Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Lockdown 4.0: ગુજરાતમાં 24 કલાકમાં કેસ વધ્યા, નવા 395 કેસ

Coronavirus Lockdown 4.0: ગુજરાતમાં 24 કલાકમાં કેસ વધ્યા, નવા 395 કેસ

19 May, 2020 09:09 PM IST | Gandhinagar
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Lockdown 4.0: ગુજરાતમાં 24 કલાકમાં કેસ વધ્યા, નવા 395 કેસ

મુંબઇની માફક ગુજરાતમાં પણ નાઇટ કર્ફ્યુ એટલે કે સાંજના 7.00 થી સવારના 7.00 વાગ્યા સુધી બધું ચુસ્ત બંધ રહેશે

મુંબઇની માફક ગુજરાતમાં પણ નાઇટ કર્ફ્યુ એટલે કે સાંજના 7.00 થી સવારના 7.00 વાગ્યા સુધી બધું ચુસ્ત બંધ રહેશે


ગુજરાતમાં લૉકડાઉન 4 લાગુ કરાયું અને થોડી ઘણી છૂટ મળી એમાં તો 24 કલાકમાં જ કેસીઝનો રાફડો ફાટ્યો. કોરોનાવાઇરસ બેકાબૂ બન્યો છે અને તંત્રની મહેનત સાવ એળે જઇ રહી હોય તેવો ઘાટ થયો છે. કોરોનાની અપડેટ વિગતો આપતાં ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, “રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 395 નવા કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીના મોત થયા છે અને 239 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.” ગુજરાતમાં કુલ 12141 દર્દી, 719 મોત અને 5043 દર્દી સાજા થયા છે. નવા 25 મૃત્યુમાં 9 દર્દીના માત્ર કોરોનાથી જ્યારે 16 દર્દીના મોત કોરોનાની સાથે અન્ય બિમારી હોવાના કારણે થયા છે.

ગુજરાત રાજ્યમાં નવા નોંધાયેલા 395 કેસમાં અમદાવાદમાં 262, સુરતમાં 29, કચ્છમાં 21, વડોદરામાં 18, ગાંધીનગરમાં 10, જામનગર અને સાબરકાંઠામાં 7-7, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 5-5, ખેડા, પાટણ અને ભરૂચમાં 4-4, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં 3-3, ભાવનગર અને રાજકોટમાં 2-2 તથા અરવલ્લી, છોટાઉદેપુર અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.



રાજ્યમાં અત્યાર સુધીમાં 1,54, 674 ટેસ્ટ કરાયા છે, જેમાંથી 12,141 પોઝટિવ અને 1,42,533 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. 12141 પોઝિટિવ કેસમાંથી 49 વેન્ટિલેટર પર છે તથા 6330 દર્દી સ્ટેબલ છે. 


ગુજરાતમાં આ સ્થિતિ

બુધવારથી રાજ્યમાં એસટી બસ સેવા શરૂ થશે અને ચાર ઝોનમાં બસ દોડશે. ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોન છે. હાલના સમયે એક ઝોનમાંથી બીજા ઝોનમાં એસટી બસ જશે નહીં. મોટી બસમાં 30 અને નાની બસમાં 18 પ્રવાસી બેસી શકશે. બસ સ્ટેન્ડમાં થર્મલ સ્ક્રિનિંગ થશે અને માસ્ક પહેરેલા પ્રવાસીને જ બસમાં બેસવા દેવાશે.


ગુજરાત રાજ્યનાં પોલીસ વડાએ કહ્યું કે જો કોઇ પણ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરશે તો તેની સામે પગલાં લેવામાં આવશે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, લોકો સ્વેચ્છાએ આ નિયમો અને ગાઇડલાઇનું પાલન કરે તેવી અપીલ છે. નવી ગાઈડલાઈન પ્રમાણે લોકડાઉનમાં છૂટછાટ છે પણ આ છૂટનો ઉપયોગ કરતી વખતે સંક્રમણથી બચવાની તકેદારી રાખે તે જરૂરી છે. મુંબઇની માફક ગુજરાતમાં પણ નાઇટ કર્ફ્યુ એટલે કે સાંજના 7.00 થી સવારના 7.00 વાગ્યા સુધી બધું ચુસ્ત બંધ રહેશે. જે વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યાં મોલ્સ, સ્વિમિંગ પૂલ, જીમ અને ધાર્મિક મેળાવડા યોજવા મનાઇ છે, જો તેનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કન્ટેઇનમેન્ટ ઝોનમાં પહેલાંની માફક જ લૉકડાઉનનનો ચુસ્ત અમલ કરાવવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2020 09:09 PM IST | Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK