Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દૂધના ટૅન્કરમાં છુપાઈને રાજસ્થાન જઈ રહેલા ૧૨ લોકો પકડાયા

દૂધના ટૅન્કરમાં છુપાઈને રાજસ્થાન જઈ રહેલા ૧૨ લોકો પકડાયા

29 March, 2020 07:38 AM IST | Mumbai Desk
Mumbai Correspondence

દૂધના ટૅન્કરમાં છુપાઈને રાજસ્થાન જઈ રહેલા ૧૨ લોકો પકડાયા

દૂધના ટૅન્કરમાંથી મજૂરોને બહાર કાઢી રહેલી પાલઘર પોલીસ.

દૂધના ટૅન્કરમાંથી મજૂરોને બહાર કાઢી રહેલી પાલઘર પોલીસ.


કોરોનાના કારણે લૉકડાઉન કરાતાં અને મહારાષ્ટ્રમાં આ વાઇરસના દરદીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી તમામ પ્રકારના વાહનવ્યવહાર બંધ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો જે કોઈ સાધન મળે એમાં પોતાના વતન તરફ જઈ રહ્યા છે. આવા એક મામલામાં પાલઘર પોલીસે દૂધના એક ખાલી ટૅન્કરની શંકાને આધારે તપાસ કરતાં એમાંથી રાજસ્થાન તરફ જઈ રહેલા ૧૨ મજૂરોને ગઈ કાલે ઝડપ્યા હતા.

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર તલાસરી ચેક પોસ્ટ ખાતે વાહનો ચેક કરી રહેલા પાલઘર પોલીસે મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા એક દૂધના ખાલી ટૅન્કરની તપાસ કરી હતી. ડ્રાઇવરે ટૅન્કર ખાલી હોવાનું કહ્યું હોવા છતાં શંકાને આધારે પોલીસે એ ખોલીને જોતાં એમાંથી કેટલીક મહિલાઓ સહિત ૧૨ મજૂરો મળી આવ્યાં હતાં.



પાલઘર પોલીસના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી મુંબઈ દૂધ પહોંચાડતા ટૅન્કરના ડ્રાઇવરને મુંબઈ અને આસપાસ મજૂરી કરતા લોકોએ રાજસ્થાન પહોંચાડવાનું કહ્યું હતું. ટ્રેન કે બસ બંધ હોવાથી લૉકડાઉનને કારણે બેકાર બની ગયેલા મજૂરો પાસે અત્યારે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ટૅન્કરના ડ્રાઇવરે અમુક રકમ લઈને મજૂરોને અંદર બેસાડ્યા હતા.


પાલઘર પોલીસના પ્રવક્તા હેમંત કાટકરે કહ્યું હતું કે ‘દૂધનું ખાલી ટૅન્કર તલાસરી ચેકપોસ્ટ પર આવ્યું ત્યારે એની તપાસ કરતાં એમાં મહિલાઓ સહિત ૧૨ લોકો હોવાનું જણાઈ આવતાં તેમને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ લોકો મજૂરો છે જે મુંબઈ અને આસપાસમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, પરંતુ લૉકડાઉનને લીધે કામકાજ બંધ થવાથી તેઓ વતન તરફ જવા નીકળ્યા હતા.’

ઉલ્લેખનીય છે કે શુક્રવારે આવી જ રીતે હૈદરાબાદથી મહારાષ્ટ્ર આવી રહેલાં બે કન્ટેનરમાંથી ૩૦૦ લોકોને તથા થાણેમાં ઉત્તર પ્રદેશ તરફ ટ્રકમાં જઈ રહેલા ૪૦ મજૂરોને પકડ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2020 07:38 AM IST | Mumbai Desk | Mumbai Correspondence

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK