દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા સાત મહિનામાં આ પહેલીવાર છે, જ્યારે 24 કલાકમાં ફક્ત 10,000 કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન, કોરોના વાયરસને કારણે 137 મૃત્યુ નોંધાયા છે, જે આઠ મહિનામાં સૌથી ઓછા છે. સારી વાત એ છે કે દરરોજ આવતા નવા કેસની સંખ્યાથી તુલનામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. કોરોના વાઈરસથી સારા થયેલા લોકો અને સક્રિય કેસોના વચ્ચે અંતર વધીને એક કરોડથી વધારે થઈ ગયું છે.
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 10,064 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 17,411 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. તેમ જ આ સમયગાળામાં 137 લોકોનાં મોત પણ થયા છે, જે આઠ મહિનામાં સૌથી ઓછા છે. તેમાંથી 1 કરોડ 2 લાખ 28 હજાર 753 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં રોગચાળાને લીધે 1 લાખ 52 હજાર 556 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર દેશમાં 18 જાન્યુઆરી સુધી કુલ 18 કરોડ 78 લાખ 2 હજાર 827 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં સોમવારે ચકાસાયેલ 7 લાખ 9 હજાર 791 નમૂનાઓનો સમાવેશ થાય છે.
કેરળમાં નવા કેસ ઓછા થયા છે
પાછલા કેટલાક દિવસોની તુલનામાં સોમવારે કેરળમાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. જો કે, રવિવારે નમૂનાઓની તપાસમાં પણ ઘટાડો થયો છે, ઓછા કેસ શોધવાનું આ એક કારણ પણ હોઈ શકે છે. 3346 નવા કેસની સાથે કેરળમાં સંક્રમિતોનો આંકડો 8.50 લાખ થઈ ગયો છે. 1924 નવા કેસ મહરાષ્ટ્રમાં મળી આવ્યા છે, જેમાંથી મુંબઈમાં 395 નવા કેસ પણ સામેલ છે. મુંબઈમાં એપ્રિલ બાદ એક દિવસમાં નવા કેસોની આ સૌથી ઓછી સંખ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 19.92 લાખ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, કેરળ અને બંગાળ માત્ર આ ત્રણ જ રાજ્યોમાં 10 અથવા તેનાથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. સોમવારે પણ આ બંગાળમાં 10 લોકો, કેરળમાં 17 અને મહારાષ્ટ્રમાં 35 લોકોનાં મોત થયાં છે.
ગુજરાતમાં સ્કૂલ શરૂ થતાં જ 11 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં કે.એ.વનપરિયા કન્યા વિન મંદિરમાં વર્ગ શરૂ થયાના પહેલા જ દિવસે દસમાં અને બારમાં ધોરણના 11 વિદ્યાર્થીઓને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. રાજ્ય સરકારને નિર્ણયના પગલે નવ મહિના બાદ દસમાં અને બારમાં ધોરણના વર્ગ શરૂ થયા છે. છેલ્લા નવ મહિનાથી શાળાઓ બંધ હતી.