Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 45,149 કેસ, 480 દર્દીઓનાં મોત

Published: 26th October, 2020 11:39 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં નોંધનીય ઘટાડો, સંક્રમિતોની સંખ્ય 79 લાખને પાર, તેની સામે 71.37 લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 78 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.18 લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડાક દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90,000થી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. એટલે કે કોરોનાના વધતા કેસમાં આંશિક રાહત મળી છે અને છેલ્લા કેટલાક દિવસથી 50,000 કરતા ઓછા કેસ નોંધાય છે. દેશમાં દરરોજ નોંધાતા કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી હવે આશા બંધાઈ છે કે, કોરોનાથી ઝપડથી મુક્તિ મળી જશે. સાથે જ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.

સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર 45,149 નવા કેસ નોંધાયા છે અને 480 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 79,09,960 કેસ થઈ ગયા છે. જેમાંથી 6,53,717 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 71,37,229 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,19,014 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. પરંતુ અહીં પણ છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 6,059 નવા કેસ નોંધાયા છે અને 112 લોકોના મોત થયા છે. જ્યારે 5,648 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 16,45,020 થઈ ગયો છે. તેમાંથી 1,41,001 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 43,264 લોકો મૃત્યુ પામ્યા છે અને 14,60,755 લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધારે દર્દીઓના મોત થયા છે.

ગુજરાતમાં પણ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 919 નવા કેસ નોંધાયા હતા અને 7 લોકોના મોત થયા હતા. જ્યારે 963 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,67,011 થઈ ગયો છે. જેમાંથી 13,936 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,689 લોકોના મોત થયા છે અને 1,49,548 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 25 ઓક્ટોબર સુધીમાં કોરોનાના 10,25,23,469 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, રવિવારે 25 ઓક્ટોબરે 9,39,309 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK