કોરોના સંક્રમિતોનો કુલ આંક 49,391 મૃત્યુઆંક 1694એ પહોંચી ગયો

Published: May 07, 2020, 14:18 IST | Agencies | New Delhi

દેશમાં ૨૪ કલાકમાં ૧૨૬નાં મોત : પૉઝિટિવ કેસ ૫૦,૦૦૦ની નજીક

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. નવા ૨૫૦૦ કરતાં વધુ કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા હતા અને છેલ્લા ૨૪ કલાકમાં જ કોરોનાથી વધુ ૧૨૫ દરદીઓનાં મોત નીપજ્યાં હતાં. મંગળ વારે રેકૉર્ડબ્રેક ૧૯૫ લોકો માર્યા ગયા હતા તેથી ગઈ કાલ કરતાં આજનો આંકડો ઓછો છે તેમ છતાં ચિંતાજનક હોવાનું મનાઈ રહ્યું છે. તો બીજી તરફ કોરોના લૉકડાઉનને લઈને રાજકારણ શરૂ થયું હોય એમ કૉન્ગ્રેસે ગઈ કાલે કેન્દ્ર સરકાર પાસેથી એ જાણવા માગ્યું હતું કે લૉકડાઉન-૩ ૧૭ મે પછી સરકાર પાસે શું આયોજન છે અને કયા આધારે લૉકડાઉનમાં વધારો કરાય છે. કૉન્ગ્રેસ શાસિત રાજ્યોએ આરોપ મૂક્યો હતો કે બીજેપી શાસિત કેન્દ્ર સરકાર કૉન્ગ્રેસી રાજ્યોને કોરોના માટે નાણાં આપી રહી નથી.

સૂત્રોએ કહ્યું કે ભારતમાં પણ કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે. દેશમાં કોરોના પૉઝિટિવ દરદીઓની સંખ્યા ૪૯,૦૦૦ને પાર કરીને ૫૦,૦૦૦ની નજીક પહોંચવામાં છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જારી આંકડાઓ મુજબ દેશભરમાં કોરોના પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા ૪૯,૩૯૧ થઈ ગઈ છે જેમાં ૩૩,૫૧૪ સક્રિય છે, ૧૪,૧૮૩ લોકો રિકવર થઈ ચૂક્યા છે અથવા તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને ૧૬૯૪ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના રિકવરી રેટ વધીને ૨૭.૪૧ ટકા થઈ ગયો છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધતા જઈ રહ્યા છે જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે.
કોરોના વાઇરસનું સંક્રમણ દેશનાં ૨૬ રાજ્યોમાં ફેલાયું છે. ૬ કેન્દ્રશાસિત પ્રદેશ પણ આની ચપેટમાં છે. આમાં દિલ્હી, ચંડીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરી સામેલ છે.

રાજસ્થાન આરોગ્ય વિભાગ અનુસાર રાજ્યમાં કોરોના વાઇરસના આજે ૬૬ નવા કેસ સામે આવ્યા છે અને ૫ લોકોનાં મોત થઈ ગયાં છે. રાજ્યમાં દરદીઓની સંખ્યા ૩૧૨૭ થઈ ગઈ છે અને ૮૨ લોકોનાં મોત થઈ ગયા છે. ૧૫૮૧ લોકોનો ઇલાજ ચાલુ છે. વળી, ઉત્તરાખંડમાં વધુ એક કોરોના વાઇરસના કેસની પુષ્ટિ થઈ ગઈ છે. રાજ્યમાં દરદીઓની સંખ્યા ૬૧ થઈ ગઈ છે.

આંદામાન-નિકોબારમાં ૩૩ કેસ સામે આવ્યા છે, જ્યારે હજી સુધી કોઈ મૃત્યુ નોંધાયું નથી. આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધીમાં ૧૭૧૭ કેસ નોંધાયા છે, જ્યારે ૩૬ લોકોનાં મોત નીપજ્યાં છે.અરુણાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત સામે આવી છે. આ ઉપરાંત રાજ્યમાં કોઈ મોત થયું નથી. આ ઉપરાંત આસામમાં ૪૩ કેસ સામે આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. બિહારમાં કોરોનાના ૫૩૬ કેસ સામે આવ્યા છે, જ્યારે ૪ લોકોનાં મોત નીપજ્યાં છે. ચંડીગઢમાં ૧૧૧ કેસ સામે આવ્યા છે. જ્યારે એકનું મોત નીપજ્યું છે. છતીસગઢમાં ૫૯ કેસ સામે આવ્યા છે, જ્યારે મૃત્યુ નોંધાયું નથી. ગોવામાં કોરોનાના ૭ કેસ સામે આવ્યા હતા, જે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેના પગલે ગોવા હાલમાં કોરોનામુક્ત રાજય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK