લૉકડાઉનમાં ઑનલાઇન બર્થ-ડે પાર્ટી

Published: Mar 30, 2020, 06:40 IST | Shirish Vaktania | Mumbai Desk

અંધેરીનાં કચ્છી મમ્મી-પપ્પાએ ચાર વર્ષની દીકરી માટે આપી બર્થ-ડે પાર્ટી : ૮૫ લોકો ઑનલાઇન રહ્યા હાજર આ પાર્ટીમાં ને ઊજવ્યો રીવાનો જન્મદિવસ

ચાર વર્ષની રીવાનો બર્થ-ડે ઊજવતાં તેના મમ્મી-પપ્પા.
ચાર વર્ષની રીવાનો બર્થ-ડે ઊજવતાં તેના મમ્મી-પપ્પા.

કોરોના વાઇરસને લીધે દેશભરમાં લૉકડાઉન અમલમાં મુકાયો છે અને મોટા ભાગની જનતા સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરી રહી છે, એવામાં અંધેરીના એક પરિવારે પોતાની ચાર વર્ષની દીકરીનો જન્મદિવસ ઊજવવા એક અનોખી ટેક્નિક અપનાવી જેને લીધે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન પણ કરાયું અને દીકરીનો જન્મદિવસ પણ ઊજવાયો. વળી મજાની વાત એ હતી કે આ જન્મદિનની ઉજવણીમાં ૮૫ લોકો હાજર રહ્યાં હતા અને એ પણ ઑનલાઇન.
અંધેરી-વેસ્ટના આદર્શનગરમાં આવેલી જય પ્રભાત સોસાયટીમાં કૈલાશ છેડાની ચાર વર્ષની પુત્રી રીવાનો શુક્રવારે જન્મદિન હતો, પણ સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે લોકો ભેગા ન થઈ શકતાં હોવાને લીધે બર્થ-ડે પાર્ટી કરવી મુશ્કેલ હતી. એવામાં કૈલાશ છેડાએ એક ઍપ્લિકેશનની મદદથી રીવાના સોસાયટીમાંના અને સ્કૂલના ફ્રેન્ડ્સનાં માતા-પિતાનો સંપર્ક કર્યો અને તેમને જે-તે ડાઉનલોડ કરી સાંજે એક સમયે ઑનલાઇન આવવાનું કહ્યું હતું. સાંજે ૬ વાગ્યે લગભગ ૮૫ જેટલા લોકો એ ઍપ્લિકેશન પર ઑનલાઇન આવ્યા અને રીવાનો જન્મદિન ઊજવવામાં આવ્યો હતો. બધાએ રીવા માટે ચિયર કર્યું હતું અને રીવાએ મમ્મી ઉર્વીએ ઘરે બનાવેલી કેક કાપી હતી.
ટૂંકમાં આ છેડા પરિવારે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરીને પોતાની લાડકી દીકરીનો જન્મદિવસ ઊજવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK