Coronavirus Updates: છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ 22,771 કેસ નોંધાયા

Updated: Jul 04, 2020, 11:08 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

શુક્રવારે સૌથી વધુ 3,515 દર્દીઓ મહારાષ્ટ્રમાં સાજા થયા તો એક જ દિવસમાં સૌથી વધુ 6,364 નવા કેસ નોંધાયા, ગુજરાતમાં ફરી એકવાર 600 કરતા વધુ કેસ નોંધાયા

ધારાવીમાં કોરોના ટેસ્ટ કરી રહેલા પાલિકાના કર્મચારીઓ (તસવીર: સુરેશ કારકેરા)
ધારાવીમાં કોરોના ટેસ્ટ કરી રહેલા પાલિકાના કર્મચારીઓ (તસવીર: સુરેશ કારકેરા)

કોરોના વાયરસ (COVID-19)નો કહેર ખરેખર દેશમાં દિવસેને દિવસે વધતો જ જાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓએ આજ સુધીના તમામ રેકૉર્ડ તોડી દીધા છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના કુલ 22,771 નવા કેસ નોંધાયા છે અને 442 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ 6,48,315 કેસ નોંધાયા છે. તેમાંથી 2,35,433 કેસ એક્ટિવ છે. જ્યારે અત્યાર સુધીમાં 3,94,226 લોકો સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કોરોનાને લીધે કુલ 18,655 લોકોના મોત થયા છે. જોકે દેશમાં રિકવરી રેટ વધ્યો છે એ રાહતના સમાચાર છે. 24 જૂનના રોજ રિકવરી રેટ 56 ટકા હતો, જે શુક્રવારે 60 ટકાથી વધી ગયો છે.  

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે તો બીજી બાજુ સૌથી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં 6,364 નવા કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં 198 લોકો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે. રાહતના સમાચાર છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સોથી વધુ 3,515 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,92,990 થયો છે અને કુલ 8,376 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 1,04,687 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં પણ સતત છેલ્લા સાત દિવસથી સંક્રમિતોનો આંકડો 600ને પાર કરે છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 687 કેસ નોંધાયા છે અને 18 દર્દીઓના મોત થયા છે. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં 340 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 34,686 થઈ ગયો છે અને કુલ 1,906 દર્દીઓના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 24,941 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

બીજી બાજુ તામિલનાડુમાં પણ કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. અહીં કુલ 1,02,721 કેસ નોંધયા છે. રાજધાની દિલ્હીમાં કોરોનાનો આંકડો 94,695એ પહોચ્યો છે. મધ્યપ્રદેશમાં 14,297 કેસ નોંધાયા છે, જેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 191 નવા કેસ નોંધાયા હતા. ઉત્તરપ્રદેશમાં સંક્રમિયોની સંખ્યા 25,797 થઈ ગઈ છે. જેમાંથી શુક્રવારે 982 કેસ નોંધાયા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR)એ શનિવારે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 95,40,132 થી વધુ ટેસ્ટ કરાયા છે. જ્યારે ત્રીજી જૂલાઈએ 2,42,383 ટેસ્ટ કરાયા હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK