કોરોનાની વૅક્સિન અને આપણે

Published: 21st February, 2021 15:14 IST | Dr. Dinkar Joshi | Mumbai

કોરોનાકાળ સમાપ્ત થઈ ગયો છે એવું જો કોઈ કહે તો સાંભળવાનું ગમશે, પણ એ વાત સાચી નહીં હોય. કોરોનાકાળ મંદ પડી ગયો છે, પણ એ સાથે જ એ પુનર્જીવિત પણ થઈ રહ્યો છે એ સાંભળવાનું ન ગમે એવું હોય તોય સત્ય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ફેબ્રુઆરી કે માર્ચ ૨૦૨૦માં કોરોનાના ભોરિંગે પહેલી વાર માનવજાતને ડંખ દીધો ત્યારે સૌ હેબતાઈ ગયા હતા. અત્યંત આધુનિક તબીબી વિજ્ઞાનને પણ આ શું છે, ક્યાંથી આવ્યું છે, અને એનો સામનો કઈ રીતે કરવો એની ગતાગમ પડી નહોતી અને હજીયે પડી નથી. કોરોનાની દવા-ઔષધિ ક્યાંય હાથવગી નહોતી, આજેય નથી છતાં દુનિયાભરના દેશોએ પોતાના તબીબી વિજ્ઞાનની જાણકારીને કામે લગાડી અને સૌએ સાથે મળીને નહીં-નહીં તોય છૂટા-છૂટા એકલા હાથે કોરોનાનો પ્રતિકાર કરવા દવા શોધવા માંડી. હજી આ શોધખોળ ચાલુ જ છે. રામબાણ ઇલાજ જેવી કોઈ દવા હાથવગી થઈ નથી. જેકાંઈ હાથવગું થયું છે એ બગલઘોડી છે. ‘અમને દવા મળી ગઈ છે’ એવી બાંગ સરકાર પોકારી શકે. આ બાંગ સાવ ખોટી નથી, પણ એની સચ્ચાઈ આવી બાંગ પોકારનાર પોતે પણ સ્વીકારી શકે એમ નથી. ભારત આમાંનો જ એક દેશ છે. આપણે કોરોના-વૅક્સિન એટલે કે કોરોનાને અધવચ્ચે અટકાવી શકાય એવી ઔષધિ શોધી કાઢી છે એવું કહ્યું. દુનિયાના બીજા બધા દેશો કરતાં ભારત આ બાબતમાં આગળ છે એનો ઇનકાર કોઈ કરી શકે એમ નથી.

કામ હવે શરૂ થાય છે

દેખીતું જ છે કે વૅક્સિન એટલે કે દવાઓનો આ જથ્થો તો આરંભમાં પૂરતો ન હોય. એની વહેંચણી સમજણપૂર્વક કરી દેવી પડે અને આ વહેંચણીનો લાભ વધારેમાં વધારે કેમ લેવાય એની ચોકસાઈપૂર્વક ગણતરી માંડવી પડે. ભારતે આ ગણતરી માંડી. દુનિયાના અન્ય વધુ જરૂરિયાતવાળા દેશોને માણસાઈના ધોરણે અમુકતમુક જથ્થો ફાળવ્યો છે અને એ સાથે જ દેશમાં આ જથ્થાની ફાળવણીના ચોક્કસ નિયમો ઘડાયા. માલ ઓછો અને માગ વધુ હોય ત્યારે સ્વાભાવિક રીતે જ લૂંટફાટ થાય. આ લૂંટફાટમાં બાવડાના બળિયાઓ, સત્તાધીશો, ખિસ્સે ફાટમફાટ આવા સૌ લાભ લઈ જાય અને જરૂરિયાતમંદ કરોડો માણસો આંખ ફાડીને જોયા કરે એવું તો ન જ ચલાવી લેવાય. સરકારે નિયમો ઘડ્યા. તબીબી ક્ષેત્રના જે સેવાધારીઓ એટલે કે ડૉક્ટર, નર્સો કે હૉસ્પિટલના કર્મચારીઓ જેઓ દરદીઓની ચિકિત્સા કરે છે તે સૌ કોરોનાથી વધુ ઝડપથી ઘેરાઈ ન જાય એટલે તેમને આ વૅક્સિનનો લાભ સૌથી પહેલાં મળે. એ પછી તબીબી ક્ષેત્રે, સફાઈ ક્ષેત્રે, રક્ષણ ક્ષેત્રે જેમની સેવા આવશ્યક છે તેમને આ વૅક્સિનનો લાભ મળે. વરિષ્ઠ નાગરિકો જેઓ વયને કારણે કોરોનાનો મુકાબલો કરી શકે એમ ન હોય તેમને આના પછી લાભ આપવો આવું બધું વાજબી ધોરણે જ નક્કી થયું.

નક્કી થયું એટલે થયું ખરું?

સિદ્ધાંત નક્કી થઈ જાય એથી કામ નથી થઈ જતું. માનવપ્રકૃતિ એવી છે કે પોતાને પહેલો લાભ મળે એવાં પગલાં માંડ્યા વિના તેનાથી રહેવાય જ નહીં. એકાદ મહિના પહેલાં ભારતે ઘડી કાઢેલી આ યંત્રણા મુજબ વૅક્સિનનો આરંભ થયો, પણ પૂરા એક મહિના પછી આજે જે દૃશ્ય નજરે પડે છે એ પુનર્વિચાર માગે એવું છે. દવાઓની શોધ થાય, સારવાર પદ્ધતિ હાથવગી થાય અને માનવજાતને વધુ ને વધુ રાહત મળે એમાં ખોટું શું છે? એક મહિનામાં ૮૦ લાખ લોકોને કોરોના-વૅક્સિન પહોંચાડી શકાઈ છે એવું સરકાર પોતે જ કહે છે. આ વૅક્સિનનો પ્રભાવ ૮ મહિના સુધી રહે છે એવું પણ સત્તાવાર રીતે કહેવાયું છે. ૮ મહિના પછી બીજો ડોઝ લેવો પડે છે. બનવાજોગ છે વૅક્સિનનો આ આરંભકાળ હોવાથી આજે એનું સામર્થ્ય ૮ મહિનાનું ગણાયું હોય પણ શીતળા કે પોલિયોની રસીની જેમ આવતા થોડા સમયમાં એનો આયુકાળ લંબાય અને કાયમી પણ બની જાય.

ઉપર જે માનવસ્વભાવની વાત કરી છે એ માનવસ્વભાવમાં આપણો દેશ મોખરે છે. એમાં આપણે કોઈ પ્રામાણિકતાપૂર્વક ના નહીં પાડીએ. ઓછામાં ઓછા બે ડઝન એવા સામાન્ય નાગરિકોને મારે મળવાનું થયું છે જેઓ ગરદન ટટ્ટાર કરીને એમ કહે છે કે અમે લાઇનમાં ઊભા રહ્યા વિના, અમારો વારો આવે એ પહેલાં જ આ વૅક્સિન સપરિવાર લઈ લેવાની ગોઠવણ કરી લીધી છે. આ ગોઠવણ એટલે શું એની સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર નથી. જેઓ જીવના જોખમે આ સારવાર કરી રહ્યા છે તેમને દૂર હડસેલીને આ ગોઠવણ કરનારાઓ અમરત્વનું વરદાન મેળવી લે છે.

આઠ મહિનાનું અમરત્વ

આ વૅક્સિનનું આયુકાળ હાલમાં ૮ મહિના છે. એનો અર્થ એવો થયો કે જેઓને આ પહેલા તબક્કામાં લાભ મળ્યો છે તેઓ ૮ મહિના પછી પાછા ગોઠવણમાં ગોઠવાઈ જશે. અત્યારે એક મહિનામાં ૮૦ લાખ વ્યક્તિઓને આ વૅક્સિન સુધી પહોંચાડી શકાયા હોય તો પહેલા ૮ મહિનામાં લગભગ સાડાછથી સાત કરોડ લોકોને એનો લાભ મળે. આ સાડાછ કે સાત કરોડની સરહદે પહોંચ્યા કે તરત જ પહેલા મહિનાના ૮૦ લાખ લાભાર્થીઓ ફરી એક વાર રિન્યુઅલ માટે હકદાર થઈ જાય. હવે ગણતરી એ કરવાની રહે છે કે આ બધા જો પાછા ગોઠવણમાં જ ગોઠવાયા કરે તો પછી પેલા સાચા હકદારોને આ લાભ ક્યારે મળશે?

આ વૅક્સિનની વહેંચણી કરવા માટે બહુ ઓછાં કેન્દ્રો પર જરૂરી સગવડ થઈ છે. આ સ્વાભાવિક પણ છે. ૧ અબજ ૩૫ કરોડની વસ્તીવાળા દેશમાં એકસાથે બધે પહોંચવું શક્ય નથી હોતું, પણ આજે એ સાથે જ જે ધારાધોરણ મુજબ આ વૅક્સિન વિતરણ થઈ રહ્યું છે એમાં આ ધારાધોરણમાં ગાંધીજી જેને છેવાડાનો માણસ કહેતા એ છેવાડાના માણસનો વારો ક્યારે આવશે?

બસ, આટલું ધ્યાન રાખીએ

મોતનો ભય બધાને હોય છે. એનાથી ઊગરવા જેકંઈ થઈ શકે એમ હોય એ કરવું બિલકુલ વાજબી છે, પણ આ વાજબીપણામાં જે રીતે પહેલી ગોઠવણ અસવાર થઈ જાય છે એને તો રોકવી જોઈએ. માનવપ્રકૃતિમાં આ બંધ બેસતું નથી એ જાણ્યા છતાં અન્ય કાર્યવાહીઓને ઉત્તેજન મળવું જોઈએ. જો આમ ન થાય તો જંગલના સામ્રાજ્યમાં અને ૨૧મી સદીમાં ફરક નહીં ગણાય. જોકે આમેય ઝાઝો ફરક છે જ નહીં, જે છે એ રૂડીરૂપાળી આભા છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં) 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK