ક્રિસમસ પહેલાં બજારમાં આવી શકે છે કોરોના વૅક્સિન

Published: 20th November, 2020 09:47 IST | Agency | New Delhi

કોરોના મહામારીથી ત્રસ્ત એવી દુનિયા આખી હવે આ મહામારીની વૅક્સિનની કાગડોળે રાહ જોઈ રહી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીથી ત્રસ્ત એવી દુનિયા આખી હવે આ મહામારીની વૅક્સિનની કાગડોળે રાહ જોઈ રહી છે. આ દરમિયાન બે મોટી ફાર્મા કંપનીઓએ ખુશખબરી આપી છે. આ કંપનીઓના જણાવ્યા પ્રમાણે ક્રિસમસ પહેલાં જ બજારમાં કોરોનાની વૅક્સિન આવી શકે છે. કોરોના વૅક્સિન બનાવતી કંપની ફાઇઝર અને જર્મનીની બાયોએનટેકે દાવો કર્યો છે કે જો વૅક્સિનનું અંતિમ પરિણામ પણ અપેક્ષા મુજબ આવશે તો કહી શકાય કે ક્રિસમસ પહેલાં જ કોરોનાની વૅક્સિન બજારમાં આવી જશે. કંપનીએ જણાવ્યું હતું કે કોરોનાની વૅક્સિનનું ટેસ્ટિંગ જુદી-જુદી ઉંમરના લોકો પર કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી વૅક્સિને જે પ્રકારની આશા ઊભી કરી છે એનાં પરિણામ પણ એ મુજબ જ મળી રહ્યાં છે.

કોવિડ વૅક્સિનની કિંમત ૫૦૦થી ૬૦૦ રૂપિયા હોઈ શકે

દુનિયાના અનેક દેશોમાં વૅક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, જેમાં કેટલીક વૅક્સિન અસર બતાવી રહી છે પણ હજી એનાં પરીક્ષણો ચાલી રહ્યાં છે. જોકે વિવિધ દેશો ફાર્મા કંપનીઓ પાસેથી અત્યારથી જ રસી ખરીદવા કરાર કરી રહ્યા છે જેમાં ભારત પણ પાછળ નથી. સૌથી વધુ વૅક્સિન ખરીદીની ડીલ પાકી કરનારા દેશોમાં ભારત ત્રીજા નંબર પર છે. અમેરિકા પહેલા નંબરે અને યુરોપિયન યુનિયન બીજા નંબર પર છે. વૉલ સ્ટ્રીટ જર્નલ મુજબ આ માહિતી આપવામાં આવી છે. ભારતમાં વૅક્સિનની કિંમતનો સવાલ છે ત્યાં સુધી સીરમ ઇન્સ્ટિટ્યૂટના અદર પૂનાવાલાના મતે દેશમાં ૫૦૦થી ૬૦૦ રૂપિયામાં કોવિડની વૅક્સિન ઉપલબ્ધ થવાની શક્યતા છે.

દિલ્હીમાં હવે માસ્ક ન પહેર્યો તો ૨૦૦૦નો દંડ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે માસ્ક વગર ફરતા લોકો પાસેથી વસૂલવાના દંડની રકમ ૫૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦ રૂપિયા કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. એ સાથે હૉસ્પિટલોમાં કોવિડ-19ના દરદીઓ માટે અનામત બેડની સંખ્યા પણ વધારવાની જાહેરાત કરી હતી. 

અરવિંદ કેજરીવાલે લોકોને છઠ પૂજાનો તહેવાર તળાવો કે નદીકાંઠે ઊજવવાને બદલે ઘરમાં ઊજવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીની રાજ્ય સરકાર પ્રાઇવેટ હૉસ્પિટલોમાં ૮૦ ટકા આઇસીયુ બેડ કોરોનાના દરદીઓ માટે અનામત રાખવાના નિર્ણયનો અમલ ૧૯ ઑગસ્ટથી શરૂ કરશે. આઇસીયુ સિવાયના બેડમાં કોવિડ-19ના દરદીઓ માટે અનામત બેડની સંખ્યા ૫૦ ટકાથી  વધારીને ૬૦ ટકા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. કોરોના રોગચાળાના સંદર્ભમાં માહિતી આપવા માટે મુખ્ય પ્રધાન કેજરીવાલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલની પણ મુલાકાત લીધી હતી.

હેલ્થ કેર વર્કર્સ અને સિનિયર સિટિઝન્સને પહેલાં રસી : સરકાર

કોવિડ-19ની રસીના વિતરણમાં અગ્રીમતાનાં ધોરણોનું મહત્ત્વ સમજતા આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષવર્ધને ગઈ કાલે કહ્યું હતું કે હેલ્થ કૅર કાર્યકરો તેમ જ ૬૫ વર્ષ કરતાં વધુ વયના નાગરિકોને અગ્રીમતાના ધોરણે કોરોના વાઇરસની રસી આપવામાં આવશે.

શિફ્ટિંગ હેલ્થ કૅર પૅરાડાઇમ દરમ્યાન અને પોસ્ટ કોવિડના વિષય પર ફિક્કી એફએલઓના રાષ્ટ્રીય વેબિનારને સંબોધન કરતાં હર્ષવર્ધને જણાવ્યું હતું કે કોરોના વાઇરસની ભારતીય રસી થોડા મહિનામાં મળી જશે. એક અનુમાન મુજબ જુલાઈ-ઑગસ્ટ સુધીમાં ૪૦-૫૦ કરોડ રસી તૈયાર થઈ જશે. અંદાજે ૨૫-૩૦ કરોડ લોકોના ઇલાજ માટે રસી ઉપલબ્ધ છે.

રસીના વિતરણમાં અગ્રીમતાનાં ધોરણોનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે એ મુજબ કોરોના-વૉરિયર્સને સૌપ્રથમ રસી આપવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK