મિડ-ડે ઈમ્પેક્ટ: ટર્કીમાં ફસાયેલો પાર્લાનો જૈન પરિવાર આખરે ચારેક દિવસમાં ભારત આવશે

Published: May 19, 2020, 09:09 IST | Prakash Bambhrolia | Mumbai

૬૪ દિવસથી ઇસ્તમ્બુલના શહેરમાં ફરવા ગયા બાદ જુહુના રાજસ્થાની કુટુંબના સાત સભ્યોને દિલ્હી લવાશે : અહીં તેમને ૧૪ દિવસ ક્વૉરન્ટીન કરાયા બાદ મુંબઈ આવવા મળશે

જૈન પરિવાર
જૈન પરિવાર

જુહુમાં રહેતા ફુટરમલ જૈન પરિવારના ૭ સભ્યો ભારતમાં કોરોનાની એન્ટ્રી થઈ રહી હતી ત્યારે ઇસ્તમ્બુલના ટર્કીમાં ફરવા માટે રવાના થયા હતા. જોકે ત્યાર બાદ ભારતમાં સંપૂર્ણપણે લૉકડાઉન કરવાની સાથે ઇન્ટરનૅશનલ ફ્લા‍ઇટ્સ બંધ થઈ જવાથી તેઓ કેવી સ્થિતિમાં છે એનો અહેવાલ ‘મિડ-ડે’એ ૧૫ મેએ છાપ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર કે ટર્કીની ભારતીય એમ્બેસીની કોઈ મદદ ન મળવાથી તેઓ માટે મુંબઈ પાછા ફરવાનું મુશ્કેલ બની ગયું હતું.

જોકે ‘મિડ-ડે’માં અહેવાલ છપાયા બાદ રાજસ્થાન સરકારના રાજસ્થાન ફાઉન્ડેશનના માધ્યમથી ભારતના વિદેશ મંત્રાલયને રજૂઆત કરાતાં ટર્કીમાં અટવાયેલા આ પરિવારજનોને પ્રાયોરિટી લિસ્ટમાં સામેલ કરાયા હોવાથી તેઓ ચાર-પાંચ દિવસમાં દિલ્હી આવી જશે એવું જાણવા મળ્યું હતું. અહીં તેમને ૧૪ દિવસ ક્વૉરન્ટીન સેન્ટરમાં રખાયા બાદ તેઓ મુંબઈમાં તેમના ઘરે આવી શકશે.

જુહુમાં રહેતા ૮૦ વર્ષના ફુટરમલ જૈન, તેમનાં ૭૦ વર્ષનાં પત્ની, પુત્ર અમિત, પુત્રવધૂ છાયા, ૧૨ વર્ષનો પુત્ર અને ટ્વિન્સ પુત્રીઓ મળીને ૭ પરિવારજનો ૧૩ માર્ચે મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી ઇસ્તમ્બુલ ગયા હતા. ભારતમાં લૉકડાઉન કરાયા બાદથી તેઓ ટર્કીના એક નાનકડા વિસ્તારમાં છે. શુદ્ધ શાકાહારી જૈન પરિવાર હોવાથી તેમને ખાવાપીવાથી માંડીને દવાની મુશ્કેલી પડી રહી હતી.

jain-family

ફુટરમલ જૈનના પુત્ર અમિત જૈને ફોન પર

‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટેના દેશોના લિસ્ટમાં ઇસ્તમ્બુલનું નામ ન હોવાથી અમારા ભારતમાં આવવાની શક્યતા લંબાઈ ગઈ હતી. જોકે ૧૫ મેએ ‘મિડ-ડે’માં અમારી સ્થિતિનો અહેવાલ પ્રગટ થયા બાદ અમારા સમાજના નિરંજન પરીહારે દિલ્હીસ્થિત રાજસ્થાન સરકારના પ્રવાસી રાજસ્થાનીઓ માટેના રાજસ્થાન ફાઉન્ડેશનના સેક્રેટરી ધીરજ શ્રીવાસ્તવને રજૂઆત કરી હતી. તેમણે ભારતના વિદેશ મંત્રાલયને જાણ કરતાં અત્યારે સરકારે વિદેશથી જેમને લાવવાના છે એ પ્રાયોરિટી લિસ્ટમાં ઇસ્તમ્બુલનો સમાવેશ કર્યો છે. અહીંની ભારતીય એમ્બેસીએ પણ અમને મેસેજ મોકલીને અમે કેટલા લોકો છીએ એની યાદી આપવાનું કહ્યું છે. અહીં અમારા સિવાય ૨૨૫ જેટલા ભારતીયો હોવાનું મને જાણવા મળ્યું છે. આમાંથી મોટા ભાગના આર્થિક મુશ્કેલીમાં હોવાથી સરકાર તેમને માટે ફ્લાઇટની કેવી રીતે સુવિધા કરે છે એ જોવાનું રહ્યું. ઍર ઇન્ડિયાની ફ્લાઇટનું શેડ્યુલ આવ્યા બાદ અમને જાણ કરાશે.’

રાજસ્થાન ફાઉન્ડેશનના સેક્રેટરી ધીરજ શ્રીવાસ્તવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં રહેતો જૈન પરિવાર ટર્કીમાં ફસાયો હોવાની માહિતી મળ્યા બાદ અમે વિદેશ મંત્રાલયને આ લોકોની માહિતી મોકલી દીધી છે. તેમણે આ પરિવારને ભારતમાં લાવનારાઓના પ્રાયોરિટી લિસ્ટમાં સામેલ કરી દીધા છે. ઇસ્તમ્બુલની ફ્લાઇટનું શેડ્યુલ ચાર-પાંચ દિવસમાં ગોઠવાવાની શક્યતા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK