એપીએમસી માર્કેટમાં રોજ 400 ટ્રકની આવક શરૂ

Published: Apr 09, 2020, 10:41 IST | Mumbai Correspondent | Mumbai

પચીસ ટકા કામકાજ વચ્ચે પણ અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થઈ રહેવાની સાથે વિતરણ પણ થાળે પડી રહ્યું છે

એમપીસી માર્કેટ
એમપીસી માર્કેટ

દેશભરમાં લૉકડાઉન વચ્ચે મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં અનાજ કરિયાણાની સપ્લાય માટેના મુખ્ય કેન્દ્ર એપીએમસીમાં છેલ્લાં કેટલાંક દિવસથી દરરોજ ૪૦૦ ટ્રક માલની આવક થઈ રહી છે. આથી અનાજની અછત ઊભી થવાની ચિંતા ટળી છે. અત્યારે કુલ ક્ષમતાનું ૨૫થી ૩૦ ટકા કામકાજ ચાલી રહ્યું હોવા છતાં કામકાજ ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે.

એપીએમસી માર્કેટમાં ગઈ ચાલે ચર્ચા હતી કે આવતી કાલથી ટ્રાન્સપોર્ટ ફરીથી બંધ થવાનું છે. આથી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ફરીથી અનાજની તંગી ઊભી થવાની શક્યતા જોવાઈ રહી હતી.

ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માર્કેટમાં અત્યારે કોરોના સંક્રમણની સાવચેતી રાખીને બધા કામકાજ બરાબર ચાલી રહ્યા છે એટલે ટ્રાન્સપોર્ટ બંધ થવાનો સવાલ જ નથી. હા, માલ ચડાવવા અને ઉતારવા માટે માથાડી કામગારો ઓછા હોવાથી થોડી મુશ્કેલી થઈ રહી છે. બાકી સામાન્ય સંજોગોમાં અહીં વેપારીઓ, વેપારીઓના માણસો, માથાડી કામગારો અને ટ્રકના ડ્રાઈવરો સહિત ૧૦ હજાર લોકો હોય છે એની સામે અત્યારે ૪ હજાર જેટલા લોકો જ આવી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે આમ પણ ઓછા લોકો માર્કેટમાં આવે અને કામકાજ ચાલે એ સારું છે.’

એપીએમસીમાં કામકાજ બરાબર ચાલે અને વેપારીઓ, માથાડી કામગાર અને વેપારીઓના માણસો સિવાયના લોકો અંદર ન આવી શકે એ માટે પાસ બનાવાયા છે. કમિટીએ આપેલા પાસથી બધાને એન્ટ્રી અપાય છે. કમિટી દ્વારા બે દિવસ બહારગામથી અનાજ ભરીને આવેલી ટ્રકોમાંથી માલ ઉતારવાનું અને બે દિવસ આ માલની સપ્લાય મુંબઈમાં કરી શકાય એ માટે ગોડાઉનોમાંથી માલ ટ્રકોમાં લોડ કરવાનું કરાઈ રહ્યું છે. આ સિસ્ટમથી અત્યારે એપીએમસી માર્કેટમાં કામકાજ ચાલી રહ્યું હોવાથી સપ્લાય ઓછી થવાની શક્યતા નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK