભીરતા સમજતા નથી અને એ જ સૌથી શરમની વાત છે કે આપણે હવે મેડિકલ ઍડ્વાઇઝ ગણકારતા નથી. જુહુમાં એક ડાન્સ-બાર છે, એની બહાર જે પ્રકારે શુક્રવારની રાતે ક્રાઉડ હતું એ જોઈને મને એવું પૂછવાનું મન થઈ આવ્યું કે વૅક્સિન માટે બધા આવ્યા છો? ટૂંકાં કપડાં અને કોઈના ચહેરા પર માસ્ક નહીં. એક તરફ હૉસ્પિલમાં આજે પણ કોવિડના કારણે પેશન્ટ્સ દુખી થાય છે, પીડાય છે અને બીજી તરફ ડાન્સ-બારની બહાર લોકોનાં ટોળાં વળ્યાં છે અને એ પણ અનઑફિશ્યલી. આપણી આ જ મોટી કમનસીબી છે કે આપણે બધું ભૂલી જઈએ છીએ અને એ પણ ફટાફટ.

કોરોના ઑલમોસ્ટ આવતા ૬ મહિના સુધી રહેવાનો છે એ હકીકત છે. વૅક્સિન દેશના એકેએક સિટિઝનને આપવામાં આવે ત્યાં સુધીમાં ઓછામાં ઓછા ૬ મહિના પસાર થઈ જવાના છે અને એ પણ વૅક્સિન અત્યારે આવી જાય તો, જો એને મોડું થશે તો કોરોનાને પણ એટલું લાંબું આયુષ્ય મળશે. એટલે જ કહું છું કે આટલો સમય શાંતિથી પસાર કરી લઈએ, આટલો સમય સુખરૂપ પસાર કરી લઈએ તો આપણા સૌ માટે સૌથી બેસ્ટ છે. તમે જુઓ, ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને, જુઓ સ્પોર્ટ્સમૅનને. બોડીના શેપ બદલાઈ ગયા છે અને એ પછી પણ બહાર જવાનું તેમણે ટાળ્યું છે. બહાર જવા માટેનો આ સમય નથી. જવું પડે તો ઓછામાં ઓછો સમય રહેવાનું બને એ જોવાનો આ સમય છે. ફૅમિલીને સાચવી લેવાનું છે અને ફૅમિલીને ગિફ્ટ આપીએ કે ન આપીએ, પણ કોરોનાની ભેટ ન આપી બેસીએ એ ખાસ જોવાનું છે અને એની તકેદારી રાખવાની છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2020 12:59 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK