મુંબઈ : રસીકરણમાં શરૂઆતમાં તકલીફ આવે તો પણ ડૉન્ટ વરી

Published: 13th January, 2021 06:18 IST | Prajakta Kasale | Mumbai

આમ તો સુધરાઈએ છેલ્લી ઘડીની તમામ તૈયારીઓ કરી લીધી છે, આમ છતાં કોઈ ટેક્નિકલ સમસ્યા આવે તો એને પણ પહોંચી વળવાની તેમની તૈયારી છે

પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાંથી કોવિશીલ્ડ રસીની વાયેલ્સ સાથે ૧૨ જાન્યુઆરીએ રવાના થઈ રહેલી રેફ્રિજરેટેડ ટ્રકને એક માણસ હાર પહેરાવી રહ્યો છે.
પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાંથી કોવિશીલ્ડ રસીની વાયેલ્સ સાથે ૧૨ જાન્યુઆરીએ રવાના થઈ રહેલી રેફ્રિજરેટેડ ટ્રકને એક માણસ હાર પહેરાવી રહ્યો છે.

કોવિડ-19 સામે રસીકરણ ઝુંબેશનો પ્રથમ તબક્કો ૧૬ જાન્યુઆરીએ દેશભરમાં શરૂ થઈ રહ્યો છે. સામાન્ય જનતામાં રસીની આડઅસર અંગે અધિકારીઓમાં તકનિકી સહાય અંગે રસીકરણ મામલે ઘણી શંકાઓ પ્રવર્તી રહી છે. રસીનો સંગ્રહ કરવા માટેનાં કેન્દ્રો, પરિવહન અને રજિસ્ટ્રેશન બધું લગભગ તૈયાર છે, પરંતુ બૃહન મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓ છેલ્લી ઘડીનાં વિઘ્નોને પહોંચી વળવા માટે સજ્જ થઈ રહ્યા છે.

બીએમસીએ ચાર મેડિકલ કૉલેજો, ૧૧ કૉર્પોરેશનની હદના અને એક જમ્બો સેન્ટર સહિતનાં ૧૬ કેન્દ્રો તૈયાર કર્યાં છે. ૧૬માંથી આઠ કેન્દ્રો આરક્ષિત રખાશે અને તે શહેરને અપાતી રસીની સંખ્યા અનુસાર એક દિવસની અંદર પ્રક્રિયા શરૂ કરી શકે છે. પ્રારંભના દિવસોમાં થોડી તકનિકી ખામીઓ સર્જાવાની અધિકારીઓએ શક્યતા વ્યક્ત કરી હતી.

એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં પ્રથમ વખત આટલા મોટાપાયે રસીકરણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને લોકોના દિમાગમાં અનેક વિચારો આવી રહ્યા છે. રસી વિશે પણ દ્વિધા પ્રવર્તે છે. અમારે લોકોની ચિંતાનું પણ નિવારણ કરવું પડશે.

bkc-dry

બીકેસીના જમ્બો સેન્ટર ખાતે ડ્રાય રનમાં સામેલ સહભાગીઓ

એડિશનલ મ્યુનિ. કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે શહેર રસીકરણ ઝુંબેશ હાથ ધરવા માટે સજ્જ છે. ડરવાની જરૂર નથી. જો કોઈ સમસ્યા સર્જાશે તો અમે શક્ય તેટલી ઝડપથી તે ઉકેલવાનો પ્રયત્ન કરીશું.

પ્રથમ દિવસે વડા પ્રધાનના વક્તવ્ય માટે ડૉ. આર. એન. કૂપર હૉસ્પિટલ ખાતે વિડિયો કૉન્ફરન્સ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. બીકેસી જમ્બો સુવિધા અને રાજાવાડી હૉસ્પિટલમાં પણ બેકઅપ તરીકે કૉન્ફરન્સની સુવિધા ઊભી કરાશે. પીએમ પ્રથમ દિવસે લાભાર્થીઓ સાથે અથવા તાલીમબદ્ધ સ્ટાફ સાથે સંવાદ કરશે.

કાકાણીએ જણાવ્યા પ્રમાણે ઘણા વર્કર્સ શહેરની બહાર રહે છે. તેમને તેમના રહેણાક સરનામા પ્રમાણે ટ્રેક કરવા મુશ્કેલ બનશે, આથી અમે તેમને હૉસ્પિટલ અનુસાર રજિસ્ટર કરવાનું નક્કી કર્યું છે.

રાજયનાં ૫૧૧ કેન્દ્રો માટે રસીના ૯.૬૩ લાખ ડોઝ

કેન્દ્ર સરકાર દ્વારા ગઈ કાલે મહારાષ્ટ્રનાં ૫૧૧ કેન્દ્રો માટે ૯.૬૩ લાખ રસીના ડોઝ ફાળવાયા હતા, જે પૈકી મુંબઈમાં ૭૨ અને પુણેમાં ૫૫ કેન્દ્રો છે. સરકારની ગણતરી મુજબ એક કેન્દ્રમાં એક દિવસમાં ૧૦૦ લોકોને રસી આપવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK