Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 50,129 કેસ, 578 દર્દીઓનાં મોત

Published: 25th October, 2020 11:04 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યામાં નોંધનીય ઘટાડો, મૃત્યુઆંક 1.18 લાખને પાર

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 78 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.18 લાખને પાર થઈ ગઈ છે. પણ થોડી રાહતની વાત એ છે કે, થોડાક દિવસો પહેલા ચોવીસ કલાકમાં જ્યા 90,000થી વધુ કેસો નોંધાતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. એટલે કે કોરોનાના વધતા કેસમાં આંશિક રાહત મળી છે અને છેલ્લા કેટલાક દિવસથી 60,000 કરતા ઓછા કેસ નોંધાય છે. દેશમાં દરરોજ નોંધાતા કોરોના પૉઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી હવે આશા બંધાઈ છે કે, કોરોનાથી ઝપડથી મુક્તિ મળી જશે. સાથે જ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.

રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 53,370 નવા કેસ નોંધાયા છે અને 650 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 78,64,811 કેસ થઈ ગયા છે. જેમાંથી 6,68,154 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 70,78,123 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,18,534 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.5 ટકા છે. જ્યારે પૉઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. પરંતુ અહીં પણ છેલ્લા કેટલાક દિવસમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 6,417 નવા કેસ નોંધાયા છે અને 137 લોકોના મોત થયા છે. જ્યારે 10,004 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 16,38,961 થઈ ગયો છે. તેમાંથી 1,40,702 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 43,152 લોકો મૃત્યુ પામ્યા છે અને 14,55,107 લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધારે દર્દીઓના મોત થયા છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,021 નવા કેસ નોંધાયા હતા અને 6 લોકોના મોત થયા હતા. જ્યારે 1,013 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,66,254 થઈ ગયો છે. જેમાંથી 13,987 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,682 લોકોના મોત થયા છે અને 1,48,448 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 24 ઓક્ટોબર સુધીમાં કોરોનાના 10,25,23,469 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે, શનિવારે 24 ઓક્ટોબરે 11,40,905 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK